ગાંધીનગર : ડીગ્રી એન્જિનિયરિંગ (Engineering), ડીગ્રી/ડિપ્લોમા ફાર્મસી (Degree diploma pharmacy) અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજકેટ (GUJCET 2021)ની પરીક્ષાઓ લેવા માટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તૈયારીઓ આરંભી દેવાઈ છે. અને 23 જુનથી ગુજકેટની પરીક્ષાઓ માટે ફોર્મ ભરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અન્વયે એક અખબારી યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે ડીગ્રી એન્જિનિયરિંગ, ડીગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા A,B અને AB ગ્રુપના HSC વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજકેટ 2021ની પરીક્ષાની માહિતી પુસ્તિકા અને ઓનલાઈન આવેદનપત્ર ભરવાની સૂચનાઓ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર મૂકવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે એન્જીનીયરીંગના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે આ પરીક્ષા ખુબ જ અગત્યની માનવામાં આવે છે, અને તેના માર્ક્સના મેરીટ પ્રમાણે ગ્રાન્ટઈન કોલેજોમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ માટે એક સરળતા પણ થઇ રહે છે. ગુજકેટ 2021 ની પરીક્ષાનુ આવેદનપત્ર બોર્ડની વેબસાઈટ www.gseb.org તથા gujcet.gseb.org પરથી 23 જુનથી બપોરે 12.30 કલાકથી 30 જુન દરમિયાન ઓનલાઈન ભરી શકાશે. ગુજકેટની પરીક્ષા ફી પણ ઓનલાઈન ભરી શકાશે. સાથે જ ધોરણ 10 અને 12ના રિપીટર, ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ પણ જાહેર કરાયો છે.
ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓનો પરીક્ષા કાર્યક્રમ પણ જાહેર
મહત્વની વાત છે કે જ્યારથી ધોરણ 10 અને 12 (SSC & HSC) માટે માસ પ્રમોશન માટેની જાહેરાત થઇ હતી, ત્યારથી ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓ માટે અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા હતા, ત્યારે હવે આ તમામ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે, અને આખરે ધોરણ 10 અને 12ના રિપીટર, ખાનગી અને પૃથ્થક વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. ધોરણ 10 અને 12ના રીપીટર, ખાનગી અને પૃથ્થક ઉમેદવારોની પરીક્ષા જુલાઈમાં યોજાશે.
આ તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા 15 જુલાઈથી 28 જુલાઈ દરમિયાન યોજાશે. પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ બોર્ડ દ્વારા જાહેર કરાયો છે. વિદ્યાર્થીઓ www.gseb.org પર પરીક્ષાનો સંપૂર્ણ કાર્યક્રમ જોઈ શકશે.