Gujarat

GUVNLએ અદાણી પાવર સાથે મળી 3900 કરોડનો ભ્રષ્ટાચાર આચર્યાનો કોંગ્રેસનો આક્ષેપ

અમદાવાદ: (Ahmedabad) ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ અને અદાણી પાવર મુન્દ્રા લિમિટેડએ (Adani Power Mundra Ltd) ભેગા મળીને ૩,૯૦૦ કરોડનું કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપ કોંગ્રેસે (Congress) કર્યા છે. જીયુવીએનએલ માટે કોલસો ખરીદવા અદાણી પાવર મુન્દ્રા લિમિટેડ સાથે કરાર કરવામાં આવ્યો હતો અને તે માટે ઇન્ટરનેશનલ ભાવ નક્કી કરવામાં આવે છે. આ કરાર મુજબ સરકારે કોલસો ખરીદવાના બદલામાં અદાણી કંપનીને છેલ્લા પાંચ વર્ષમાં બિલ રજૂ નહીં કર્યા હોવા છતાં ગુજરાત સરકાર દ્વારા અદાણી કંપનીને ચૂકવવાની રકમ ૯,૯૦૨ કરોડની સામે ૧૩૮૦૨ કરોડ રૂપિયા ચૂકવી દીધા છે. આમ ૩,૯૦૦ કરોડ રૂપિયા વધારે ચૂકવવામાં આવ્યા છે.

  • GUVNLએ અદાણી પાવર સાથે મળી 3900 કરોડનો ભ્રષ્ટાચાર આચર્યાનો કોંગ્રેસનો આક્ષેપ
  • પાંચ વર્ષમાં 9,902 કરોડ આપવાના થતાં હતાં, અદાણી પાવરને 13,802 ચુકવી દીધાં
  • આ એક પ્રકારનું મની લોન્ડરીંગ છે, ત્યારે ઈ.ડી., સી.બી.આઈ. અને સેબી કેસ દાખલ કરવા માંગ

કરોડોના આ ભ્રષ્ટાચારમાં કોણ કોણ સામેલ છે. કોના કહેવાથી આટલી મોટી વધારે રકમ મળતીયા કંપનીને ચૂકવી દેવામાં આવી, તે અંગે તટસ્થ તપાસ કરવામાં આવે તેવી, પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે માંગણી કરી છે.
ગોહિલે જણાવ્યું હતું કે, કરાર મુજબ ARGUSના ભાવ ધ્યાને લેતા અદાણીને ખરેખર વર્ષ ૨૦૧૮થી વર્ષ ૨૦૨૩ સુધીમાં મળવાપાત્ર રૂ. ૯,૯૦૨ કરોડ જ થાય છે, એટલે કે રૂ. ૩,૯૦૦ કરોડ ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડે અદાણીને વધારે ચૂકવી દીધા છે અને તે પરત આપી દેવા પત્ર લખી નાંખ્યો.

હકીકતમાં આ એક મોટું કૌભાંડ ચાલતું હતું અને જ્યારે તપાસ થશે તેવી બીક લાગી ત્યારે માત્ર પત્ર લખી નાખવામાં આવ્યો છે. આ રીતે ચૂકવાયેલ નાણાંનો બોજ આખરે ગુજરાતમાં વીજળીનો ઉપયોગ કરનારા ગુજરાતીઓના માથે ઝીંકાયો છે. વગર બિલો મેળવ્યે અને ARGUSના ભાવ કરતાં વધારે રકમ કોના કહેવાથી ચૂકવવામાં આવી? રૂ. ૩,૯૦૦ કરોડ વધારે ચૂકવી દીધા તેનું વ્યાજ અદાણી પાસેથી વસુલ કરવાનું શા માટે નથી લખાયું ? આ એક પ્રકારનું મની લોન્ડરીંગ છે ત્યારે ઈ.ડી., સી.બી.આઈ. અને સેબી કેસ દાખલ કરીને કેમ તપાસ કરતી નથી ? આવા અનેક સવાલો અંગે તટસ્થ તપાસ કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે, એવું શક્તિસિંહે ઉમેર્યું હતું.

Most Popular

To Top