વડોદરા: શહેરમાં જ્યાં જુઓ ત્યાં હોર્ડિંગ્સ રાજ જ ચાલે છે. નાનો મોટો કોઈ પણ કાર્યક્રમ હોય તો મસમોટા હોર્ડિંગ્સ લાગી જતા હોય છે. જો કે જોવા જેવી વાત એ છે કે આવી ખાનગી મિલ્કતો ઉપરના હોર્ડિંગ્સ થકી પાલિકાને માત્ર વર્ષે 3.25 કરોડની જ આવક થઇ છે. તો બીજી તરફ પાલિકાએ જે ઇજારદારોને ઈજારો આપ્યો છે તેમાંથી આવક 35 લાખ થાય છે.
હજારો હોર્ડિંગ્સ શહેરમાં લાગેલા હોય છે જો તેની આવક પાલિકાને થાય તો પાલિકાની તિજોરી ઉભરાઈ જાય તેમ છે પરંતુ કોના ઈશારે ગેરકાયદેસર હોર્ડિંગ્સ લગાવવાનો કારસો ચાલી રહ્યો છે તે તપાસનો વિષય છે.
શહેરમાં હોર્ડિંગ્સનો કાળો કારોબાર ચાલી રહ્યો હોય તેમ લાગી રહયું છે. આડેધડ હોર્ડિંગ્સ લગાવવામાં આવી રહ્યા છે. અને તેના માટે કોની પણ પરવાનગી લેવામાં આવતી નથી. હોર્ડિંગ્સ રાજ અંગે ગુજરાત મિત્ર દ્વારા મુહિમ ચલાવવામાં આવી હતી અને તેના પડઘા સ્વરૂપે પાલિકા દ્વારા ગેરકાયદેસર હોર્ડિંગ્સ હટાવી દેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે હજુ સુધી 500 થી વધુ હોર્ડિંગ્સ હટાવાયા છે અને હજુ કેટલાય બાકી છે. ત્યારે પાલિકા આ કામગીરીમાં જોતરાયું છે. હોર્ડિંગ્સની આવકની વાત કરીએ તો જે પ્રમાણે શહેરમાં હોર્ડિંગ્સ અને બેનરો લાગ્યા છે તે જોતા આવક થવી જોઈએ પરંતુ તેની સામે પાલિકાને કઈ ખાસ આવક થઇ નથી.
તો સવાલ એ થાય છે કે આ કારોબાર બારોબાર ચલાવે છે કોણ? અને આ કારોબાર કોના ઈશારે ચાલી રહ્યો છે? અધિકારીઓ અને હોર્ડિંગ્સના કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે ઘણા હોર્ડિંગ્સ તો પાલિકાના ચોપડે નોંધાતા પણ નહિ હોય. પાલિકા જો વ્યવસ્થિત રીતે ધ્યાન આપે તો પાલિકાની તિજોરી આ આવકથી છલકાઈ શકે છે પરંતુ કેટલાક અધિકારીઓને કદાચ તેમાં રસ નહિ હોય કારણ કે તેઓને તો માત્ર પોતાની તિજોરી છલકાય તેમાં જ રસ હોય છે. તો હોર્ડિંગ્સના ઇજારા અંગે પાલિકાની પી.આર.ઓ. શાખા દ્વારા જે ઈજારો આપવામાં આવ્યો છે તેમાં 35 લાખનો ઈજારો આપ્યો હોવાનું પી.આર.ઓ. અભિષેક પંચાલે જણાવ્યું હતું.