World

પિતાની સાથે ગન ટ્રેનિંગ! શું Kim Ju Ae બનશે North Koreaની આગામી શાસક?

ઉત્તર કોરિયાના તાનાશાહ નેતા Kim Jong Unની કિશોર વયની દીકરી Kim Ju Ae ફરી એકવાર ચર્ચામાં આવી છે. ઉત્તર કોરિયાની સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી નવી તસવીરમાં જુએએ પિસ્તોલ ફાયર કરતી જોવા મળે છે. આ તસવીર સામે આવ્યા બાદ ફરીથી ચર્ચા શરૂ થઈ છે કે જુએ ભવિષ્યમાં દેશનું નેતૃત્વ સંભાળવા તૈયાર કરવામાં આવી રહી છે. ઉત્તર કોરિયાની સરકારી મીડિયા મુજબ, જુએએ પોતાના પિતા સાથે એક મોટા હથિયાર ઉત્પાદન કારખાનાની મુલાકાત લીધી હતી. આ ફેક્ટરીમાં નવા પ્રકારના પિસ્તોલ અને અન્ય હલકા હથિયારો બનાવવામાં આવે છે. ત્યાં થયેલી મુલાકાત દરમિયાન જુએએ પિસ્તોલથી ફાયરિંગ કર્યું હતું અને તેની તસવીરો જાહેર કરવામાં આવી હતી. તસવીરમાં તે એક આંખ બંધ કરીને પિસ્તોલ ચલાવતા દેખાય છે અને ગનની નળીમાંથી આગ નીકળતી પણ દેખાય છે.


કારખાનાની મુલાકાત દરમિયાન Kim Jong Unએ પણ નવા પ્રકારના પિસ્તોલનું પરીક્ષણ કર્યું અને તેની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હોવાનું ઉત્તર કોરિયાની સત્તાવાર સમાચાર એજન્સી Korean Central News Agencyએ જણાવ્યું છે.
તસવીરોમાં કિમ જોંગ ઉન અને જુએ બંને કાળા લેધર જેકેટમાં જોવા મળે છે, જે ઉત્તર કોરિયામાં સત્તા અને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે. અધિકારીઓ બંનેને ફેક્ટરીમાં બનાવાતા હથિયારો વિશે માહિતી આપતા જોવા મળે છે.

વિશ્લેષકોનું માનવું છે કે જુએને સતત જાહેર કાર્યક્રમોમાં આગળ રાખવામાં આવે છે જેથી તેને ભવિષ્યના નેતા તરીકે પ્રોજેક્ટ કરવામાં આવે. દક્ષિણ કોરિયાની Kyungnam Universityના ઉત્તર કોરિયા નિષ્ણાત Lim Eul-chulના જણાવ્યા મુજબ, આ પ્રકારની તસવીરો દ્વારા સરકાર જુએને મજબૂત અને સૈનિકી નેતૃત્વ ધરાવતી મહિલા તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરી રહી છે.
જુએ પ્રથમ વખત વિશ્વ સમક્ષ 2022માં આવી હતી, તે પિતા સાથે આંતરખંડીય બેલિસ્ટિક મિસાઇલ પરીક્ષણ કાર્યક્રમમાં હાજર રહી હતી. તે પહેલાં તેની હાજરી વિશે માત્ર Dennis Rodmanએ 2013માં ઉત્તર કોરિયા મુલાકાત દરમિયાન માહિતી આપી હતી.

કિમ પરિવાર દાયકાઓથી North Korea પર કડક નિયંત્રણ સાથે શાસન કરી રહ્યો છે અને “પેક્ટુ બ્લડલાઇન” તરીકે ઓળખાતી પરિવારની વારસાગત પરંપરા ત્યાંની રાજનીતિમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. જુએના સતત જાહેર પ્રદર્શનોને કારણે હવે તે ભવિષ્યમાં દેશની આગેવાની સંભાળી શકે તેવી અટકળો વધુ મજબૂત બની રહી છે.

Most Popular

To Top