Trending

લંડનમાં ‘હલાલ’ વિવાદે ગરમાવો લીધો: સીખ રેસ્ટોરન્ટ માલિકની ધરપકડ, પછી છોડાયા

લંડનમાં ‘હલાલ મીટ’ને લઈને ઉભેલા વિવાદે હવે નવો વળાંક લીધો છે. લંડન સ્થિત ભારતીય રેસ્ટોરન્ટના માલિક Harman Singh Kapoorને પોલીસ દ્વારા થોડા સમય માટે અટકાયત કરવામાં આવી હતી. તેઓએ તેમના રેસ્ટોરન્ટમાં હલાલ મીટ ન વેચવાનો નિર્ણય લીધો હતો, જેના કારણે છેલ્લા કેટલાક દિવસોથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા હતા.

રેસ્ટોરન્ટ બહાર વિરોધ પ્રદર્શન : લંડનમાં આવેલ ‘Rangrez’ નામના રેસ્ટોરન્ટના માલિક કપુરે અગાઉ સોશિયલ મીડિયા પર આરોપ લગાવ્યો હતો કે કેટલાક મુસ્લિમ પ્રદર્શનકારીઓ તેમના રેસ્ટોરન્ટ સામે વિરોધ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે હલાલ ખોરાક ન વેચવાના નિર્ણય પછી તેમને ધમકીઓ અને દબાણનો સામનો કરવો પડી રહ્યો છે. કપુરે સોશિયલ મીડિયા પર કેટલાક વિડિયો પણ શેર કર્યા હતા, જેમાં રેસ્ટોરન્ટ બહાર મોટી સંખ્યામાં લોકો વિરોધ કરતા જોવા મળતા હતા.

પોલીસ દ્વારા અટકાયત : શનિવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડિયોમાં Harman Singh Kapoorને પોલીસ દ્વારા હાથકડી પહેરાવીને રેસ્ટોરન્ટમાંથી બહાર લઈ જતાં જોવા મળ્યા હતા. ત્યારબાદ તેમને પોલીસ વાનમાં બેસાડીને લઈ જવાયા હતા.આ ઘટનાને લઈને Metropolitan Police Service તરફથી સત્તાવાર રીતે હજુ સુધી વિગતવાર માહિતી આપવામાં આવી નથી. મીડિયા દ્વારા વધુ વિગતો મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલ મળતી માહિતી અનુસાર કપુરને થોડા સમય બાદ પોલીસ કસ્ટડીમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા હતા.

“મારા ધર્મને નિશાન બનાવાયું”: કપુર : ઘટના અંગે પ્રતિક્રિયા આપતા કપુરે જણાવ્યું કે તેમણે માત્ર પોતાના પરિવારની સુરક્ષા માટે પગલું લીધું હતું, છતાં પોલીસે તેમને જ અટકાયત કરી.તેમણે કહ્યું કે, “મેં માત્ર મારા પરિવારની રક્ષા કરવાનો પ્રયાસ કર્યો, છતાં મને જ ધરપકડ કરવામાં આવી. પોલીસે અમારી સુરક્ષા કરવાની જગ્યાએ મારા સીખ ધર્મ અને મારા વિશ્વાસને નિશાન બનાવ્યું. આ ચિંતાજનક બાબત છે.”

ફેબ્રુઆરીથી ચાલતો વિવાદ : આ સમગ્ર વિવાદ ફેબ્રુઆરી 2026થી વધુ ચર્ચામાં આવ્યો હતો. ત્યારે કપુરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું હતું કે છેલ્લા 16 વર્ષથી ચાલતા તેમના રેસ્ટોરન્ટને સતત ઓનલાઇન હેરાસમેન્ટ, વિરોધ પ્રદર્શન અને સુરક્ષા ન મળવાના કારણે થોડા સમય માટે બંધ કરવું પડ્યું હતું. પછી તેમણે એક વિડિયો પણ શેર કર્યો હતો જેમાં તેઓ રેસ્ટોરન્ટ બહાર વિરોધ કરી રહેલા લોકોને સાથે ઉગ્ર ચર્ચા કરતા જોવા મળ્યા હતા. રેસ્ટોરન્ટ બહાર લગાવવામાં આવેલા “We don’t serve halal” બોર્ડને લઈને જ આ સમગ્ર વિવાદ શરૂ થયો હોવાનું કહેવાય છે.

આ ઘટના બાદ લંડનમાં ધાર્મિક સ્વતંત્રતા, વ્યાપારી અધિકાર ,સામાજિક સંવેદનશીલતા વિશે નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.

Most Popular

To Top