દેશની આઝાદીની લડાઈમાં એક સ્વાતંત્ર્ય સેનાની તરીકે લક્ષ્મણભાઈ રાજ્ગુરુનું નામ કાઠિયાવાડના લોકો ખૂબ આદરપૂર્વક લેતા આવ્યા છે…એ લક્ષ્મણભાઈ રાજ્ગુરુનો દીકરો સંજયભાઈ રાજગુરુ અને, સંજયભાઈ રાજ્ગુરુનો દીકરો તે નીલ નહિ પણ, ઇન્દ્રનીલ રાજગુરુ જેમના નામનો ઉચ્ચાર કેજરીવાલ મોટે ભાગે “ઈન્દ્રા નીલ”એવો કરતા હતા ! ઇન્દ્રનીલ રાજગુરુના સ્વર્ગીય પિતા સંજયભાઈ રાજકોટ જીલ્લા પંચાયતના પ્રમુખ હતા. સ્વ. સંજયભાઈને ૩ પુત્રીઓ અને બે પુત્રો…ઇન્દ્રનીલે પિતા પાસેથી વારસામાં વેપાર અને રાજકારણ બંને લીધાં !
જ્ઞાતિએ બ્રાહ્મણ ! વર્ષો પહેલાં ભારત રાજા-રજવાડાંમાં વહેંચાયેલું હતું ત્યારે આ ઇન્દ્રનીલના વડવાઓ રાજા-મહારાજાઓના સલાહકાર હશે અને, જૂનાં જમાનાના રજાઓ ઇન્દ્રનીલ પરદાદા કે પર-પરદાદાઓને પોતાના ગુરુ માનીને જોડે ને જોડે રાખતા હશે. એટલે જ, એમની પેઢીમાં જન્મ લેનારાઓએ પછી, રાજગુરુ અટક ધારણ કરી હોવી જોઈએ ! રાજગુરુને બદલે અથવા રાજગુરુની સાથે-સાથે ‘રાજા’પણ થવાની મહેચ્છાઓ-કોશિશો ઈન્દ્રનીલનાં પરિવાર-પેઢીમાં એમના પિતા સંજયભાઈથી શરુ થઇ હોવાનું માની શકાય.
ભારત બહાર પંદરથી વધુ દેશોમાં હરી-ફરી આવેલા ઇન્દ્રનીલ ઘોડેસવારીના શોખીન ! ઇન્દ્રનીલ એટલા બધા સાદા અને સરળ દેખાય કે, એમને જોયા-મળ્યાં બાદ તમને કદાપિ એવું મહેસૂસ નહિ થાય કે તમે કોઈ અસામાન્ય માણસની સાથે થોડોક સમય પસાર કરીને આવ્યા છો ! જાતજાતની મોટરકારો ચલાવવાના-મોટરકારોની રેલીઓમાં જોડાવાના તેમજ નવી-નવી મોટરકારો ખરીદવાના પણ શોખીન. કિંમતી મોટરોની ખરીદીનો શોખ અડધો પોતાની પાસે રાખી બાકી અડધો એમણે પોતાના દીકરા-દીકરીને ઘણા વખતથી વારસામાં પણ આપી દીધો છે. એમની દીકરી એમના કરતાં ખાસ્સી મોંઘી કાર ખરીદી બતાવે અને ફેરવી બતાવે. ઇન્દ્રનીલની દીકરીનું નામ દર્શનીલ અને આ દર્શનીલે વચમાં થોડા અરસા પર પોણા ત્રણ કરોડની એક કાર ખરીદેલી ત્યારે તેની નોંધ આખા ભારતમાં લેવાયેલી. દર્શનીલનો ભાઈ ઘરમાં કૂતરા-બિલાડા પાળવાનો શોખીન છે અને, તે પાછળ લાખો રૂપિયા ખર્ચી જાણે છે.
