કોરોનાના મામલે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી સુઓમોટો અરજીની સુનાવણી બુધવારે હાથ ધરાઈ હતી. આ સુનાવણી દરમિયાન હાઇકોર્ટ મ્યુકરમાઈકોસિસ રોગના ઇન્જેક્શન સંદર્ભે તેમજ વેક્સિનેશનના મુદ્દે રાજ્ય સરકારને વધુ એક વખત ફટકાર લગાવી હતી, સાથે જ હાઇકોર્ટ કહ્યું હતું કે મ્યુકરમાઈકોસિસના ઇન્જેક્શનની વિતરણની વ્યવસ્થા છે, તેમજ વેક્સિનેશનના મુદ્દે ઓનલાઇન વેક્સિનેશન પ્રક્રિયાની સાથે સ્થળ ઉપર રજીસ્ટ્રેશન સુવિધા ઊભી કરવામાં આવે તેવી તાકિદ કરી હતી.
ગુજરાત હાઈકોર્ટે વધુમાં ટકોર કરતા કહ્યું હતું કે મ્યુકરમાઈકોસિસના ઇન્જેક્શનના વિતરણ માટે એક્સપર્ટ કમિટી કોણે બનાવી ? અન્ય જિલ્લાઓમાં ઇન્જેક્શનના વિતરણની વ્યવસ્થા છે ? ઇન્જેક્શન વિતરણ માટે તમે અત્યાર સુધીમાં ત્રણ હોસ્પિટલો બદલી આવું કેમ ? તેવા વેધક સવાલો કર્યા હતા.
આ ઉપરાંત મ્યુકરમાઈકોસિસના ઇન્જેક્શનની ફાળવણી માટે બનાવેલી કમિટીમાં માત્ર મેડીકલ ઓફિસરોને જ રાખવામાં આવ્યા છે, જે યોગ્ય નથી. આ કમિટીમાં અન્ય ડોક્ટરોને પણ રાખવા જોઈએ. ઇન્જેક્શનની ફાળવણી કયા આધારે કરવામાં આવી રહી છે? તેવો વેધક પ્રશ્ન કર્યો હતો.
હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન એડવોકેટ મિહિર ઠાકોરે રજૂઆત કરી હતી કે ટેસ્ટની જગ્યાએ કેટલા લોકો કોરોના પોઝિટિવ છે, એ આંકડા રજૂ કરવા જોઈએ, તો વાસ્તવિક સ્થિતિ જાણી શકાય. વધુમાં ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓને જ રેમડેસિવિર ઇન્જેક્શન આપવામાં આવે છે. જેને ઓક્સિજનની જરૂર નથી, તેને ઇન્જેકશન આપવું યોગ્ય નથી. આ બાબતે મેડીકલ ઓફિસરોએ ધ્યાનમાં રાખવી જોઈએ. જેથી જરૂરીયાતવાળા દર્દીઓને ઇન્જેક્શન મળી રહે. હજુ પણ કેટલીક હોસ્પિટલોમાં આધારકાર્ડ માંગવામાં આવે છે. રોજના 2 લાખ જેટલું સરેરાશ વેક્સિનેશન કરવામાં આવે છે. 6.5 કરોડ રસીના ડોઝ માટે ઓર્ડર અપાયા છે.
વધુમાં અમે સ્પોટ રજિસ્ટ્રેશન માટે પ્રયાસ કરીશું. તેમણે વધુમાં કહ્યું હતુ કે, મે સુધીમાં 13 લાખ 68 હજાર 650 વાયલ કોવિશિલ્ડની રસી ઇન્સ્ટિટ્યૂટ ઓફ સીરમ ઇન્ડિયા પાસેથી લીધી, જ્યારે ભારત બાયોટેક પાસેથી 2 લાખ 49 હજાર 240 જેટલી કોવાક્સિન લીધી છે. ઈન્જેકશનના વિતરણના સ્થળ બદલવા અંગે તેમણે કહ્યું હતુ કે આ ઇન્જેકશનનું વિતરણ કોર્પોરેશનને આપવામાં આવ્યું હતું. પરંતુ ત્યાં યોગ્ય વ્યવસ્થા નહીં થતાં અમે સ્થળ બદલ્યા છે. અમે મેડિકલ ઓફિસરની ટીમ બનાવી છે જે તપાસ કરીને ઇન્જેકશન માટે મંજૂરી આપે છે.
સરકાર માત્ર ઓર્ડર આપ્યા કરે અને લોકોને કોરોનાની રસી મળે નહીં તેનો શું મતલબ? – હાઈકોર્ટ
હાઈકોર્ટે સરકારની ફટકાર લગાવતા કહ્યું હતુ કે કયા વય જૂથને રસી આપો છો તેમાં કોર્ટને રસ નથી. ક્યારે અને કેટલા ડોઝ આપશો, તે જણાવો. સરકાર માત્ર ઓર્ડર આપ્યા કરે અને રસી મળે નહીં તેનો શું મતલબ? સરકાર અન્ય રસી ઉત્પાદકોની રસી મેળવવા પ્રયત્નશીલ છે, તો રસીના ઓર્ડર આપવામાં ટેન્ડર પ્રક્રિયા કેમ અનુસરતા નથી? વિશ્વમાં 6 રસી ઉત્પાદકો જ છે. તો ગ્લોબલ ટેન્ડર મંગાવવામાં શું તકલીફ છે? તેવા આકરા પ્રશ્નો કર્યા હતા.
નિયંત્રણો માત્ર સામાન્ય માણસો માટે, રાજકીય આગેવાનો માટે કેમ નહીં?: હાઈકોર્ટ
દરમિયાનમાં હાઇકોર્ટમાં સિનિયર એડવોકેટ પર્સી કવિનાએ રજૂઆત કરતા કહ્યું હતું કે સરકાર દ્વારા બીજા તબક્કામાં જે નિયંત્રણો લાદવામાં આવ્યા છે, તે ખોટા છે. રાજકીય મેળાવડામાં લોકો ભેગા થાય છે, પરંતુ રિવરફ્રન્ટ પર બે વ્યક્તિઓ ઉભા રહી શકતા નથી. નિયંત્રણનું પાલન સામાન્ય માણસ પાસે કરાવવામાં આવે છે, પરંતુ રાજકીય આગેવાનો ઉદઘાટનમાં જાય છે, અને લોકોનું ટોળું ભેગું થતું હોય છે, ત્યારે તેમને કોઈ જ નિયમ લાગુ પડતા નથી. આવી બેદરકારી ભારે પડી શકે તેમ છે.
કોરોનાની રસી માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન મામલે કેન્દ્ર-રાજ્યના નિયમો જુદા કેમ?
આ ઉપરાંત અમદાવાદમાં કોરોનાના કેસ અને બેડ માટે હોસ્પિટલોમાં રીયલ ટાઈમ માહિતી આપવામાં આવતી નથી. કેન્દ્ર સરકાર દ્વારા વેક્સિન માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન મરજીયાત કરવામાં આવ્યું હોવા છતાં રાજ્ય સરકાર ઓનલાઇન રજિસ્ટ્રેશનનો આગ્રહ રાખે છે. ત્યારે એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે, અમે સ્પોટ રજિસ્ટ્રેશન માટે પ્રયાસ કરીશું.