જસ્ટ ઈમેજિન, હેકર્સ કોઈ AI કંપનીનાં પેઈડ એજન્ટને ખરીદે છે અને એને આદેશ આપે છે કે એક્સ-વાય-ઝેડ કંપનીની સિસ્ટમને હેક કરવા માટે કોડ બનાવી આપ. થોડી સેકન્ડ પછી AI એજન્ટ તેમની અપાર કૃત્રિમ બુદ્ધિની મદદથી એ કોડ બનાવી આપે છે અને હેકર તેની મદદથી આખી સિસ્ટમ હેક કર્યા પછી ફરીથી AIને આદેશ આપે છે કે હવે ખંડણી માટે મેસેજ લખી આપ. AI એજન્ટ થોડી પળોમાં એવો મેસેજ પણ લખી આપે અને તેના આધારે ગણતરીની પળોમાં જ હેકરને માતબર રકમ ક્રિપ્ટો કરન્સીમાં મળી જાય.

તમે આ હજુ તો કલ્પનામાં વિચારો છો ને દુનિયાભરના હેકર્સે તેનો અમલ પણ કરી નાખ્યો છે. વિચાર કરો કે દુનિયા આખીના ખતરનાક હેકર્સ જો AI ટૂલનો ઉપયોગ હેકિંગ કરવા માટે કરવા માંડે તો શું થાય? તો આખા જગતમાં આર્થિક વ્યવહારની અરાજકતા સર્જાઈ જાય.
આ નર્યો ડર નથી. ખરેખર આવું શરૂ થઈ ગયું છે. અમેરિકાની આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ કંપની એન્થ્રોપિકે દાવો કર્યો છે કે તેની આધુનિક AI ક્લાઉડ સિસ્ટમનો ઉપયોગ હેકર્સ સાઇબર હુમલામાં કરવા લાગ્યા છે. હેકર્સ AIનો ઉપયોગ કરીને વાઇબ હેકિંગથી ખંડણી ઉઘરાવે છે. વાઈબ હેકિંગ એને કહેવાય કે જેમાં હેકર્સ AI એજન્ટની મદદથી વાઈબ કોડિંગ મેળવે છે અને તેનો ઉપયોગ કરીને કંપનીઓ કે સંસ્થાઓને નિશાન બનાવે છે. AIના સમય પહેલાં હેકિંગના કોડ હેકર્સે જાતે બનાવવા પડતાં અને તેમાં ઘણો સમય લાગતો. એના બદલે હવે હેકર્સે AIની મદદથી જ કોડિંગ મેળવવાનું શરૂ કર્યું છે. હેકર્સે જનરેટિવ AI ટૂલ્સની મદદથી ઓછામાં ઓછી 17 સંસ્થાઓ – જેમાં આરોગ્ય સેવા અને સરકારના વિભાગો વગેરેને નિશાન બનાવ્યા હતા. હેકર્સે ક્લાઉડ કોડ નામના એન્થ્રોપિકના AI એજન્ટનો ઉપયોગ સાઈબર હુમલા માટે કર્યો હતો. એનો અર્થ એ કે AI એજન્ટનું પેઈડ વર્ઝન ખરીદીને એનો દુરુપયોગ થઈ રહ્યો છે. યાદ રહે કે પેઈડ વર્ઝનમાં આપણે સૌ સામાન્ય રીતે યુઝ કરીએ છીએ એ AI ટૂલ્સ કરતાં વધારે સુવિધા મળે છે. એમાં ડીપ AI ટૂલ્સની મદદ મેળવી શકાય છે. આપણે ચેટજીપીટી કે જેમિનાઈ કે એવા કોઈ ટૂલ્સ પાસે માત્ર લોગઈન કરીને કોઈ જ રકમ ચૂકવ્યા વગર જે મદદ લઈએ છીએ એમાં કંપનીઓએ અમુક મર્યાદા સેટ કરી છે. જો કંપનીઓ મર્યાદા સેટ ન કરે તો કોઈ એનું પેઈડ વર્ઝન ખરીદે નહીં. કંપનીઓ જેને જનરેટિવ AI કહે છે એ એવું ટૂલ હોય છે કે તમે તમારા બિઝનેસ પ્રમાણે એને ડિઝાઈન કરાવી શકો છો. તમે હીરાનો બિઝનેસ કરતા હોય તો જનરેટિવ AI અથવા AI એજન્ટ્સને એ રીતે ડિઝાઈન કરી આપવામાં આવે છે કે જેમાં એ ટૂલ્સ તમારા બિઝનેસને લગતી ઝીણામાં ઝીણી વિગતો મેળવીને તમારી મદદ કરે છે.
