Gujarat

ગુજરાતના માથે “શાહીન” વાવાઝોડાનું તોળાતું સંકટ, NDRFની 18 ટીમો તૈનાત, દરિયા કાંઠાઓ પર એલર્ટ

ગુલાબ વાવાઝોડા નબળું પડ્યું છે (Gulab cyclon) પરંતુ તેની આડઅસર રૂપે અરબ સાગરમાં શાહીન નામનું વાવાઝોડું (Shahin Storm) સર્જાયું છે. આ વાવાઝોડાના લીધે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ (Heavy Rain in Gujarat) અને સૂસવાટાભેર પવન ફૂંકાવવાની આગાહી હવામાન વિભાગ (Weather Department) દ્વારા કરવામાં આવી છે. આ સાથે જ 30 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ અરબી સમુદ્ર (Arabian sea) માં ડીપ ડિપ્રેશન ઉદ્દભવે અને તે ગુજરાતના દરિયા કાંઠા વિસ્તારમાં ટકરાય તેવી ભય ઉભો થયો છે, જેના લીધે ગુજરાતના કોસ્ટગાર્ડના (Gujarat coastguard on high alert) તમામ સ્ટેશન પર હાઈએલર્ટનું એલાન કરી દેવાયું છે.

ગુજરાતનું તંત્ર હાઈએલર્ટ મોડ પર આવી ગયું છે. ગુલાબના કાંટા હવે વાગે તેવો ભય છે. જેના લીધે કોસ્ટગાર્ડ સ્ટેશનો નહીં છોડવા અધિકારીઓને આદેશ કરાયા છે. માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે. સંભવિત ચક્રવાતના પગલે દરિયાકાંઠે રડાર સ્ટેશનો પર સૂચનાઓને વારંવાર રીલે કરવામાં આવી રહી છે. પોરબંદર, ઓખામાં કોસ્ટગાર્ડની ટીમ એલર્ટ પર છે. આ વાવાઝોડાના પગલે રાજ્યમાં આજે રાત્રી સુધીમાં સૌરાષ્ટ્રના ૯ જિલ્લાઓમાં એન.ડી.આર.એફ.ની ૧૮ ટીમ સ્થાનિક તંત્ર સાથે સંકલનમાં રહી તૈનાત કરવામાં આવી છે તેમજ બે ટિમ સ્ટેન્ડ બાય તરીકે રાખવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં શાહિન વાવાઝોડું અને ભારે વરસાદની સ્થિતિની સમીક્ષા કરવા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.

હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી અનુસાર 30 સપ્ટેમ્બરના રોજ અરેબિયન સાગરમાં વાવાઝોડું ટકરાઈ શકે છે. ત્યાર બાદ તે પાકિસ્તાન તરફ ફંટાઈ શકે છે. દરમિયાન વાવાઝોડાની અસરના લીધે દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં જોરદાર પવન ફૂંકાવા સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને ગુજરાતના દમણ, દીવ, દાદરાનગર હવેલી તથા ઉત્તરીય કોંકણ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે.

ગુજરાતમાં પવન સાથે ભારે વરસાદની આગાહીના પગલે એનડીઆરએફ (NDRF) ની 20 ટીમ ડિપ્લોય કરાઈ છે. સૌરાષ્ટ્રમાં 8, દક્ષિણ ગુજરાતમાં 3 ટીમ તૈનાત કરાઈ છે. આ ઉપરાંત સુરત, વલસાડ, નવસારીમાં NDRFની ટીમ મોકલાઈ છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે પાટણ અને ખેડામાં NDRFની 1-1 ટીમ મોકલવામાં આવી છે. રાજ્યના પાટનગર ગાંધીનગર અને વડોદરામાં 3-3 ટીમ રિઝર્વ રાખવામાં આવી છે.

ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં દમણ, વલસાડ, સુરતના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી 3 દિવસ સુધી રાજયભરમાં વરસાદી માહોલ રહેશે. 30 સપ્ટેમ્બરે અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન ઉદ્દભવશે, ત્યારે વલસાડ જિલ્લાના તિથલના દરિયાકિનારે અત્યારથી જ ભારે કરંટ જોવા મળી રહ્યો છે. વલસાડમાં ભારે પવન સાથે વરસાદ ફૂંકાઈ રહ્યો છે. તિથલના દરિયા કિનારે 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે.

ડુમસ, સુંવાલી સહિતના દરિયાકિનારે જવા પર પ્રતિબંધ મુકાયો

ગુજરાતના દરિયા કિનારે શાહીન વાવાઝોડું ટકરાય તેવો ભય ઉભો થયો છે. અત્યારથી જ દરિયામાં કરંટ વધી ગયો છે ત્યારે અપ્રિય ઘટના બનતી અટકાવવા માટે હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખી ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રવાસીઓને દરિયાકિનારા પર જવા પર પ્રતિબંધ મુકી દેવાયો છે. સુરતના ડુમસ, સુંવાલી સહિત ઓલપાડ તેમજ વલસાડના તિથલ, દમણના દરિયા કિનારા પર 30 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી પ્રવાસીઓની અવરજવર પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.

Most Popular

To Top