શ્રેયા અને શેખર મિત્ર હતાં. એક સાથે ફરતાં. શેખરને શ્રેયા ગમતી પણ પ્રેમની હજી શરૂઆત થઇ ન હતી. એક દિવસ ધીમેથી હિંમત કરી ટેક્સીમાં શ્રેયનો સુંદર હાથ પોતાના હાથમાં લઇ શેખરે કહ્યું કે સુંદર મુખ તો ઘણી છોકરીઓનાં જોયાં છે પણ તારા જેટલો સુંદર હાથ નથી જોયો. શ્રેયા રાજી થઇ. પછી પોતાનો બીજો હાથ પોતાના શેખરે પકડેલા હાથ પર મૂકી બોલી, આ હાથ કયારેય નહિ છોડે ને? શેખર ખુશ થઇ ગયો, પ્રેમની શરૂઆત થઇ. પછી તો પ્રેમીપંખીડાં હાથોમાં હાથ લઇ ફરતાં અને સમય જતાં હાથોમાં હાથ લઇ સાત ફેરા પણ ફરી લીધા.
પરીકથા જેવું પ્રેમજીવન હતું. ચારે બાજુ સ્નેહનું રેશમ સુખ. સમૃદ્ધિની છોળો હતી. વર્ષો પસાર થતાં હતાં. હજી પણ શેખર શ્રેયાનો સુંદર હાથ પકડી પ્રેમનો પહેલો દિવસ યાદ કરતો. હવે તે બંનેનો હાથ પકડી ચાલનાર નાનો શિવેન પણ આવી ગયો. સમયે કરવટ લીધી. શેખરના ફેમીલી બિઝનેસમાં મોટી ખોટ ગઈ અને બધાએ શેખરને જવાબદાર ઠેરવ્યો. શેખરે બહુ મહેનત કરી રાત દિવસ જોયા વિના પત્ની પુત્રને ભૂલીને બસ રેતીમાં વહાણ ચલાવવાની ઘણી કોશિશો કરી. સારું થતું તો બધાને વાંધો ન હતો પણ જેવું કંઈક ખરાબ થતું તુરંત બધા શેખર પર આંગળી ચીંધતા. ભરપૂર સમૃદ્ધિના દિવસોમાં આ કોની મહેનત છે તે કોઈ ન જોતું હતું પણ જેવા તકલીફના દિવસો આવ્યા માતા, પિતા ,ભાઈ બધા જ જાણે શેખરની જ બધી ભૂલ હોય તેમ દોષારોપણ કરવા લાગ્યાં.
હવે શેખરને માટે પણ સહન કરવું અઘરું હતું. તેણે કંઈ પણ લીધા વિના ઘર છોડી દેવાનો નિર્ણય લીધો. શ્રેયાને જણાવ્યો ત્યારે શ્રેયા કંઈ ન બોલી. માત્ર શેખરનો હાથ પોતાના હાથમાં પકડી માત્ર આંખોથી કહ્યું, હું તને …તારા હાથને ..તારા સાથને કોઈ પણ પરિસ્થિતિમાં નહિ છોડું. શ્રેયા શેખર અને શિવેન માત્ર કપડાં લઇ ઘર છોડી ગયાં. એકમેકના સાથથી જીવન ફરી શરૂ કર્યું અને બંને જણ મહેનત કરી એકમેકની સાથે સુખી હતાં. એક સાંજે શેખરે શ્રેયાનો હાથ પકડી કહ્યું, ‘‘તારા સાથ અને તેં ઝાલેલા હાથ અને આપેલી હિંમતથી હું આજે ખુશ છું’’.શ્રેયા બોલી, “શેખર સાચો પ્રેમ… સાચો સંબંધ માત્ર સારા સમયમાં હાથોમાં હાથ લઇ ફરવામાં નહિ પણ ખરાબ સમયમાં હાથમાં લીધેલા હાથને સજ્જડ પકડી રાખી ન છોડવામાં છે. હું તારો હાથ કયારેય નહિ છોડું.”