રાજપીપળા: નર્મદા જિલ્લાના તિલકવાડાના નલિયા ગામ પાસે કવાંટથી ઠસા જતી ગુજરાત એસટી (Gujarat ST) નિગમની બસમાં 65 જેટલા મુસાફર હતા. (passenger) તેનું ટાયર નીકળી જતાં પલટી મારી ગઈ હતી, જેમાં 15 જેટલા મુસાફરને નાની-મોટી ઈજા થઇ હતી અને 3 જેટલા મુસાફર ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ તમામ ઈજાગસ્તોને સારવાર માટે તિલકવાડાની સરકારી હોસ્પિટલમાં (Hospital) લઇ જવાયા હતા. આ ઘટનાની જાણ થતાં 108, તિલકવાડા પીએસઆઈ સહિત પોલીસ (Police) ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. અને બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
વલસાડના હરિયા રેલવે ફાટક પાસે ટ્રેન અડફેટે યુવકનું મોત
વલસાડ: વલસાડ તાલુકાના હરિયા રેલવે ફાટક પર મુંબઈ તરફના ટ્રેક પર એલસી ગેટ નં. 198/1 પાસે તા.21 સપ્ટેમ્બર 2022ના રોજ સાંજે 4-56 કલાકે 33 વર્ષીય રામનાથ રવિશંકર શર્મા કોઈ ટ્રેનની અડફેટે આવતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તા. 8 નવેમ્બરના રોજ સવારે 7-30 કલાકે મરણ પામ્યો હતો. લાશનું પીએમ કરાવી હાલમાં કોલ્ડરૂમમાં રાખવામાં આવી છે. મરણ જનાર રામનાથ શર્માનું સરનામું ખબર ન હોવાથી હજુ સુધી તેના વાલી વારસોનો કોઈ પત્તો લાગ્યો નથી.
ખડસુપા ગામ પાસે ડમ્પર અડફેટે આધેડનું મોત
નવસારી: ખડસુપા ગામ પાસે ડમ્પરના અજાણ્યા ચાલકે આધેડને ટક્કર મારતાં આધેડનું મોત નીપજ્યાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસમથકે નોંધાયો છે. નવસારી તાલુકાના ખડસુપા ગામ પાસે વલ્લભ ફળિયામાં નગીનભાઈ રમણભાઈ હળપતિ તેમના પરિવાર સાથે રહેતા હતા. ગત તા.11મીએ નગીનભાઈ તેમના ઘર પાસેથી રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. દરમિયાન એક ડમ્પર નં.(જીજે-21-વાય-9699)ના અજાણ્યા ચાલકે નગીનભાઈને ટક્કર મારી હતી અને નગીનભાઈના ધડથી પગ સુધી ડમ્પરનું ટાયર ફરી વળતાં છુંદાઈ ગયા હતા. જેના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈ મંગુભાઈએ નવસારી ગ્રામ્ય પોલીસમથકે ડમ્પરના અજાણ્યા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં આગળની તપાસ પી.એસ.આઈ. ડી.ડી.રાવલે હાથ ધરી છે.