Comments

ગુજરાતનું બુલડોઝર જસ્ટીસ

ગરીબ શ્રમજીવીને અવૈધ સાબિત કરવાનું કેટલું સહેલું છે. પોલીસ એમની સામે કોઈ પુરાવા વગર કાર્યવાહી કરે તો પણ બાકીનો સમાજ તો એને યોગ્ય જ માનવાનો, કારણ કે એમને શંકાથી જોવા માટે એમનું ગરીબ હોવું, પરપ્રાંતીય હોવું, પરધર્મી હોવું પૂરતું છે. એવું જ અત્યારના ઐતિહાસિક ગણાતા ચંડોળા તળાવ કિનારે વસેલી વસતીને તોડી પાડવાના અભિયાનમાં દેખાય છે. ૨૨મી એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકી હુમલા પછી ગેરકાનૂની રીતે રહેતાં બાંગ્લા દેશીઓને તગેડી મૂકવા માટે ૨૬મી એપ્રિલથી રાજ્યનાં ઘણાં શહેરોમાં અભિયાન શરૂ થયું.

અમદાવાદ, સુરત, વડોદરા, જુનાગઢ અને આણંદ જેવાં શહેરોમાં પોલીસે જેમની અટકાયત કરી હોય એવાં લોકોની જાહેરમાં પરેડ થતી હોય એવા વિડિયો વાયરલ થયા. કહેવામાં આવ્યું કે આ કહેવાતાં બાંગ્લા દેશીઓની આતંકવાદી સાથેની સાંઠગાંઠ છે જેનાથી દેશની સુરક્ષાને ખતરો થાય છે. અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં આરંભાયેલું અભિયાન ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું અભિયાન ગણાય છે.

૧૫૦૦થી વધુ લોકોની અટકાયત થઇ, તેમને ભરરસ્તે ચલાવી પોલીસ થાણે લઇ જવામાં આવ્યા જેથી આખું ગામ એમને શંકાભરી નજરે જુએ, જેમાંથી નેવું ટકાથી પણ વધારે લોકો ભારતીય નાગરિક હોવાનું પુરવાર થતાં ત્રણ દિવસે છોડી મૂકવામાં આવ્યાં. તેમની પાસે જરૂરી બધા દસ્તાવેજ હતા. બિહાર, યુ.પી, ઝારખંડ કે ઓરિસ્સામાં ઘર-કુટુંબના ઠામઠેકાણાં હતાં. કેટલાંક તો ગુજરાતી જ નીકળ્યાં. અહીં ત્રણ દાયકાથી પણ લાંબુ રહેતા હોવાના પુરાવા નીકળ્યા. ત્યાર બાદ ૨૯ એપ્રિલથી શરૂ થયું ગેરકાયદે દબાણને હટાવવાનું અભિયાન. આ લખાય છે ત્યાં સુધી ૨૦૦૦થી વધુ ઘરો તોડી પડાયાં છે અને ટૂંકમાં જ બીજા તબક્કાનું અભિયાન શરૂ થવાની વાત છે. દેશની સુરક્ષા  માટે શરૂ થયેલું અભિયાન જમીન પરના દબાણ દૂર કરવામાં બદલાઈ ગયું!

આટલા દિવસોમાં અમદાવાદ શહેરે ૪૪.૮ ડીગ્રી ગરમી પણ જોઈ અને કમોસમી તોફાની વરસાદ પણ જોયો. બેઘર બનેલાં ઘણાં પરિવાર માથા પર માત્ર ચાદરની છત બનાવી એ જ જગ્યાએ રહી રહ્યાં છે, કારણકે એમની પાસે જવા માટે બીજી કોઈ જગ્યા જ નથી. જેમની પાસે થોડી ઘણી સગવડ હશે તેઓ કશેક ગોઠવાયાં હશે પણ રાતોરાત બેઘર બનેલાં પરિવારો પાસે રાતોરાત ઉંચકાયેલા ઘરના ભાડાના દર અને ડીપોઝીટની રકમના પૈસા ક્યાંથી આવવાના? જો એવી સગવડ હોત તો લાલાબિહારી જેવા ગુંડાની જાળમાં ફસાયેલા શું કામ રહ્યાં હોત? ચંડોળા તળાવ એ જગ્યા છે જ્યાં ચોમાસા પછી જીવનનિર્વાહ માટે નાની નાની ખેતી થતી. રહેવાની સગવડના અભાવે ગરીબ લોકો ત્યાં  જ રહેવા લાગ્યાં. તળાવનો કાંઠો એટલે વરસાદી પાણી ભરાય, કીચડ થાય છતાં લોકો રહે કારણકે ગજવાને પોસાય એવી બીજી કોઈ જગ્યા મળે નહીં.

