Charchapatra

ગુરુ કે ગુરુ ઘંટાલ?

વડોદરાની 19 વર્ષની શ્રાવિકા યુવતી તેના માતા-પિતા તેમજ ભાઈ સાથે 2017માં એક ઉપાશ્રયમાં દર્શનાર્થે ગયા હતા. તે દરમ્યાન વિધિને નામે યુવતીને નગ્ન ફોટાની જરૂર હોવાનું કહી કપડાં કાઢી દુષ્કર્મ આચર્યું. યુવતીની માનસિક હાલત એવી થઇ કે મનોચિકિત્સકની સારવાર લેવી પડી. આઘાતમાં તેના પિતાનું મોત થયું. ‘ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ’ માતા-પિતાથી પણ ગુરુનું સ્થાન ઊંચુ આંકવામાં આવે છે. ગુરુ શિષ્યમાં રહેલા ખોટા વિચારોને દૂર કરી સદ્દવિચારોનું સિંચન કરે છે જ્યારે અહીં તો ગુરુ જ દેવ મટીને દાનવ બની જાય છે ત્યારે શું કરવું? અહીં સૂચક રીતે જ ક્રાંતિકારી, રાષ્ટ્રીય સંત તરીકે જાણીતા એક અન્ય જૈન સંતે સાચું જ કહ્યું કે, બળાત્કારી સંત છે.

છતાં ઓસામા અને લાદેન જેવા આંતકવાદી કરતાં પણ વધારે ખતરનાક છે. આંતકવાદીઓ તો અમુક લોકોની હત્યા કરે, જયારે આ સંતે તો કરોડો લોકોની આસ્થાની હત્યા કરી છે.’ ધર્મની આડમાં આવી તો કંઇ કેટલીય ઘટતી ઘટનાઓ કયારેક પીડિતા પરિવાર કે ધર્મ સમાજની બદનામીના ડરે દફનાઈ જતી હશે.અહીં અપવાદને અવકાશ છે. લોકોએ પણ પોતાની વિવેકબુદ્ધિથી વિચારી આવા સંતોની અંધ ભક્તિમાં વશીભૂત ન થઇ, સાથે જ્યારે યુવાન દીકરી હોય ત્યારે ખાસ સચેત રહેવું જોઇએ. આવા કિસ્સા આપણાં સમાજ માટે લાલબત્તી સમાન છે.
સુરત     – કલ્પના બામણિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ગુજરાતીઓ દરિયા વ્યાપારમાં ભરતી લાવે
ગુજરાતનો દરિયાઇ કિનારો બહુ જ વિશાળ છે. જે સર્જનહાર કુદરતે આપેલી અનમોલ ભેટ અને સંપત્તિ છે છતાં હાલની સરકારે તેનો પૂરતો વિકાસ કર્યો નથી. આથી ગુજરાતી સાગરખેડુઓનો રસ ઘટતો જાય છે. ગુજરાતમાં જે નાણાં ભૂતકાળમાં દરિયાઈ વ્યાપાર મારફતે સંપાદન કરેલો હતો. તેઓ નાણાવટી કહેવાતાં હતાં. જેમનાં પર લક્ષ્મીદેવીની અપાર શ્રદ્ધા હતી. જેમણે અંગ્રેજોને ગાડાં ભરીને મદદ કરી હતી. વહાણવટુના વ્યાપારીઓની ઉદારતાને લીધે ગુજરાત સમૃદ્ધ ગણાતો હતો. ગુજરાતની પ્રજા આજકાલ અલગ થતી જાય છે, જેની અનુભૂતિ દરિયાઈ કાંઠાના વટેમાર્ગુ અને રહીશો વડે મળે છે. આથી જ ગુજરાતનો પૂર્વ ઇતિહાસ વાગોળવાનું મન થાય છે.

આજ કાલ દરિયાઇ કાંઠે ઓટ દેખા દેતી હોય તો પણ ભારત સરકાર વિકાસ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરે તો અને રસ દાખવે તો વ્યાપારમાં ભરતી જરૂરથી આવી શકે તેમ છે. કહેવાય છે કે સાહસે શ્રીપતિ વસતી. ભારતની જહોજલાલી આયાત નિકાસરૂપે દેશવિદેશોમાં બહોળા પ્રમાણમાં થતી હતી. જેને લીધે સુરતમાં દરિયાકિનારે ચોર્યાસી બંદરનો વાવટો ફરકતો હતો. અડધી સદી પહેલાં હાલના વિપક્ષોએ તે સમયે ધ્યાન આપી દરિયા કાંઠો વિકસાવવા સુશિક્ષિત રાજકારણી રણછોડલાલ પોપાવાળાએ સદરહુ કાર્ય અંગે અથાગ પ્રયત્નો કર્યા હતા. સર્જનહારે ગુજરાતને વિશાળ દરિયાઈ કિનારો આપેલ છે જેને વ્યાપાર તરીકે વિકસાવવો એ આપણા સૌની ફરજ છે.
સુરત     – ભૂપેન્દ્ર મારફતિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top