Gujarat

ચૂંટણી આવતા જ જાતિ, ધર્મ વચ્ચે વૈમનસ્ય કરનારા તત્વો સક્રિય થઈ જાય છે : કોંગ્રેસ

અમદાવાદ: ગુજરાત (Gujart) સહિત સમગ્ર દેશના મંદિરમાં (Temple) પહેલા પણ ઝાલર વાગતા અને મસ્જિદમાં અઝાનો સાથે થતી હતી, પણ ક્યારેય વૈમનસ્ય ઉભા થતા ન હતા. પરંતુ ભાજપ (BJP) ગરીબ – મધ્યમવર્ગના બાળકોને હનુમાન ચાલીસા – મંદિર – મસ્જિદ સહિતના નામે ગેરમાર્ગે દોરી રહી છે. તેમના નેતાઓ (Leaders) પોતાના બાળકોને વિદેશ ભણવા મોકલે છે. ચૂંટણી (Election) આવતા જ જાતિ, ધર્મ વચ્ચે વૈમનસ્ય કરનારા તત્વો સક્રિય થાય છે ત્યારે આપણે સૌએ સાવધાન રહેવું જરૂરી છે. સરકારી નોકરીમાં જેની જેટલી વસ્તી એટલી ભાગીદારી જરૂરી છે. એસટી, રેલવે, એરપોર્ટ જેવી સરકારી સંસ્થાઓનું ખાનગીકરણ કરી ભાજપ સરકાર અનામત ખતમ કરી રહી છે. સરકારી ભરતીમાં વારંવાર પેપર ફુટે, પરીક્ષામાં ગેરરીતિ સહિતની ઘટનાઓથી ગુજરાતના ઉમેદવારો જોડે અન્યાય કરી રહી છે. આઉટ સોર્સિંગ – કોન્ટ્રાક્ટ પદ્ધતિ દ્વારા ગુજરાતના ગરીબ યુવાનોનું સરકાર અને સરકારના મળતીયાઓ દ્વારા શોષણ કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ પક્ષ શાસનમાં આવતા જ આઉટ સોર્સિંગ – કોન્ટ્રાક્ટ પ્રથા નાબુદ કરશે. રેલવે, એરપોર્ટ જેવી સરકારી સંસ્થાઓ વેચાઈ રહી છે, સરકારની મનશા અનામત બંધ કરવાની છે ? તેવું અમદાવાદના ધોળકા ખાતે ઓ.બી.સી. ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજીત બક્ષીપંચ સંમેલનમાં ભાજપ સરકારની નીતિ પર આકરા પ્રહાર કરતા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું.

કોંગ્રેસની સરકાર આવશે તો ૧૩૦૦૦ વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરને પહેલી કેબીનેટમાં હક્ક આપવામાં આવશે
જગદીશ ઠાકોરે વધુમાં કહ્યું હતું કે, ગરીબ યુવાનોના મહેનત – પરસેવાના પૈસાથી ભાજપના વચેટીયાઓ – મળતીયાઓ કમિશન ખાઈ રહ્યાં છે. વિશ્વ જોડે સંવાદ કરવાની વાત કરી ભાજપ સરકાર એક અઠવાડીયાથી વધુ સમયથી પોતાના હક્ક – અધિકાર માટે હડતાળ ઉપરના ૧૩૦૦૦થી વધુ વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર સાથે કેમ સંવાદ કરતી નથી ? કોંગ્રેસની સરકાર બનતા જ પહેલી કેબિનેટમાં વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરોને હક્ક – અધિકાર આપવામાં આવશે.

બક્ષીપંચ સંમેલનને સંબોધન કરતાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે, ખોટા – ઠાલા વચનો, ભ્રષ્ટાચાર, મોંઘવારી, બેરોજગારી સહિતના સળગતા પ્રશ્નોને કારણે ભાજપના પગ નીચેથી જમીન સરકી રહી છે અને આદિવાસી વિસ્તારમાં વિકાસના નામે વિનાશ કરતી તાપી – પાર – નર્મદા લીંક પ્રોજેક્ટને મતોના રાજકારણને કારણે યોજના રદ કરવાની વાત કરી રહી છે. પરંતુ કેન્દ્ર સરકારની યોજના રાજ્ય સરકાર રદ્દ કરી શકે ખરી ? આદિવાસી વિસ્તારમાં રોજગાર, આરોગ્ય, શિક્ષણ સ્થાનિક લોકોમાં પીવાના પાણી માટે પણ મોટી સમસ્યા છે. ત્યારે કોંગ્રેસ પક્ષ સંકલ્પ કરે છે કે, આદિવાસી વિસ્તારોમાં સૌને આરોગ્ય વ્યવસ્થા, યુવાનોને રોજગાર સહિતની સુવિધાઓ આપવા માટે કટીબધ્ધ છે.

Most Popular

To Top