SURAT

સિક્કિમની બે યુવતીઓના આગમાં હોમાઈ જવાની ઘટનામાં જીમ સંચાલકોની ધરપકડ

સુરત: સિટી લાઈટ ખાતે જીમ અને બ્યુટી લોન્જમાં આગ લાગવાની ઘટનામાં બે યુવતીઓના મોત મામલે આખરે ઉમરા પોલીસે જીમ અને સ્પાના સંચાલકો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા આ મામલે જીમ-11ના સંચાલક શાનવાઝ હારૂન મિસ્ત્રી તેમજ એએલએફ હેર એન્ડ બ્યુટી લોન્જના સંચાલક દિલશાદ ખાન સલીમની ધરપકડ કરી લેવામાં આવી છે.

જ્યારે જીમ-11ના સંચાલક વસીમ રઉફ ચૌહાણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, જીમ તેમજ બ્યુટી લોન્જના સંચાલકો દ્વારા આર્થિક લાભ લેવા માટે જરૂરી એનઓસી લેવામાં આવ્યું નહોતું અને તેમની આ ભૂલને કારણે બે યુવતીઓના મોત થયા

  • જીમ-11ના સંચાલકો વસીમ રઉફ ચૌહાણ અને શાહનવાઝ હારુન મિસ્ત્રી તેમજ એએલએફ હેર એન્ડ બ્યુટી લોન્જના સંચાલક દિલશાદ ખાને ફાયરની જરૂરી એનઓસી લીધું નહોતું
  • ફાયરની એનઓસી લીધા વિના જ સંચાલકો દ્વારા જીમ અને સલુન ચલાવવામાં આવી રહ્યા હતા: પોલીસ

ડીસીપી ઝોન 4 વિજય સિંહ ગુર્જરે માહિતી આપતા જણાવ્યું હતું બુધવારે તા. 6 નવેમ્બરના રોજ બનેલી આગની ઘટના સમયે સ્પામાં ચાર મહિલાઓ અને એક કેર ટેકર સહિત પાંચ વ્યક્તિઓ ત્યાં હજાર હતા. જ્યારે આગ લાગી ત્યારે સૌથી પહેલાં તેની જાણ કેર ટેકર ને થઈ હતી અને તેને બુમામાબ મચાવી દીધી હતી. જેથી બે મહિલાઓ અને કેર ટેકર બહાર નીકળવામાં સફળ થયા હતા પણ અન્ય બે મહિલાઓ કે જેઓ સિક્કિમની રહેવાસી હતી તે બિન્નુ હનજરાજ અને મનીષા અંદર ફસાઈ ગઈ હતી અને ગૂંગળાઈ જવાના કારણે તેમનું મોત થયું હતું.

આ ઘટના બાદ પોલીસ દ્વારા બનાવ અંગે તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ વિભાગ, અઠવા ઝોન અને વીજ કંપનીને તપાસ કરી ઘટના અંગે પુરાવાઓ એકત્રિત કરવા સાથે જ તપાસ રિપોર્ટ રજૂ કરવા કહ્યું હતું. આ સાથે એફએસએલ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.

પોલીસની પ્રાથમિક તપાસ અને ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા સોંપવામાં આવેલા રિપોર્ટમાં અનેક પ્રકારની ક્ષતિઓ જણાઈ આવી હતી અને ખાસ કરીને જીમ અમે સ્પા સંચાલકો દ્વારા ફાયરની એનઓસી વગર જ જીમ અને સ્પા ચાલવામાં આવી રહ્યું હોવાનું ફાયર વિભાગ દ્વારા રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો. જેને આધારે આખરે ઉમરા પોલીસે જીમના સંચાલક વસીમ અને શાહનવાઝ તેમજ સ્પા સંચાલક દિલશાદ સામે સપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધી શાહનવાઝ અને દિલસાદની ધરપકડ કરી છે. જ્યારે આરોપી વસીમ ને વોન્ટેડ જાહેર કર્યો છે.

2022માં ફાયરનું એનઓસી અપાયું હતું અને ઓગષ્ટ 2024માં તેને રિન્યુ કરાયું હતું
પોલીસે જણાવ્યું હતું કે, સિટીલાઈટ વિસ્તારની શિવપૂજા શોપિંગ સેન્ટર ઈમારતના ત્રીજા માળે હોલ નં.1માં ભાડા પેટે આ જીમ-11 અને એએલએફ હેર એન્ડ બ્યુટી લોન્જ ચાલતું હતું. 11 જુન, 2019થી આ જીમ ચાલતું હતું. જ્યારે બ્યુટી લોન્જ ઓગષ્ટ, 2022થી ચાલી રહ્યું છે. દિવાળીને કારણે જીમ-11 બંધ હતું. જે તા.7મી નવે.થી શરૂ થવાનું હતું. જ્યારે એએલએફ હેર એન્ડ બ્યુટી લોન્જ તા.6ઠ્ઠી નવેમ્બરથી શરૂ થઈ ગયું હતું.

