SURAT

હજીરાની આ કંપની પ્રદૂષિત ગંદું પાણી સીધું જ દરિયામાં છોડી રહી છે, હાઈકોર્ટે નોટીસ ફટકારી

સુરત: (Surat) સુરતના હજીરામાં (Hajira) આવેલી આર્સેલર મિત્તલ -નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા લી.ના સ્ટીલ પ્લાન્ટ સામે સાયન્ટિફિક પ્રોસેસ વિના પ્રદૂષિત વેસ્ટ વોટર (Waste Water) સીધું દરિયામાં (Sea) છોડી દરિયાઈ વિસ્તારના પર્યાવરણને (Environment) નુકસાન પહોંચાડવા મામલે થયેલી પિટિશન મામલે હાઇકોર્ટે (High Court) કંપની અને રાજ્ય સરકાર (Gujarat Government) સામે નોટિસ (Notice) ઇસ્યુ કરી વધુ સુનાવણી (Hearing) ૨૮-૦૩-૨૦૨૨ના રોજ રાખવામાં આવી છે. પિટિશન કરનાર પર્યાવરણ વૈજ્ઞાનિક રોશની બી.પટેલે હાઇકોર્ટમાં વકીલ મારફત આરોપ મુક્યા હતાં કે AMNS કંપની હજીરા ગામના કાંસ થકી એસિડિક પ્રદૂષિત પાણી છોડતાં સીઆરઝેડ વિસ્તારમાં આવેલા પર્યાવરણીય સંવેદનશીલ વિસ્તાર તરીકે ચિહ્નિત મડફલેટ અને મેનગૃવને અસર થઇ છે.

  • ભારત સરકારના પર્યાવરણ મંત્રાલયના નિયમ અનુસાર કોઈપણ જાતનું શુદ્ધ કે પ્રદૂષિત પાણી કંપની બહાર છોડવાની મનાઈ છે
  • કંપનીએ સરકારના નિયમોનું ઉલ્લંઘન કર્યું, ગેરકાયદે મંજૂરી અપાઈ હોય તેમ પાણી છોડી રહી છે
  • કલેક્ટર, જીપીસીબી સહિતના જવાબદાર અધિકારીઓએ પણ કોઈ કાર્યવાહી કરી નહીં

વર્ષ ૨૦૧૦ અને ૨૦૧૬ના ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી મંજૂરીઓ મુજબ કંપનીને કોઈપણ જાતનું શુદ્ધ કે પ્રદૂષિત પાણી કંપની બહાર છોડવાની મનાઈ ફરમાવી છે. તેમ છતાં કંપનીએ મંજૂરી વિરુદ્ધ જઈ જાણે જીપીસીબીએ કંપનીને નદી, ખાડી અને દરિયામાં પ્રદૂષિત પાણી નાખવાની ગેરકાયદેસર મંજૂરી આપી હોય એ રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે. આ બાબતે જીપીસીબી, સુરત મહાનગર પાલિકા, કલેકટર સુરત, ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરીટી, ગુજરાત મેરીટાઇમ બોર્ડ, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગને લેખિત ફરિયાદો કરી પાણી બંધ કરવાની માંગ કરવામાં આવી હતી પણ સરકારી તંત્રો દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.

કંપનીએ ઔદ્યોગિક ગંદા પાણીનું શુધ્ધિકરણ કરી પુનઃવપરાશમાં લેવાનું હતું. પરંતુ ૨૭.૫૭ એમએલડી જેટલા પાણીના જથ્થાનો નિકાલ શુદ્ધિકરણ વગર દરિયામાં કરવામાં આવતા ફરિયાદ કરવામાં આવી છે. કંપનીએ પ્લાન્ટ સુધારણા માટેના પ્રોજેક્ટમાં વધુ પાણી સિંચાઇ વિભાગ પાસે માંગણી કરતાં વિભાગે માંગણી મંજૂર કરી હતી, તેની સામે પણ વાંધો રજૂ કરવામાં આવ્યો હતો. સુરત શહેરના નાગરિકો માટેનું જરૂરી પાણી ઉદ્યોગો રિસાયકલ કર્યા વિના દરિયામાં છોડી દઈ પ્રદૂષણ ફેલાવવાની વાત પર અને પાણીનો કરકસરયુક્ત વપરાશ નહીં કરવા છતાં સિંચાઇ વિભાગ અને મહાનગર પાલિકાએ પણ મૌન ધારણ કરી લીધું છે.

