ગુરુ તત્ત્વ એ કોઈ વ્યક્તિમાં જ હોય એવું જરૂરી નથી. તે દૈવી ઈશ્વરીય તત્ત્વ છે. તે એક ભાવાત્મક શક્તિ છે. વ્યક્તિપૂજા નથી. એક વ્યક્તિની અંદર રહેલા ગુરુ તત્ત્વની પૂજા છે. જે તત્ત્વ તમને કંઈક શીખવાડે, કંઈક સમજાવે, કંઈક શીખ આપી જાય તે ગુરુ તત્ત્વ છે. એક કલાકાર હતો. તળાવના કાંઠે તેણે એક બગલાને જોયો. બગલો માછલી હવામાં ઉડાડી પછી ચાંચમાં પકડી લેતો. કલાકારે સતત થોડા દિવસ રોજ બગલાને આમ માછલી પકડતાં જોયા કર્યો. એક દિવસ તેણે બગલાને પગે લાગીને પ્રાર્થના કરી, ‘હે બગલાજી, આજથી હું તમને મારા ગુરુપદે સ્થાપું છું. તમે મારા ગુરુ અને હું તમારો શિષ્ય.’પછી શિષ્ય ભાવે વંદન કરી કલાકાર ગુરુ બગલાની નકલ કરવા લાગ્યો.
પહેલાં ચોકલેટ. પછી ચમચી. પછી ચપ્પુ. પછી છરી અને છેલ્લે તલવાર આકાશમાં ઉડાડી મુખમાં દાંતથી પકડવામાં તે પાવરધો થઈ ગયો. દરરોજ કલાકાર તળાવના કિનારે જાય. પૂજ્ય ભાવથી પોતાના ગુરુ બગલાને વંદન કરે, પછી અભ્યાસ શરૂ કરે અને સફળ થયા પછી ફરી પાછા વંદન કરે. હવે કલાકાર પોતાની કલામાં પારંગત થઈ ગયો. પોતાની કલાને તે જાહેર કાર્યક્રમોમાં રજૂ કરવા લાગ્યો. તેની લોકપ્રિયતા વધતી ગઈ.એક વાર એક જાહેર કાર્યક્રમમાં કલાકારનું સન્માન કરવામાં આવ્યું. ત્યાર બાદ છાપાં, ટી.વી., રેડિયોવાળા ઇન્ટરવ્યૂ કરવા આવ્યા. પ્રશ્ન પૂછાયો ‘તમને આ કલા શીખવાડનાર ગુરુ કોણ છે?’ કલાકારના મનમાં વિચાર આવ્યો કે સાચું કહીશ તો કોઈ મારી વાત માનશે નહીં અને મારી મશ્કરી થશે. તેણે ગુરુ તત્ત્વને અવગણીને જવાબ આપ્યો – ‘હું મારી જાતે જ મારા પ્રયત્નોથી આ કલાને શીખ્યો છું.’
જાહેરમાં આવો જવાબ તો આપ્યો પરંતુ કલાકારનો અંતર આત્મા ડંખવા લાગ્યો. બીજા દિવસના કાર્યક્રમમાં જ્યારે તલવાર હવામાં ઉછાળી દાંતમાં ઝીલવા ગયો પણ કોણ જાણે કેમ તેનો વિશ્વાસ ડગ્યો, ભય લાગ્યો અને હવામાં ઉડાડેલી તલવાર તે દાંતમાં પકડી શક્યો નહીં. તલવાર ખભા પર પડી અને કલાકાર ઘાયલ થયો. કલાકારને તરત પોતાની ભૂલ સમજાઈ ગઈ. ઘાયલ ખભા સાથે તેણે કાર્યક્રમમાં જ બધાં શ્રોતાજનોને કહ્યું કે ‘આજે મારે એક વાત જણાવવી છે. મારા ગુરુ મનુષ્ય નહીં , પણ એક પંખી છે! મારા ગુરુ તળાવને કાંઠે માછલી પકડતા બગલાજી છે. ગુરુને મનોમન વંદન કરી તેણે ફરીથી તલવાર ઉડાડીને દાંતમાં ઝીલી લીધી હતી. લોકોએ તેને તાળીઓથી વધાવ્યો. કાર્યક્રમ બાદ કલાકાર ગુરુની માફી માંગવા વંદન કરવા તળાવે ગયો. જીવનમાં જે તત્ત્વ પાસેથી કંઈ શીખો તેને ગુરુ તત્ત્વ માનો અને ગુરુ તત્ત્વને ક્યારેય ન અવગણો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
