હાલોલ: હાલોલ નગર પાલિકા દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા માટે સ્વચ્છતા પાછળ પ્રતિદિન એક લાખ રૂપિયા જેટલી માતબર રકમ ખર્ચ કરતી હોવા છતાં નગરમાં ઠેરઠેર ગંદકી જોવા મળી રહી છે. વહીવટી તંત્ર દ્વારા સફાઈ કામદારો નિયમિત સફાઇ કરે છે કે કેમ તેની પણ તકેદારી રાખતા નથી. નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યોને તેમજ પાલિકાના મુખ્ય અધિકારીને સફાઈ બાબતે દિનપ્રતિદિન સફાઈ બાબતે ફરિયાદો મળતી હોવા છતાં પણ નગર માં સ્વચ્છતા થતી નથી.
નગરમાં ડોર ટુ ડોર કલેકશન કરવાવાળા ટ્રેક્ટર પણ નિયમિત આવતા ન હોવાના કારણે રહીશો દ્વારા ગમેતેમ કચરો ફેંકે છે. બીજી તરફ નગરમાં સફાઇ કામદારો પણ નિયમિત રીતે સફાઈ કરવા આવતા નથી. અને જે જગ્યાએ સફાઈ કામદાર સફાઇ કરી થોડા થોડા અંતરે કચરા ની ઢગલી કરે છે તે ઢગલી ઉઠાવવા માટે ટ્રેક્ટર આવું ન હોવાના કારણે સફાઈ કરેલો કચરો પાછો હતો તેમ નો તેમ થઈ જાય છે.તેને લઇ નગર માં ઠેરઠેર ગંદકી જોવા મળી રહી છે. એક તરફ પાલિકા દ્વારા રોજના સફાઈ પાછળ એક લાખ રૂપિયા જેટલી રકમ ખર્ચે છે તો સફાઈ કેમ થતી નથી. તેવું નગરવાસીઓ ના મુખે ચર્ચાઈ રહ્યું છે.
બીજી તરફ હાલ વરસાદી ઋતુ શરૂ થઇ ગઇ હોવા છતાં નગરના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન હોવાને કારણે ઠેર ઠેર પાણી ભરાવાના તેમજ ગંદકી થવાની ફરિયાદો ઉઠવા પામી છે. છતાં પણ વહીવટીતંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવતા નથી. જેને લઇ તે વિસ્તારના લોકો વહીવટી તંત્ર ઉપર ફિટકાર વરસાવી રહી છે. આ સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆતમાં હાલોલ નગરવાસીઓ પણ આ મિશનમાં જોડાઈ પોતાનું આંગનું,પોતાનો મોહોલ્લો, પોતાનું ગામ,નગર સ્વચ્છ રહે તેવા પ્રયાસો કરતા હતા. પરંતુ નગર પાલીકા દ્વારા કરવામાં આવતી નિયમિત સફાઇ તેમજ ડોર ટુ ડોર કલેક્શન કરવામાં આવતા ટ્રેક્ટર પણ છેલ્લા ઘણા સમયથી નિયમિત આવતા નથી.