નવી દિલ્હીઃ (New Delhi) કોરોના મહામારી (Epidemic) બાદ વિશ્વમાં વધુ એક રોગચાળાનો ખતરો છે. આ બીમારી કોરોના કરતા 100 ગણી વધુ જીવલેણ સાબિત થઈ શકે છે. વૈશ્વિક નિષ્ણાતો બર્ડ ફ્લૂની (Bird-Flu) મહામારીનો ભય સેવી રહ્યા છે. નિષ્ણાતો કહે છે કે આ કોવિડ -19 કટોકટી કરતાં વધુ વિનાશક હોઈ શકે છે. ખાસ વાત એ છે કે આ મહામારીમાં H5N1 સ્ટ્રેન ખાસ કરીને ગંભીર ખતરો પેદા કરી શકે છે. તાજેતરના બ્રીફિંગ અનુસાર વાયરસ સંશોધકોએ સંકેત આપ્યો છે કે H5N1 વૈશ્વિક રોગચાળાને ફેલાવવા માટે ‘ખતરનાક રીતે નજીક’ આવી રહ્યું છે.
આ રોગ અંગે વ્હાઇટ હાઉસે કહ્યું છે કે તે વિકસતી પરિસ્થિતિ પર સક્રિયપણે દેખરેખ કરી રહ્યું છે. તાજેતરના કેસોએ ખતરાની ઘંટડી વગાડી છે. ગાય, બિલાડી અને મનુષ્યો સહિત વિવિધ સસ્તન પ્રાણીઓમાં બહુવિધ H5N1 ચેપની શોધ દ્વારા આ બાબતની તાકીદ પર ભાર મૂકવામાં આવ્યો છે. આનાથી માનવીઓ વચ્ચે વધુ સરળતાથી ફેલાતા વાયરસના પરિવર્તન અંગે ચિંતા થાય છે. ડેઇલી મેઇલના અહેવાલમાં જણાવાયું છે કે ટેક્સાસમાં ડેરી ફાર્મ વર્કરનો વાયરસ માટે સકારાત્મક પરીક્ષણ થયા પછી આ ભય વ્યક્ત કરવામાં આવ્યો છે. છ રાજ્યોમાં ગાયોના 12 ટોળામાં અને ટેક્સાસમાં ત્રણ બિલાડીઓમાં પણ ચેપ નોંધાયો છે. આ બિલાડીઓનું મૃત્યુ વાયરસને કારણે થયું હતું.
નિષ્ણાતો માની રહ્યા છે કે બર્ડ ફ્લૂનો રોગચાળો ઝડપથી ફેલાવાની શક્યતા રહે છે. H5N1 એવિયન ફ્લૂ અમેરિકામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. અમેરિકાના દરેક રાજ્યમાં, તેની અસર જંગલી પક્ષીઓ તેમજ વ્યવસાયિક મરઘાં અને તેમના ઘરની પાછળના યાર્ડમાં ઉછેરવામાં આવતા પ્રાણીઓ પર જોવા મળે છે. યુ.એસ.ના ચાર અલગ-અલગ રાજ્યોમાં સસ્તન પ્રાણીઓની સાથે કેટલાંક પશુઓના ટોળાને ચેપ લાગ્યો હતો. પશુઓ ઉપરાંત આ વાયરસ ટેક્સાસમાં એક ડેરી વર્કરમાં પણ જોવા મળ્યો છે. આ રીતે બર્ડ ફ્લૂના કેસો વૈજ્ઞાનિકો તેમજ વિશ્વ માટે ભારે ચિંતાનો વિષય બન્યા છે.
ન્યૂ યોર્ક પોસ્ટે ડેઈલી મેઈલને ટાંકીને અહેવાલ આપ્યો છે કે પિટ્સબર્ગના જાણીતા બર્ડ ફ્લૂ સંશોધક સુરેશ કુચીપુડીએ તાજેતરમાં આ મુદ્દા પર ચર્ચા કરતા કહ્યું હતું કે વાયરસ ઘણા વર્ષોથી અને કદાચ દાયકાઓથી મહામારીની યાદીમાં ટોચ પર છે.