કાંઠા વિસ્તારમાં માછીમારીને અસર થઈ: રોશની પટેલ
પર્યાવરણ વૈજ્ઞાનિક રોશની પટેલે હાઇકોર્ટમાં કરેલી પિટિશનમાં જણાવ્યું છે કે, છેલ્લા કેટલાય વર્ષોથી ગંદુ પાણી 4 સ્થળોએ દરિયામાં, જંગલમાં, ગામના કાંસમાં અને પૂર્વ દિશામાં તાપી નદીના મુખમાં નાખવામાં આવતા પાણી પ્રદૂષણથી નદી-દરિયા કાંઠાના જીવોને માછલીઓને ભારે નુકસાન થયું હતું. પાણી પ્રદૂષણની સાબિતી માટે સરકાર માન્ય ઓડિટરનો રિપોર્ટ એસિડયુક્ત પ્રદૂષિત પાણી નીકળતા હોવાનો આવ્યો હતો. EC શરતોના પાલન બાબતે ખુદ MOEFCCના અધિકારીઓએ આપેલા રિપોર્ટમાં શરતોનું પાલન નહીં થતું હોવાની રિમાર્ક કરવામાં આવી હતી. જેથી સ્થાનિક પર્યાવરણની રક્ષા માટે, પાણી પ્રદૂષણ અટકાવવા માટે, માછીમારોની આજીવિકા બચાવવા માટે, સીઆરઝેડ વિસ્તારના નિયમોનું ઉલ્લંઘન અટકાવવા, પાણી પ્રદૂષણ કાયદાનું ઉલ્લંઘન અટકાવવા, ઔદ્યોગિક ગંદા પાણીનો પુનઃવપરાશ કંપની પાસે ફરજિયાત કરાવવા, કોઈપણ પ્રકારનું પાણી કંપનીની સીમા બહાર નહીં છોડવાની માંગ સાથે ગુજરાત હાઇકોર્ટમાં કેસ નંબર-WPPIL-૧૪/૨૦૨૨થી જાહેરહિતની યાચિકા દાખલ કરવાની ફરજ પડી છે.

અમે પિટિશનકર્તાના આક્ષેપો નકારીએ છીએ : કંપનીના પ્રવક્તા
અમે પિટિશનકર્તા અરજદારે કરેલા આક્ષેપો નકારીએ છીએ, એટલું જ નહીં તેઓ અમારી કંપનીમાં આવી પ્લાન્ટ વિઝિટ કરી શકે છે અને ગેરસમજો દૂર કરી શકે છે. AMNS હજીરા પ્લાન્ટમાં પર્યાવરણીય જાળવણી અને નાગરિક આરોગ્યની સલામતી માટે વર્લ્ડ બેસ્ટ ટેકનોલોજી ઇન્સ્ટોલ કરવામાં આવી છે. જીપીસીબીની લોક સુનાવણી દરમ્યાન પણ કંપનીના નિષ્ણાતોએ કાંઠા વિસ્તારના તમામ સંગઠનો, નાગરિકોના પ્રશ્નોના સંતોષકારક ખુલાસા કર્યા હતા. કંપની વૈશ્વિક માપદંડોને આધારે તેના પ્લાન્ટનું તમામ કાયદાઓના પાલન સાથે સંચાલન કરે છે તેમ કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું.

Most Popular

To Top