SURAT

હાઈકોર્ટમાં કેસ પેન્ડિંગ, છતાં સરકારે આજથી જ્વેલરીમાં હોલ માર્કિંગ ફરજિયાત બનાવતાં જ્વેલર્સની મૂંઝવણ વધી

સુરત (Surat): મુંબઇ અને દિલ્હી હાઇકોર્ટમાં હોલ માર્કિંગને (Hall marking) લઇ કેસ ચાલી રહ્યો હોવા છતાં કેન્દ્ર સરકારમાં ગ્રાહકો બાબતના મંત્રાલયે આવતી કાલે 16 જૂનથી જ્વેલરી પર હોલ માર્કિંગ ફરજિયાત કર્યું છે. તેને લઇ જ્વેલર્સની મૂંઝવણ વધી છે. સુરતમાં નાના-મોટા 1 હજારથી 1200 જ્વેલર્સ હોવા છતાં BIS માન્ય માત્ર 6થી 7 હોલ માર્કિંગ સેન્ટર છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં કુલ 3 હજાર જ્વેલર્સ સામે સુરતને બાદ કરતા 8 જેટલાં જ હોલ માર્કિંગ સેન્ટર છે. ગ્રામીણ વિસ્તારોમાં તો આવાં સેન્ટર બિલકુલ નથી. તે જોતાં ગ્રાહકો જ્વેલરીની પ્યોરિટી માટે ફરજિયાત હોલ માર્કિંગ સાથે સર્ટિફિકેટની માંગણી ગ્રાહકો શરૂ કરશે. બીજી તરફ નાની જ્વેલરી પર હોલ માર્કિંગ મુશ્કેલ છે અને જ્વેલર્સ પાસે કરોડોનો માલ પડ્યો છે. ઘણા જ્વેલર્સ (Jewelers) દ્વારા હોલ માર્કિંગ માટે હજી રજિસ્ટ્રેશન (Regestration) કરવામાં આવ્યું નથી અને યુનિક આઇડી નંબર (Unique ID Number) પણ લેવામાં આવ્યો નથી. તેના લીધે મુશ્કેલીઓ વધશે.

  • કરોડોની જૂની જ્વેલરીનો સ્ટોક હોલ માર્કિંગ વિના પડ્યો છે ત્યારે ગ્રાહકો હોલ માર્કિંગની ડિમાન્ડ કરતા થશે
  • દક્ષિણ ગુજરાતમાં 3 હજાર જ્વેલર્સ સામે માત્ર 8 હોલ માર્કિંગ સેન્ટર્સથી પહોંચી વળવું અશક્ય

ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનના સ્ટેટ ડિરેક્ટર નૈનેષ પચ્ચીગરે જણાવ્યું હતું કે, કાઉન્સિલના ડેટા પ્રમાણે 25 હજાર ટન જ્વેલરી હોલ માર્કિંગ વિનાની છે. આ જ્વેલરી પહેલાથી મજૂરીકામ ચૂકવી સ્ટોક કરવામાં આવી છે. તેમાં ખૂબ ઓછી જ્વેલરી 14 અને 18 કેરેટની છે. આવી સ્થિતિમાં જ્વેલર્સનો ખર્ચ વધી શકે છે.

સુરત જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ સલીમ દાગીનાવાલાએ જણાવ્યું હતું કે, હોલ માર્કિંગને લઇને હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે અને તેની સુનાવણી હાલ ચાલી રહી છે. હોલ માર્કિંગનો નિર્ણય જ્વેલર્સ અને ગ્રાહક બંને માટે સારો છે. પરંતુ સુરત સહિત રાજ્યમાં અને દેશમાં હોલ માર્કિંગને લગતું ઇન્ફાસ્ટ્રક્ચર હજી ઊભું થયું નથી. સરકાર આ મુદ્દે વધુ સ્પષ્ટતા કરે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ દક્ષિણ ભારતનાં રાજ્યોમાં 20 કેરેટ, જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્રમાં 22 અને 24 કેરેટની નક્કર લગડી જેવી જ્વેલરીની ડિમાન્ડ રહે છે. સરકારે તમામ કેટેગરીનો હોલ માર્કિંગમાં સમાવેશ કર્યો નથી તેને લઇને પણ મૂંઝવણ ઊભી થઇ છે.

Most Popular

To Top