હવે આવા જનરેટિવ AI મેળવીને હેકર્સ એનો દુરુપયોગ કેવી રીતે કરે છે એ પણ જાણી લો! પાસવર્ડ ચોરી કરવી અને નેટવર્કમાં ઘૂસણખોરી કરવી જેવાં કામો હેકર્સ હવે AI પાસે કરાવે છે. એટલું જ નહીં AIની મદદથી હેકર્સ ખંડણી નોટ્સ પણ બનાવે છે. હેકર્સે AIની મદદથી ચેતવણી આપેલી કે જો તેઓ માતબર રકમની ખંડણી નહીં ભરે તો તેમની સંવેદનશીલ વ્યક્તિગત માહિતી જાહેર કરી દેવામાં આવશે. ખંડણી માટે કેવા શબ્દો પ્રયોજવા અને શું ડિમાન્ડ કરવી એ પણ AIની મદદથી હેકર્સ નક્કી કરે છે. તમે કલ્પના કરો કે કેટલી હદે AIનો મિસયુઝ થઈ શકે છે.
અમેરિકાની આ AI કંપનીએ આવા હેકર્સને ઓળખી કાઢ્યા પછી તેમના એકાઉન્ટ્સ બ્લોક કરી દીધા હતા. કંપનીએ ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે નવી સુરક્ષા અને ઝડપી ચેતવણી સિસ્ટમ પણ શરૂ કરી છે પરંતુ એ વાત તો ખરી કે કંપની માટે પણ એ તો એક પડકાર છે જ કે હેકર્સ નવા નામથી ફરીથી AI ટૂલ ખરીદીને એનો ઉપયોગ કરે ત્યારે તેને કેવી રીતે ઓળખવા? આ માત્ર એન્થ્રોપિક સાથે જ બન્યું નથી. ગયા વર્ષે ઓપન AI એ પણ ખુલાસો કર્યો હતો કે ચીન અને ઉત્તર કોરિયાના હેકર્સો તેમના AI ટૂલ્સનો દુરુપયોગ કરી રહ્યા છે.
આ ઘટના પછી સાઈબર એક્સપર્ટ્સ ચેતવણી આપી રહ્યા છે કે AIનો દુરુપયોગ જો સાઈબર ક્રાઈમમાં વધશે તો મોટી અરાજકતા સર્જાશે. સેંકડો લોકોનો ડેટા જોખમમાં છે. અનેક સંસ્થાઓ અને વિભાગો પર હેકિંગને ખતરો છે.
AIનો ઉપયોગ શરૂ થયો ત્યારે એવી ગણતરી હતી કે એ માણસની મદદ કરશે. આજે જે રીતે AIનો ઉપયોગ ડીપફેકથી લઈને સાઈબર ક્રાઈમ જેવી બાબતોમાં થઈ રહ્યો છે તેનાથી ગંભીર ખતરો સર્જાઈ શકે છે. AI પર નિયંત્રણની માગણી પણ એટલે જ ઘણા એક્સપર્ટ્સ કરી રહ્યા છે કારણ કે AI વિકાસને બદલે વિનાશ સર્જવા તરફ જશે તો પછી બહુ મોડું થઈ ગયું હશે.
- આનંદ ગાંધી