(પ્રતિનિધિ) પેટલાદ, તા.21
પેટલાદ પાલિકા કચેરી બહાર ટ્રી-પ્લાન્ટેશન કરવાનું હતું. જે માટે પેટલાદ પાલિકા સંચાલિત કૈલાસધામ પાછળથી માટી ખોદીને લાવવામાં આવી હતી. આ માટીના ઢગલામાંથી ભગવાન હનુમાનજીની મૂર્તિ મળી આવી હતી. મૂર્તિ મળ્યાની વાત વાયુવેગે શહેરમાં પ્રસરી જતાં લોકટોળા ઉમટી પડ્યા હતા. આ ભગવાન હનુમાનજીનું નાનકડું મંદિર પાલિકા કેમ્પસ બહાર જ બનાવવાનું પ્રમુખે જણાવ્યું હતું.
મળતી માહિતી મુજબ પેટલાદ નગરપાલિકા કેમ્પસ બહાર આજરોજ ટ્રી-પ્લાન્ટેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પ્લાન્ટેશન માટે માટી પુરાણ કરવા કૈલાસધામ પાછળથી માટી ખોદી લાવવામાં આવી હતી. આ માટીના ઢગલામાંથી હનુમાનજીની મૂર્તિ મળી આવી હોવાનું પાલિકા પ્રમુખ જીજ્ઞેશ જોષીએ જણાવ્યું હતું. તેઓએ વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે અયોધ્યામાં ભગવાન રામજીના મંદિરનું નવ નિર્માણ કરી ત્યાં આવતીકાલે રામ લલ્લા બિરાજમાન થવાના છે. તે પૂર્વે આજરોજ પેટલાદ પાલિકા બહાર આ રીતે હનુમાનજીની મૂર્તિ મળી આવતાં તે મૂર્તિને પાણી તથા દૂધથી અભિષેક કરવામાં આવ્યો છે. આ ભગવાન હનુમાનજીને પાલિકા કેમ્પસ બહાર જ 11×11 નું મંદિર બનાવી ત્યાં પ્રસ્થાપિત કરવામાં આવશે. જે માટે કામગીરી આજથી જ શરૂ કરી દેવામાં આવશે. આ સમગ્ર મામલે ઈ.ચા. ચીફ ઓફિસર હિરલ ઠાકરે જણાવ્યું હતું કે આ અંગે પ્રાંત અધિકારીને જાણ કરવામાં આવશે. ઉપરાંત હાલ જ્યાંથી મૂર્તિ મળી આવી છે ત્યાંજ રાખી તેની આસપાસ પતરાંથી જગ્યા કોર્ડન કરી લેવાઈ છે. ઉપરાંત ત્યાં હાલ પૂરતું પોલીસ બંદોબસ્ત મૂકવા પેટલાદ ટાઉન પીઆઇને પણ જાણ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અત્યારે સમગ્ર પેટલાદ રામમય બની ગયું છે તે સાથે જ આજે હનુમાનજીની મૂર્તિ મળી આવતાં શહેર તથા આજુબાજુના લોકટોળાં ઉમટી પડ્યા હતા. જ્યાંથી મૂર્તિ મળી આવી ત્યાં જ અભિષેક કરવા ઉપરાંત બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધી મુજબ મંત્રોચ્ચાર કરી આરતી પણ કરવામાં આવી હતી. ઉપસ્થિત સૌ હિન્દુઓએ આરતી બાદ હનુમાન ચાલીસા તથા રામધૂન કરી હતી.
પેટલાદ શહેરમાં હનુમાનજીની મૂર્તિ મળી
By
Posted on