Columns

ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ….

સફળ બનેલા આ સુરતીઓની ‘ગુરુ’ચાવી

તમારા ગુરુ એ છે જે તમારા જીવનની રાહ બનાવે છે. તમારા જીવનની રાહ કંડારે છે. સંત કબીરે કહ્યું છે ને કે ગુરુ અને ગોવિંદ (ભગવાન) એકસાથે ઉભા હોય તો કોના ચરણોમાં શીશ ઝુકાવવા જોઈએ ગુરુના કે ભગવાનના ! આવી સ્થિતિમાં ગુરુના ચરણોમાં શીશ ઝુકાવવા જોઈએ કારણકે તેમને કારણે જ ભગવાનના દર્શનનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. ભારતમાં પ્રાચીન સમયથી જ ગુરુની ભૂમિકા મહત્ત્વની રહી છે તો આજના આધુનિક યુગમાં પણ ગુરુ વિના કદાચ જ કોઈએ જીવનના ધ્યેયનું શિખર સર કર્યું હશે. સુરતમાં એવી કેટલીયે હસ્તીઓ છે જેમણે સુરતને દેશ વિદેશના ફલક પર લઈ ગયા છે. માર્શલ આર્ટનું ક્ષેત્ર છે કે પછી સુરતને હરિયાળું બનાવવાનું ક્ષેત્ર હોય કે પછી ખેલનું કે અભિનયનું તેમાં એક્કો સાબિત થયેલા સુરતીઓને જીવનમાં પણ ગુરુનું સ્થાન મહત્ત્વનું રહ્યું છે. ચાલો આ 21 જુલાઈ ગુરુ પુર્ણિમા નિમિત્તે આપણે સુરતની એવી હસ્તીઓ પાસે જાણીએ કે જેમને સફળતા મળી છે તો તેમના ગુરુને કારણે તો તેમના ગુરુ કોણ છે, તેમના ગુરુએ તેમના જીવન પર કેવો પ્રભાવ પાડ્યો છે ?

T.V. જોવાની આદત છોડાવવા મારા કોચે TT ટેબલ માંગ્યું અને સ્પોર્ટસ પ્રત્યે મારામાં રસ જગાડયો: હરમીત દેસાઈ

કોમન વેલ્થમાં બે વાર ગોલ્ડ મેડલિસ્ટ અને એશિયન ગેમ્સના બ્રોન્ઝ મેડલિસ્ટ એવા દેશના ટોચના ટેબલ ટેનિસ પ્લેયર અને સુરતના પોતાના હરમીત દેસાઈ જે આજે દેશનું પેરીસ ઓલિમ્પિકસ 2024માં પ્રતિનિધિત્વ કરવા જઇ રહ્યા છે તેઓ જણાવે છે કે મારી પાંચ વર્ષની ઉંમરે ટેબલ ટેનિસ રમતમાં રસ જગાડનાર અને પાયામાંથી મને રમતનું જ્ઞાન આપનાર મારા પ્રથમ કોચ અને ગુરુ એવા શ્રી શબ્બીરભાઈ બંગાળીને હું આપું એટલું ક્રેડિટ ઓછું છે. તેમના શરૂઆતના અથાગ પ્રયત્નોથી જ હું આ મુકામે પહોંચી શક્યો છું. મારા માતા-પિતા કામમાં ખૂબ વ્યસ્ત રહેતા એટલે મને T.V. જોવાની આદત પડી ગઈ હતી. મારા ગુરુએ મારા પપ્પા પાસે TT ટેબલની માંગણી કરી અને મને શરૂઆતમાં ટ્રેન કરવાનું શરૂ કર્યું. આજે એમના જગાડેલા સ્પોર્ટસ પ્રત્યેના રસને કારણે હું આટલું અચીવ કરી શકયો છું.
મને જોબ પર ધ્યાન ન આપી એક્ટિંગમાં આગળ વધવાની સલાહ આપનારા મારા પપ્પા જ મારા શ્રેષ્ઠ ગુરુ રહ્યા છે- પ્રતિક ગાંધી

