નડિયાદ : નોલેજ હાઈસ્કુલમાં મુસ્લિમ વિદ્યાર્થીઓને નમાઝ પઢવા માટે અલગ રૂમ ફાળવવા મુદ્દે છેલ્લાં ચાર દિવસથી ચાલી રહેલાં વિવાદ અંતર્ગત શુક્રવારના રોજ હિન્દુ સંગઠનના હોદ્દેદારો, આગેવાનો તેમજ કાર્યકરોએ નોલેજ હાઈસ્કુલના ગેટ આગળ હનુમાન ચાલીસાના પાઠ કર્યાં હતાં. નડિયાદની નોલેજ હાઈસ્કુલમાં અભ્યાસ કરતાં મુસ્લિમ વિદ્યાર્થીઓને દર શુક્રવારે નમાઝ પઢવા માટે સ્કુલમાં જ અલગથી રૂમ ફાળવવામાં આવતો હોવાની ટેલિફોનીક વાતચીતની ઓડિયો ક્લિપ ગત મંગળવારના રોજ સોશ્યલ મિડીયામાં ફરતી થઈ હતી. આ ઓડિયો ક્લિપ જોતજોતામાં વાઈરલ થઈ જતાં ભારે વિવાદ સર્જાયો હતો. વિવાદને પગલે હિન્દુ સંગઠનોના આગેવાનો તેમજ વાલીઓ સ્કુલમાં પહોંચ્યાં હતાં. તે વખતે સ્કુલના સંચાલકો ભુગર્ભમાં ઉતરી ગયાં હોવાથી વિવાદ વધુ વકર્યો હતો.
નડિયાદમાં છેલ્લાં ચાર દિવસથી ચાલતાં આ વિવાદ અંતર્ગત શુક્રવારના રોજ યુવા હિન્દુ ધર્મપ્રેમી સંગઠનના હોદ્દેદારો, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો નોલેજ હાઈસ્કુલ ખાતે પહોંચ્યાં હતાં. જ્યાં તેઓએ સ્કુલના ગેટ આગળ બેસીને હનુમાન ચાલીસાના પાઠ કર્યાં હતાં. દરમિયાન કોઈ ધમાલ કે અટકચાળું ન થાય તે માટે સ્કુલના ગેટ આગળ જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. સ્કુલ તરફથી બાઉન્સરોનો પહેરો પણ ગોઠવવામાં આવ્યો હતો. જોકે, સમગ્ર મામલો શાંતિથી ઉકેલાતો પોલીસે પણ હાશકારો લીધો હતો. પરંતુ હિન્દુ સંગઠનોએ આ બાબતે આકરું વલણ દાખવ્યું હતું.
હવેથી એક પ્રકારના ધર્મવિશેષને અલાયદો ખંડ આપવામાં નહીં આવે : સંચાલકની બાંહેધરી
નડિયાદની નોલેજ હાઈસ્કુલમાં એક ધર્મ માટે અલગ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હોવાથી સર્જાયેલાં વિવાદને પગલે યુવા હિન્દુ ધર્મપ્રેમી સંગઠનના કાર્યકરો શુક્રવારે નોલેજ હાઈસ્કુલના ગેટ બહાર હનુમાન ચાલીસાના પાઠ કર્યાં હતાં. જે બાદ તેઓએ શાળામાં એક પ્રકારના ધર્મ વિશેષને અલાયદો ખંડ ન આપવાની બાંહેધરી દર્શાવતો પત્ર સ્કુલ સંચાલક સમક્ષ રજુ કર્યો હતો. સ્કુલ સંચાલકે આ પત્રમાં પોતાની સહી તેમજ સ્કુલનો સિક્કો મારી આવી ભુલ ફરી ક્યારેય નહીં થાય તેવી બાંહેધરી આપી હતી.