ગાંધીનગર: ગુજરાત ATS (એન્ટી ટેરરિસ્ટ સ્કવોર્ડ)એ કચ્છમાંથી એક યુવકની ધરપકડ કરી છે. આ યુવક બીએસએફમાં પટાવાળા તરીકે નોકરી કરતો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આ યુવક સામે ભારતના સરહદીય વિસ્તારની ગુપ્ત માહિતીઓ પાકિસ્તાનને પહોંચાડવાનો આરોપ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બીએસએફમાં પટાવાળા તરીકે નોકરી કરતો કરતો યુવક પાકિસ્તાનની યુવતીના હનીટ્રેપમાં ફસાયો હતો. યુવતીના કહેવા પર તે ભારતના સરહદીય વિસ્તારની ગુપ્ત માહિતી અને ફોટા તે યુવતીને મોકલતો હતો. તેના બદલમાં યુવકને 25,000 રૂપિયા મળતા હતા.
આ યુવકનું નામ વિશાલ બડિયા હોવાની વિગતો સામે આવી છે. તે કચ્છનો વતની અને બીએસએફમાં પટાવાળા તરીકે નોકરી કરે છે. વિશાલ થોડા સમય અગાઉ સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાની યુવતીના સંપર્કમાં આવ્યો હતો.
યુવતી ખુબ જ સુંદર દેખાતી હોય વિશાલ તેના મોહમાં પડી ગયો હતો. ધીમે ધીમે વાત કરતા કરતા યુવતી પોતાની અંગત વાતોની સાથે ભારતની કેટલીક માહિતી, ફોટોગ્રાફ્સ અને નક્શા વિશાલ પાસે મંગાવતી હતી. વિશાલ યુવતીના કહેવા મુજબ માહિતી મોકલતો હતો. થોડા સમય બાદ યુવકે મોકલેલી માહિતીના બદલામાં તેને રૂપિયા મળવા લાગ્યા હતા. વિશાલને ફોટોગ્રાફ્સના બદલામાં 25 હજાર રૂપિયા મળ્યા હોવાનું અનુમાન છે.
ગુજરાત એટીએસ દ્વારા વિશાલની ધરપકડ કરી લેવાઈ છે. તેને કચ્છથી અમદાવાદમાં લઈ જવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં તેની વધુ પૂછપરછ કરવામાં આવશે. બીએસએફની કેટલીક ગુપ્ત માહિતી વિશાલે પાકિસ્તાનના હેન્ડલર સુધી પહોંચાડી હોવાની આશંકા છે.