Gujarat

અમરનાથની યાત્રાએ ગયેલા સુરત-વડોદરાના 30 યાત્રાળુઓ ફસાયા, મદદ માટે આજીજી

ગાંધીનગર: ખરાબ હવામાનના (Bad weather) કારણે અમરનાથ (Amarnath) યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં ખરાબ હવામાનના કારણે બેઝ કેમ્પ બાલતાલ અને પહેલગામ બંને રસ્તાઓ (Road) પર યાત્રાળુઓને આગળ વધતા અટકાવવામાં આવી રહ્યાં છે. દરમિયાન એવી માહિતી સાંપડી છે કે ગુજરાતના (Gujarat) 30 લોકો ખરાબ હવામાનના લીધે ફસાઈ ગયા છે. ફસાયેલા યાત્રાળુઓએ એક વીડિયો (Video) શેર કરીને ગુજરાત સરકાર (Gujarat Govt) પાસે મદદ માગી છે.

બાબા બર્ફાનીના દર્શન માટે અમરનાથની યાત્રાએ ગયેલા ગુજરાતના 30 યાત્રાળુઓ ત્રણ દિવસથી ખરાબ વતાવરણના કારણે ફસાયા છે. 30 યાત્રાળુઓમાં 10 સુરતના જ્યારે 20 વડોદરાના હોવાનું સામે આવ્યું છે. જાણકારી મુજબ ભારે વરસાદના કારણે યાત્રાળુઓના ગરમ વસ્ત્રો પણ ભીના થઈ ગયા છે. ગાદલા અને ટેન્ડ પણ ભીના થઈ ગયા છે. તેથી યાત્રાળુઓએ બે ગણી કિંમતે ગરમ વસ્ત્રો ખરીદવા પડી રહ્યાં છે. ભીના કપડાં, ભીના ગાદલાં અને ભીના ટેન્ટ સાથે -2 ડિગ્રી ઠંડીમાં ત્રણ દિવસથી ફસાયેલા ગુજરાતીઓની તબિયત બગડી રહી છે. આ ગુજરાતીઓએ એક વીડિયો વાયરલ કરી ગુજરાત સરકારને મદદ માટે અપીલ કરી છે. યાત્રાળુઓએ વાતાવરણમાં ઉઘાડ આવે તો હેલિકોપ્ટરની મદદથી તેઓને તરત નીચે ઉતારવા આજીજી વીડિયોમાં કરી છે.

ગુજરાત સરકારને મદદ કરવા કરી અપીલ
વીડિયોમાં જોઈ શકાય છે કે યાત્રાળુઓના ટેન્ટમાં પાણી પડી રહ્યું છે જેના કારણે ગાદલા સહિતનો તમામ સમાન પલળી રહ્યો છે. બાળકોએ પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વીડિયોમાં કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત સરકાર અમને મદદ કરો અને અમારું અહીંથી રેસ્કયુ કરો. માઈનસ ડિગ્રી ટેમ્પરેટરના કારણે ઠંડીથી ઠુઠવાઈ ગયા છે. બાળકોને તાવ આવી રહ્યો છે. અને અહીં ગરમ કપડા ખરીદવા માટે અમારે બે ગણાં ભાવ ચૂકવવા પડી રહ્યાં છે. જણાવી દઈએ કે 62 દિવસ સુધી ચાલનારી અમરનાથ યાત્રા 31 ઓગસ્ટ 2023ના રોજ સમાપ્ત થશે.

જો મદદની જરૂર હશે તો ગુજરાત સરકાર મદદ માટે ઉભી રહેશે: હેમાલી બોઘાવાલા
અમરનાથ ગયેલા યાત્રાળુઓનો વીડિયો સામે આવ્યાં પછી સુરતના મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે ભારે વરસાદના કારણે આ યાત્રામાં સુરતનાં 10 જ્યારે વડોદરાનાં 20 લોકો ફસાયા છે. વાતાવરણમાં ઉઘાડ આવતા જ ત્યાંનુ વહીવટી તંત્ર તમામ ફસાયેલા યાત્રાળુઓને બહાર કાઢશે. તેમણે વધુમાં જણાવ્યું કે જો જરૂર લાગશે તો ગુજરાત સરકાર પણ મદદે જશે અને ફસાયેલા તમામ યાત્રિઓને સલામત સ્થળે ખસેડશે.

ચિંતા જેવું કશું નથી: SEOC
ગુજરાતના યાત્રાળુઓ ફસાયા હોવાના સમાચાર વહેતા થતા સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના (SEOC) ડેપ્યુટી જિતેન્દ્રસિંહ વાઘેલાએ તાત્કાલિક જમ્મુ કાશ્મીરના તંત્રનો સંપર્ક કર્યો હતો. જ્યાંથી એવી માહિતી સાંપડી હતી કે, ખરાબ હવામાનના લીધે યાત્રા અટકાવી દેવાઈ છે. કોઈ યાત્રાળુઓ ફસાયા નથી. યાત્રાળુઓને કેમ્પમાં રાખવામાં આવ્યા છે. ચિંતા જેવું કશું નથી.

 

Most Popular

To Top