ઘટના બન્યા બાદ ફાયર પાસેથી અહેવાલ મંગાવવામાં આવ્યો હતો. જેમાં ફાયર વિભાગે રિપોર્ટ આપ્યો હતો કે શિવપૂજા શોપિંગ સેન્ટર બિલ્ડિંગનું ફાયર એનઓસી 2022માં આપવામાં આવ્યું હતું. બાદમાં ઓગષ્ટ 2024માં તેને રિન્યુ કરવામાં આવ્યું હતું. 2022 અને 2024માં ફાયર વિભાગ દ્વારા જરૂરી સૂચનાઓ સાથે નોટિસ પણ આપવામાં આવી હતી. જીમ અને બ્યુટી લોન્જના સંચાલકોની ગુનાહિત બેદરકારીને આ બે યુવતીના મોત થયા હોવાથી ત્રણેય સંચાલકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

ગરબડ હશે તો મનપાના અધિકારીઓ પણ રડારમાં આવી શકે છે
ડીસીપી વિજય સિંહ ગુર્જરે જણાવ્યું હતું કે જીમ અને સ્પામાં બનેલી આગની ઘટનામાં પોલીસ ગંભીરતાથી તપાસ કરી રહી છે. રાજકોટ ગેમ ઝોન અને સુરતમાં સર્જાયેલા તક્ષશિલા અગ્નિ કાંડ જેવી કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. અઠવા ઝોન અને વીજ કંપનીનો રિપોર્ટ આવવાનો બાકી છે ત્યારે આગામી દિવસોમાં નવા નામનો ઉમેરો થાય એવી શક્યતા નકારી શકાય એમ નથી. આ જોતા મનપાના અધિકારીઓ સામે પણ કાર્યવાહીની તલવાર લટકી રહી હોવાનું માની શકાય.

ચોકીદારે આગ ઓલવવાનો પ્રયાસ કર્યો પણ આગ વિકરાળ બનતાં ભાગી ગયો
પહેલા જીમ-11માં આગ લાગી હતી. જેથી કેરટેરકે આગ લાગવાની બૂમો પાડી હતી. જેને પગલે એએલએફ હેર એન્ડ બ્યુટી લોન્જની બે યુવતી દોડીને નીચે આવી ગઈ હતી. પરંતુ અન્ય બે યુવતી બહાર આવી શકી નહોતી. જે તે સમયે ચોકીદાર દ્વારા આગ ઓલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ આગ વિકરાળ બની જતાં ચોકીદાર પણ ભાગી ગયો હતો. આગને કાબુમાં કરીને ફાયરે જ્યારે અંદર પ્રવેશ કર્યો ત્યારે બંને યુવતીઓ મૃત હાલતમાં મળી આવી હતી. જેમાં

ઘટના બની ત્યારે એએલએફ હેર એન્ડ બ્યુટી લોન્જમાં ચાર યુવતી, એક કેરટેકર અને કેરટેકરનો મિત્ર હાજર હતા
જ્યારે ઘટના બની ત્યારે એએલએફ હેર એન્ડ બ્યુટી લોન્જમાં સિક્કિમની બે યુવતી, નાગાલેન્ડની બે યુવતી તેમજ કેરટેકર તરીકે તાપી જિલ્લાના એક પુરૂષ કર્મચારી પોતાના મિત્ર સાથે હાજર હતો. જોકે, ઘટના બન્યા બાદ કેરટેકર અને નાગાલેન્ડની બે યુવતી ભાગી ગઈ હતી. જ્યારે અન્ય બે સિક્કિમની યુવતીના મોત થઈ ગયા હતા.

કોની કોની સામે ગુનો નોંધાયો

  • જીમ-11ના સંચાલક વસીમ રઉફ ચૌહાણ (રહે. 47 નંબર, કોલોની, ઉધના દરવાજા) (વોન્ટેડ)
  • શાહનવાઝ હારુન મિસ્ત્રી (રહે. 179, અંબર કોલોની, ઉધના દરવાજા) (ધરપકડ)
  • એએલએફ હેર એન્ડ બ્યુટી લોન્જના સંચાલક દિલશાદ ખાન સલીમ ખાન (રસહે. 594, મુસ્લિમ પટેલ મહોલ્લો, અડાજણ ગામ) (ધરપકડ)

Most Popular

To Top