‘સ્કેમ-1992’ વેબસિરીઝથી ખ્યાતનામ બનેલા અને અનેક હિન્દી અને ગુજરાતી ફિલ્મો, વેબસિરીઝ અને નાટકોમાં ચમકી ચૂકેલા આપણા સુરતના પોતાના અને આજે દેશભરમાં પ્રખ્યાત એકટર પ્રતિક ગાંધી કહે ચે કે તેઓ પોતાના પિતા જયંત ગાંધીને પોતાના ગુરુ માને છે. પ્રતિકભાઈ જણાવે છે કે મારા પરિવારમાં બધા શિક્ષક રહ્યા છે. મારા પિતા સ્કૂલમાં પણ મારા શિક્ષક હતા. સાથે જ અમારા પરિવારમાં બધા શાસ્ત્રીય સંગિતમાં વિશારદ છે. મારા પિતા અને મારા કાકાઓ હવેલીમાં કિર્તન ગાતા અને હું નાનપણમાં તબલા વગાડતો. મને પરકશન ઈન્ટ્રુમેન્ટ વગાડવાની ખૂબ મજા આવે છે કલા પ્રત્યેની પ્રેરણા મને મારા પિતા તરફથી મળી છે. અમારા પરિવારનાં કલાને હંમેશા પ્રોત્સાહન અપાયું છે. મને પહેલેથી થિયેટરમાં કામ કરવા માટે એમણે પ્રોત્સાહિત કર્યો છે. મુંબઇમાં જોબ કરતો ત્યારે પણ તેઓ કહેતા કે આ જોબ છોડ અને એક્ટિંગ પર ધ્યાન આપ. આજે એમના એન્કરેજમેન્ટ અને મોટિવેશનને કારણે જ હું એક્ટિંગમાં આવ્યો અને સફળ થયો છું.
કર્મના સિદ્ધાંતો બતાવી મારી તમામ મનોકામના પુરી કરનાર ભગવાન શ્રીકૃષ્ણ મારા ગુરૂ છે: જયેશ દેસાઈ
સુરતના જાણીતા અને રિઅલ એસ્ટેટ, કન્ફેકશનરી, હોસ્પિટાલિટી અને એન્ટરટેઈનમેન્ટ સહિત અનેક વ્યવસાય ધરાવતા રાજહંસ (દેસાઈ-જૈન) ગ્રુપના ચેરમેન જયેશ દેસાઈએ જણાવ્યું હતું કે, મારાગુરૂ ભગવાન શ્રીકૃષ્ણ છે. કારણ કે હું કર્મના સિદ્ધાંતમાં માનું છું. ભગવાન શ્રીકૃષ્ણએ કર્મનો સિદ્ધાંત જ બતાવ્યો છે. ભગવદ્ ગીતામાં જે રીતે તેમણે કર્મ અને સાથે સાથે કર્તવ્યને સમજાવ્યું છે તે મને આકર્ષી ગયું છે. અને તેને કારણે જ મેં ભગવાન શ્રીકૃષ્ણને મારા ગુરૂ બનાવ્યા છે. નાનપણથી જ્યારે પણ મારી કોઈ મનોકામના હોય ત્યારે હું ભગવાન શ્રીકૃષ્ણ પાસે જઈને તેની પ્રાર્થના કરૂં છું અને મારી તે કામના પુરી થઈ છે. મને કાયમ ભગવાન શ્રીકૃષ્ણએ આગળ વધાર્યો છે. મારી સુખ અને સમૃદ્ધિમાં ભગવાન શ્રીકૃષ્ણના જ આશીર્વાદ છે. ગીતામાં તેમણે સમજાવેલા સિદ્ધાંતોનો મારા પર મોટો પ્રભાવ છે અને આ કારણે જ હું હંમેશા પોઝિટિવ જ વિચારૂં છું
મારા ગુરુ છે મેહુલ વોરા તેમણે મારા જીવનનો રોડ મેપ બનાવ્યો છે: વિસ્પી ખરાદી