સમય જતાં અહીં વસ્તી વધી. અહીં મજૂરી કરનારાં, નાનો-મોટો ધંધો કરનારાં, નાની-મોટી ચીજવસ્તુની લારી ચલાવનારાં કે અન્ય બિનઔપચારિક કામ કરનારાં લોકોનો વર્ગ ઘણો મોટો છે. આ એ જ લોકો છે જેઓ કાચા મકાનમાં રહી શહેરના મકાન, રસ્તા બનાવે છે. પોતે ગંદકીમાં રહી શહેરના રસ્તાની સફાઈ કરી ચોખ્ખા રાખે છે. ઘણી વસ્તુઓ અને સેવાના ભાવ એમની સંખ્યાને લીધે સસ્તા છે. શહેરના વિકાસમાં આવા શ્રમજીવીઓના સસ્તા દરે મળી રહેતા શ્રમનો ખૂબ મોટો ફાળો છે.

જ્યાં ગરીબી અને લાચારી છે ત્યાં ‘લાલાબિહારી’ ઊભા થતાં વાર થોડી લાગવાની છે? જુગાર, દારુ, ડ્રગ્સ, દેહવેપાર જેવી અનૈતિક અને ગેરકાનૂની પ્રવૃત્તિ પણ અહીં ચાલતી હતી જેની વાતો શહેરમાં બે-ત્રણ દાયકાથી અવારનવાર સંભળાતી હતી. જો શહેરીજનોને ખબર હોય તો પ્રશાસનને ખબર હોય જ પણ, આટલાં વર્ષોમાં એને અટકાવાનાં જરૂરી મોટાં પગલાં ભરાયાનું યાદ નથી. અહીંના બંગાળ વાસમાં બાંગ્લા દેશી રહે છે એ વાત પણ સૌ કોઈ જાણે છે. રાજકીય ચર્ચાબાજીમાં આ હકીકતનો ઉલ્લેખ અવારનવાર થયા કરતો હોય છે પણ એ સિવાય પરદેશી નાગરિકોને એમના દેશ પાછા મોકલવા માટેની જરૂરી કાર્યવાહી કરવાની કોઈ નક્કર પ્રક્રિયા જાણમાં નથી.

આજે, પહેલગામમાં થયેલા આતંકી હુમલા પછી અચાનક સરકાર અને પ્રશાસન જાગ્યા છે ત્યારે પોલીસ પાસે કોણ અને કેટલાં બાંગ્લા દેશી છે એટલી પ્રાથમિક માહિતી પણ ન હોવાના કારણે ૧૫૦૦થી પણ વધુ ભારતીય  નાગરિકોની અપમાનજનક રીતે અટકાયત કરવી પડી. ગુજરાત રાજ્યમાં ૨૦૧૦થી  ઝૂંપડાંવાસીના પુનર્વસનની નીતિ છે. સુપ્રીમ કોર્ટ પણ બુલડોઝર ચલાવતાં પહેલાં પંદર દિવસની નોટીસ આપવાનું સૂચવે છે. ૨૦૨૨મા સ્થાનિક કોર્પોરેટરે ચંડોળાની આજુબાજુ રહેતાં લોકોના આ યોજના હેઠળ પુનર્વસનની દરખાસ્ત કોર્પોરેશન સમક્ષ કરી હતી.

પણ, મન હોય તો માળવે જવાય ને? આ તો ગામડાંની ગરીબીથી બચવા સ્થળાંતર કરીને આવેલા પછાત વર્ગનાં લોકો તેમાંય મોટા ભાગનાં મુસલમાન એટલે એમના નામે તો રાજકીય રોટલા શેકાય. ચૂંટણી ટાણે દરેક પક્ષ એમના મતદાતા કાર્ડ કઢાવી કે વીજળીનાં જોડાણ અપાવી એમને રાજી કરે. સામાન્ય સમયમાં સંપૂર્ણ નજરઅંદાજ કરે અને પહલગામ એટેક જેવી કટોકટીના સમયે આતંકી કહીને રંજાડે. ગેરકાયદે દબાણોને દૂર કરવાની કોઈ ના નથી. પણ, ત્યાં વસતા લોકો આ દેશનાં જ નાગરિકો છે એટલે આ કાર્યવાહી કાયદાની જોગવાઈ આધારે થાય તો સૌનો સમાન નાગરિકત્વનો અધિકાર જળવાય.
નેહા શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top