ગુજરાત વિધાન સભાની બેઠકો પૈકી રાજકોટ પૂર્વની બેઠક અનુક્રમ મુજબ ૬૮ નંબર ધરાવે છે જયારે, રાજકોટ પશ્ચિમની બેઠક ૬૯મા નંબર પર આવે છે. મતદાતાઓની સંખ્યાની દૃષ્ટિથી, ૬૮ નંબરની બેઠક કરતાં ૬૯ નંબરની બેઠક વીસેક ટકા જેટલી મોટી ગણાય. રાજકોટ પૂર્વની બેઠક પરથી ઇન્દ્રનીલ ૨૦૧૨માં ચૂંટણી લડેલા અને તે બેઠક એમણે કોંગ્રેસને અપાવેલી. પછી, ૨૦૧૭ની સાલમાં કોંગ્રેસની સલાહથી (અથવા કોંગ્રેસના આદેશથી) અથવા પોતાના જ નિર્ણયે રાજકોટ પૂર્વની બેઠક પર લડાઈ પકડી રાખવાને બદલે ત્યાં લડાઈ પડતી મૂકીને ઇન્દ્રનીલ ૨૦૧૭માં રાજકોટ પશ્ચિમની બેઠક પરથી ચૂંટણી લડવા ગયા પશ્ચિમ દિશાના રાજકોટે કોન્ગ્રેસના આ સૂરજને ડુબાડી દીધો, વિજય રૂપાણીને પૃથ્વી જેમ દરેક જીવ-વસ્તુને પોતાની તરફ બળપૂર્વક જકડી રાખે છે તેમ રાજકોટ પશ્ચિમની બેઠકે જકડી-પકડીને પોતાની ઉપરથી બીજે ક્યાંય જવા નહિ દીધા…હવે, રૂપાણી પાસે લડવા માટે ટિકિટ નહિ હોવાથી રાજકોટ પશ્ચિમની એ બેઠક લાચાર બની ગયેલી દેખાય છે.
રાજકોટ પૂર્વની પેલી ૬૮ નંબર વાળી બેઠક પરથી કોંગ્રેસમાં (ઘરવાપસી કરીને પરત ફરેલા) ઇન્દ્રનીલને ચૂંટણી લડવા મેદાને ઉતારવામાં આવ્યા છે…ભાજપે આ બેઠક પરથી ઉદય કાંગડને ઉતાર્યા છે એટલે, આ વખતે ઇન્દ્રનીલ રાજકોટ પૂર્વમાં ફરીથી પોતે સૂર્યનારાયણ માફક ઊંચે ચડવાનું આકાશ મેળવી લેશે તેવી ધારણા હેઠળ આગળ વધી રહ્યા છે. રાજકોટ મહાનગર પાલિકામાં એક સમયે ઇન્દ્રનીલનો ભારે દબદબો હતો. તેઓ રાજકોટ મહાનગર પાલિકામાં ડેપ્યુટી મેયર તેમજ સ્થાયી સમિતિના ચેરમેનના હોદ્દો શોભાવી ચૂક્યા છે.
ઇન્દ્રનીલ રાજગુરુ માટે દરેકે એક આશ્ચર્ય અવશ્ય કરવા જેવું છે ! પોતે ગુજરાત વિધાનસભાના અત્યાર સુધીના તમામેતમામ વિધાનસભ્યો પૈકી સૌથી ધનવાન વિધાનસભ્ય ગણાય છે !…એક રાજકારણી થઈને શા કારણથી તેઓ આટલા કરોડો રૂપિયા વ્હાઈટના દેખાડી રહ્યા છે !? ઇન્દ્રનીલે પોતાની સ્થાવર-જંગમ જે મિલકતો ચૂંટણીના એક ઉમેદવાર તરીકે જાહેર કરી છે તે જોતાં તેઓ ખરેખર નેતા હોય તેવું હરગીઝ નથી લાગતું ! તેમનો કોઈ પ્રકારનો ડર આ માટે કારણભૂત હશે કે પછી, તેઓ સાવ નીડર હશે ?! અને, એક આશ્ચર્ય એ પણ આપણે કરવાનું રહે કે…બીજેપીએ એમનો પક્ષપલટો કરાવી એમને ભાજપમાં લઇ આવવાની કેમ હજુ સુધી કોશિશ જ નથી કરી ??!!!