ભરૂચઃ વાલિયાનાં ડહેલી ગામ આદિવાસી સમાજના લોકોને કેટલીક માળખાગત સુવિધાઓનો ભારે અગવડ હોય એમ લાગે છે. કોઈ વ્યક્તિ પોતે દમ તોડે ત્યારે તેની અર્થી લઇ જવામાં ભર ચોમાસે કીમ નદીમાં કેડસમા પાણીમાં જીવના જોખમે ચાલીને જવા માટે મજબુર થવું પડે છે.
કમનસીબે મોતને ભેટેલા વ્યક્તિએ ખુલ્લામાં અગ્નિદાહ આપવો પડે એવી દશા ડહેલી ગામના આદિવાસીઓની છે. ડહેલી ગામનો પેચીદો પ્રશ્ન ઘણા વખતથી આદિવાસી સમાજને અંતિમયાત્રામાં જવા રોડ કે નદી પર હજુ કોઝવે ન બનતા આવી દારૂણ સ્થિતિમાં લોકો જીવે છે. જો કે આ મુદ્દે તમામ રીતે રજુઆતો કરી છતાં હજુ પરિણામ મળ્યું નથી.
અંદાજે દસ હજારથી વધુ વસ્તી ધરાવતું ડહેલી ગામમાં આદિવાસી સમાજ હજુ સ્મશાને જવા કોઈ સુવિધાઓ ન હોવાથી કફોડી યાતના વેઠવાનો વારો આવે છે. ડહેલી ગામના 49 વર્ષીય ધીરુભાઈ ગેમ્લભાઈ વસાવા કેન્સરગ્રસ્ત હોવાથી મંગળવારે જ તેઓનું મોત થયું. જે દિવસે દમ તોડ્યો એ જ દિવસે હવામાન ખાતા દ્વારા “રેડ એલર્ટ” જાહેર કરતા વાલિયા તાલુકામાં જાણે આભ ફાટ્યો હોય એવી દશા હતી.
તેઓની અંતિમયાત્રા નીકળી ત્યારે નનામી ઉંચકતા ડાઘુઓએ અગ્નિદાહ આપવા માટે નીકળ્યા હતા, જેમાં કીમ નદીનાં ધસમસતા પાણીના પ્રવાહમાં સામેના પાર જવાનાં હતા. કમનસીબે સામે જવા માટે કોઈ કોઝવે કે નાનકડું નાળું પણ ન હોવાથી આખરે પાણીનો પ્રવાહમાં ડાઘુઓએ અર્થીને ઊંચકીને પસાર થવાનો વારો આવ્યો હતો.
એટલું જ નહીં પણ અગ્નિદાહ આપવા માટે બળતણનાં લાકડાઓ પણ લોકોએ માથે ઊંચકીને કીમ નદીના કેડસમા પાણીમાં લઈને જવા માટે મજબુર બન્યા હતા. ભારે વરસાદને કારણે કીમ નદી બે કાંઠે વહેતા અંતિમયાત્રીમાં આવેલા લોકોએ મુશ્કેલીનો સામનો કરવા સિવાય કોઈ ઉપાય ન હતો. જો કે લોકોમાં નારાજગી હોવા છતાં પરિણામ ક્યારે આવશે એની રાહ જોયા સિવાય કોઈ છૂટકો ન હતો.