ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશે ગુરુવારે વિશ્વ ચેસ ચેમ્પિયનશિપના 14મા અને અંતિમ રાઉન્ડમાં ચીનના ડિંગ લિરેનને હરાવીને ટાઈટલ જીત્યું હતું. લિરેનને હરાવીને તે સૌથી નાની ઉંમરનો વિશ્વ ચેસ ચેમ્પિયન બન્યો. 18 વર્ષની ઉંમરે તેણે ઈતિહાસ રચ્યો છે. રમતની શરૂઆત 6.5 પોઈન્ટથી થઈ હતી. ફાઈનલ મેચ પણ ડ્રો તરફ જતી હોય તેવું લાગતું હતું જ્યારે લિરેનની એક ભૂલ તેને મોંઘી સાબિત થઈ અને ગુકેશ જીતી ગયો. 12 વર્ષ બાદ કોઈ ભારતીય આ ખિતાબ જીતવામાં સફળ થયો છે.
ગુકેશ ડીનું પૂરું નામ ડોમરાજુ ગુકેશ છે અને તે ચેન્નાઈનો રહેવાસી છે. ગુકેશનો જન્મ 7 મે 2006ના રોજ ચેન્નાઈમાં થયો હતો. તેણે 7 વર્ષની ઉંમરે ચેસ રમવાનું શરૂ કર્યું. તેને શરૂઆતમાં ભાસ્કર નગૈયા દ્વારા કોચિંગ આપવામાં આવ્યું હતું. નાગૈયા આંતરરાષ્ટ્રીય સ્તરની ચેસ ખેલાડી રહી ચુક્યા છે અને ચેન્નાઈમાં હોમ ચેસ ટ્યુટર છે. આ પછી વિશ્વનાથન આનંદે ગુકેશને રમત વિશે માહિતી આપવાની સાથે કોચિંગ પણ આપ્યું. ગુકેશના પિતા ડોક્ટર છે અને માતા વ્યવસાયે માઇક્રોબાયોલોજીસ્ટ છે.
18 વર્ષીય ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશ ગુરુવારે સિંગાપોરમાં વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે. તેણે ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચીનના ડીંગ લિરેનને 7.5-6.5થી હરાવ્યો. આવું કરનાર તે વિશ્વનો સૌથી યુવા ખેલાડી બન્યો. આ પહેલા 1985માં રશિયાના ગેરી કાસ્પારોવે 22 વર્ષની ઉંમરમાં આ ખિતાબ જીત્યો હતો. ગુકેશે 14મી ગેમમાં ચીનના ખેલાડીને હરાવીને ટાઈટલ જીત્યું હતું. ચેમ્પિયનશિપની ફાઈનલ 25 નવેમ્બરથી શરૂ થઈ હતી, બંને વચ્ચે 11 ડિસેમ્બર સુધી 13 રમતો રમાઈ હતી. અહીં સ્કોર 6.5-6.5 પર બરાબર રહ્યો હતો. ગુકેશે આજે 14મી ગેમ જીતીને એક પોઈન્ટથી લીડ મેળવી હતી અને સ્કોર 7.5-6.5 કર્યો હતો.
વિશ્વનાથન આનંદ પછી બીજો ભારતીય ખેલાડી
ગુકેશ ચેસનો વર્લ્ડ ચેમ્પિયન બનનાર ભારતનો બીજો ખેલાડી બન્યો છે. વિશ્વનાથન આનંદ 2012માં ચેસ ચેમ્પિયન બન્યો હતો. ગુકેશે 17 વર્ષની ઉંમરે FIDE કેન્ડીડેટ્સ ચેસ ટુર્નામેન્ટ પણ જીતી હતી. ત્યારબાદ તે આ ખિતાબ જીતનાર સૌથી યુવા ખેલાડી પણ બની ગયો.
ગુકેશ ઘણી વખત દુનિયાને ચોંકાવી ચૂક્યો છે
ચેસ જગતના નવા સનસનાટીભર્યા 18 વર્ષના ગુકેશ પોતાની કારકિર્દીમાં ઘણી વખત દુનિયાને ચોંકાવી ચૂક્યો છે. આટલી નાની ઉંમરમાં તેણે ઘણા રેકોર્ડ બનાવ્યા છે. તે 12 વર્ષ, સાત મહિના, 17 દિવસની ઉંમરે ભારતનો સૌથી યુવા ગ્રાન્ડમાસ્ટર બન્યો અને માત્ર 17 દિવસથી વિશ્વના સૌથી યુવા ગ્રાન્ડમાસ્ટરનો ટેગ ચૂકી ગયો. તેણે ગયા વર્ષે પાંચ વખતના વિશ્વ ચેમ્પિયન વિશ્વનાથન આનંદને પાછળ છોડી 36 વર્ષમાં પ્રથમ વખત દેશના ટોચના ક્રમાંકિત ખેલાડીઓમાં પ્રવેશ કર્યો હતો. હવે તેણે તે પ્રભાવશાળી યાદીમાં વધુ એક સિદ્ધિ ઉમેરી છે.
138 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત એશિયાના બે ખેલાડીઓ સામસામે આવ્યા
ઈન્ટરનેશનલ ચેસ ફેડરેશન (FIDE)ના 138 વર્ષના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું હતું જ્યારે એશિયાના બે ખેલાડીઓ વર્લ્ડ ચેમ્પિયનના ખિતાબ માટે એકબીજાની સામે હતા. વિજેતાને રૂ. 20.86 કરોડ (US$2.5 મિલિયન) મળશે.