Columns

હેન્ગીંગ કોફી

એક નાનકડી કોફી શોપ હતી. ત્યાં સરસ બોર્ડ હતું. બોર્ડ પર લખ્યું હતું ‘હેન્ગીંગ કોફી’— ‘તમારી પાસે વધારે છે તો થોડું બીજા માટે આપો’અને સાથે જ નીચે લખ્યું હતું ‘વિથ લવ’— તમારે માટે અહીં કોઈએ ગરમ કોફીની ભેટ આપી છે. એક મુસાફર ત્યાં આવ્યો અને બોર્ડ વાંચ્યું પણ કંઈ સમજાયું નહિ. તે પોતાની એક કોફી અને બિસ્કીટની કુપન કાઉન્ટર પરથી લીધી અને કોફી લઈને ટેબલ પર બેઠો.તેણે જોયું કે બે જણ આવ્યા અને કહ્યું, ‘પાંચ કોફી, બે અમારા માટે અને ત્રણ ‘હેન્ગીંગ કોફી’.’કાઉન્ટર પરથી પાંચ કુપન આપવામાં આવી. એક જણ બે કોફી લેવા ગયું અને બીજા જણે ત્રણ કોફીની કુપન જઈને ‘હેન્ગીંગ કોફી’લખેલા બોર્ડ પાસે લગાવી દીધી.ત્યાં બીજી પણ કુપનો લાગેલી હતી. પેલા મુસાફરે આ જોયું અને તેણે વેઈટરને બોલાવીને પૂછ્યું, ‘આ બોર્ડ અને તેની પર લાગેલી કુપનોનો અર્થ શું છે?’ત્યાં બીજી બે છોકરીઓ આવી અને પાંચ હેન્ગીંગ કોફીની કુપન લઈને બોર્ડ પર લગાવીને ગઈ.

પેલા વેઈટરે કહ્યું, ‘આ અમારી વર્ષો જૂની પરંપરા છે.અહીં જે લોકો આવે છે તેઓ પોતાના માટે કોફી લે છે. ઈચ્છા મુજબ થોડી વધારે કોફીની કુપન ખરીદીને ‘હેન્ગીંગ કોફી’ના બોર્ડ પર લગાવે છે.’મુસાફરે પૂછ્યું, ‘પણ શા માટે?’વેઈટરે કહ્યું, ‘સર, બોર્ડ વાંચો.’મુસાફર બોર્ડ વાંચતો હતો ત્યાં જ એક વૃદ્ધ ફાટેલાં કપડાં પહેરેલો માણસ આવ્યો અને ‘હેન્ગીંગ કોફી’ના બોર્ડ પરથી એક કુપન લઈને થેન્કયુ નોટ ચિપકાવી અને કાઉન્ટર પર જઈને કુપન આપી.તે વૃદ્ધને કાઉન્ટર પર કોઈ પૈસા આપ્યા વિના ગરમાગરમ કોફી મળી અને આ જોઇને મુસાફરને પોતાનો જવાબ મળી ગયો. વેઈટર બોલ્યો, ‘અહીં ઠંડી બહુ પડે છે એટલે ઠંડીથી બચવા જરૂરિયાતમંદ લોકોને ગરમ કોફી મળી શકે તેને માટે આ રીત શરૂ કરવામાં આવી હતી અને વર્ષોથી ચાલુ જ છે.’

મુસાફરે વિચાર્યું કે ‘આ રીત તો કેટલી સુંદર છે. દુનિયાભરમાં દરેક રેસ્ટોરાંમાં આ રીત શરૂ થવી જોઈએ.એક નાનકડી અનુકંપા.વાત તો છે બે થી ત્રણ કોફીની કુપન પણ કેટલાં લોકોના જીવનને સારી અસર કરે છે.’મુસાફર ઊભો થયો અને કાઉન્ટર પર પાંચ હેન્ગીંગ કોફી કહીને કુપન લીધી અને બોર્ડ પર લગાવી.બોર્ડનો ફોટો પાડી પોતાના વિસ્તારમાં આ રીત શરૂ કરવાના નિશ્ચય સાથે નીકળી ગયો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top