વિસ્પી ખરાદી આ નામ સુરતીઓ માટે તો શું પણ દેશભરના લોકો માટે અજણ્યું નથી. માર્શલ આર્ટના ખેરખાં વિસ્પી ખરાદીને સ્ટીલ મેન ઓફ ઇન્ડિયાનું ઉપનામ મળ્યું છે. તેમણે માર્શલ આર્ટમાં 13 ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યા છે.તેમણે જણાવ્યું કે મારું માનવું છે કે ગુરુ એને કહેવાય જે તેમના શિષ્યની લાઈફ કેવી રીતે સુધારવી તેનો રસ્તો આપે. મારા ગુરુ છે મેહુલ વોરા જેઓ કુડો ઇન્ડિયાના ફાઉન્ડર છવા અને કુડો એશિયાના જનરલ સેક્રેટરી છે. તેમણે મારા લાઇફનો રોડ મેપ બનાવ્યો હતો અને તેને ફોલો કરીને આજે હું શું બન્યો છું તે તમે જાણો જ છો. ગુરુ એને કહેવાય જેમની પાસે જવાથી મેન્ટલ પીસ મળે, બહુ બધું જ્ઞાન મળે અને તેમની પાસે તને હોવ ત્યારે કોઈ પ્રકારનો તમને ડર નહીં લાગે કેમકે તે તમારી લાઇફનો રોડ મેપ બનાવતા હોય છે. મેં વર્ષો પછી જો કોઈને ગુરુ તરીકે જોયા હોય તો તે છે મેહુલ વોરા. હું તેમના વિશે એક લાઇનમાં કહું તો તેઓ માર્શલ આર્ટના જીવતા જાગતા એન્સાયકલોપેડિયા છે.
બિઝનેસમાં બેસ્ટ મેનેજમેન્ટના પાઠ શીખવાડનાર મારા ફાધર ઇન લો મારા ગુરુ છે: વિરલ દેસાઈ


ગ્રીન મેન તરીકે ઓળખાતા વિરલ દેસાઈએ સુરત અને આસપાસમાં 6 લાખ વૃક્ષો વાવ્યા છે અને વિતરણ કર્યા છે. તેઓ કેન્સરના દર્દીઓ માટે પણ સેવાકીય કર્યો કરી રહ્યા છે સાથે તેઓ એક સફળ બિઝનેસ મેન પણ છે. તેમણે જણાવ્યું કે ગ્રીન મેન બનવા તરફની મારી સફર પાછળ જે સંજોગો રહ્યા તે સામાજિક કાર્યો માટે મને મારા ફાધર સુધીર દેસાઈએ પ્રેરણા આપી પણ બિઝનેસમાં શ્રેષ્ઠ મેનેજમેન્ટના પાઠ હું મારા ફાધર ઇન લો રાજેશ જરીવાલા પાસેથી શીખ્યો છું એટલે તેમને હું મારા ગુરુ માનું છું. મારા ફાધર પણ ટેક્સટાઇલના બિઝનેસમાં હતા તો મારા ફાધર ઇન લો પણ આ બિઝનેસમાં લેજેન્ડ્રી કહી શકાય તેવું અનુભવનું ભાથું ધરાવે છે.મારી ફેકટરીના કેમ્પસને મેં 5 હજાર વૃક્ષોથી લીલોછમ કર્યો છે. મારી ફેકટરીમાં એનર્જી કન્ઝર્વેશન માટે મને નેશનલ એવોર્ડ મળ્યા છે.પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભાતાઈ પાટીલના હાથે આઉટસ્ટેન્ડિંગ આંત્રપ્રેન્યોરનો એવોર્ડ અને રાજ્યના 4 એવોર્ડ પણ મળ્યા છે. આ ફેક્ટરીમાં બેસ્ટ મેનેજમેન્ટનો જ ભાગ ગણાય અને તે માટે મને મારા ફાધર ઇન લોએ પ્રોત્સાહિત કર્યા છે એટલે તેમને હું મારા ગુરુ ગણું છું.

Most Popular

To Top