આધુનિક જગતમાં કેટલાક દેશો ગરીબીમાં સબડી રહ્યા છે તો કેટલાક દેશો સમૃદ્ધિમાં આળોટી રહ્યા છે. તેમાં સૌથી પહેલું નામ અમેરિકાનું આવે છે. અમેરિકાના ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓ આખી દુનિયાનું શોષણ કરીને જે સંપત્તિ એકઠી કરે છે, તેનો મહત્તમ લાભ અમેરિકાના નાગરિકોને મળે છે. ભારતમાં કોઈ નોકરીમાં ૧૦,૦૦૦ રૂપિયાનો પગાર મળતો હોય છે તેવી જ નોકરીમાં અમેરિકામાં ૧,૦૦૦ ડોલરનો પગાર મળતો હોય છે, જેની કિંમત ૭૫,૦૦૦ રૂપિયા જેટલી થાય છે. અમેરિકાની સમૃદ્ધિમાં દુનિયાના ગરીબ અને બેરોજગાર લોકો ભાગ ન પડાવે તે માટે અમેરિકામાં પ્રવેશ કરવાના અને સ્થાયી થવાના કડક કાયદાઓ બનાવવામાં આવ્યા છે. આ કાયદાને કારણે અમેરિકામાં સ્થાયી થવા ઇચ્છતા બહુ ઓછા લોકોની ઇચ્છા પૂરી થાય છે. જે લોકો કોઈ પણ ભોગે અમેરિકામાં ઘૂસવા માગતા હોય તેમના માટે ભારતમાં અને અમેરિકામાં થોકબંધ એજન્ટો છે, જેઓ તગડી ફી વસૂલ કરીને ગરજવાનોને અમેરિકામાં ઘૂસાડી દેતા હોય છે.
ભારત આખામાં ગુજરાતના આર્થિક મોડેલના બહુ વખાણ કરવામાં આવે છે, પણ ગુજરાતના યુવાનોમાં બેકારીને કારણે એટલી હતાશા છે કે તેઓ સારી નોકરીની તલાશમાં કોઈ પણ ભોગે અમેરિકામાં સ્થાયી થવાનાં શમણાં જુએ છે. અમેરિકામાં પ્રવેશ કરવો દુષ્કર થઈ ગયો હોવાથી તેઓ પહેલા કેનેડા જાય છે અને ત્યાંથી ગેરકાયદે અમેરિકામાં ઘૂસવાના પ્રયાસો કરે છે. એક સમયે અમેરિકામાં ઘૂસવા માટે મેક્સિકોની સરહદ ફેવરિટ મનાતી હતી. આ કારણે જ ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા અને મેક્સિકો વચ્ચેની સરહદ પર વિરાટ દિવાલ બનાવાવની યોજના ઘડી હતી. હવે ભારતીયોનો પ્રવાહ કેનેડા ભણી વળ્યો હોવાથી કેનેડા-અમેરિકા વચ્ચે ગેરકાયદે ઘૂસણખોરી વધી ગઈ છે. તાજેતરમાં ગુજરાતના એક જ પરિવારના ચાર સભ્યો અમેરિકા પ્રવેશવા જતાં ઠંડીમાં થીજીને મરી ગયા તેને કારણે આ ઘૂસણખોરીની ગંભીરતા સમજાઈ છે.
આખા અમેરિકામાં ગુજરાતના પટેલોની મોટેલો જોવા મળે છે. ગુજરાતના પટેલ પરિવારનો કોઈ ને કોઈ સભ્ય તો અમેરિકામાં વસવાટ કરતો જ હોય છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરથી ૧૨ જ કિલોમીટરના અંતરે આવેલા ડિંગૂચા ગામના ૩૫ વર્ષના જગદીશ પટેલ કંઇ ગરીબ નહોતા કે નોકરીની શોધમાં તેમણે અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરવી પડે. જગદીશભાઇ સ્કૂલમાં શિક્ષક હતા અને સન્માનની જિંદગી જીવતા હતા. ડિંગૂચા ગામની વસતિ માત્ર ૩,૦૦૦ની છે, પણ તેમના ગામના આશરે ૧૮૦૦ લોકો અમેરિકામાં વસવાટ કરે છે. જગદીશભાઇ પણ વધુ રૂપિયા રળવા અને અમેરિકાની લાઇફસ્ટાઇલ માણવા અમેરિકા જવા માગતા હતા. અમેરિકા જવા માટે તેઓ દસ વર્ષથી રૂપિયા ભેગા કરતા હતા. ગુજરાતના દૈનિક વર્તમાનપત્રોમાં અનેક એજન્ટોની જાહેરખબરો આવે છે, જેઓ અમેરિકા કે કેનેડાના વીસા અપાવી દેવાનો દાવો કરે છે. જગદીશભાઈ પણ તેવા એજન્ટના ચક્કરમાં આવી ગયા હતા, જેણે તેમની પાસેથી ૬૫ લાખ રૂપિયા લઈને તેમના ચાર માણસોના આખા પરિવારને ગેરકાયદે અમેરિકામાં ઘૂસાડી દેવાનું વચન આપ્યું હતું.
જગદીશભાઈ પટેલના સંયુક્ત પરિવારના અડધા સભ્યો અમેરિકામાં સ્થાયી થયા હતા. જો તેમના વિભક્ત પરિવારનો કોઈ પણ સભ્ય અમેરિકા જઈ ન શકે તો તે નામોશી ગણાય છે. ડિંગૂચા ગામમાંથી જગદીશભાઇના પરિવાર ઉપરાંત બીજો એક પરિવાર પણ કેનેડાના રસ્તે અમેરિકા ઘૂસવા ગયો હતો. જગદીશભાઇના પરિવારનું કેનેડાની સરહદ પર હાડ ગાળી નાખે તેવી ઠંડીમાં થીજી જવાને કારણે અવસાન થયું છે, પણ બીજા પરિવારનો હજુ પત્તો લાગ્યો નથી. ગુજરાતમાંથી ગેરકાયદે અમેરિકામાં ઘૂસવા માગતા નાગરિકોના કિસ્સાઓ સતત સાંભળવા મળે છે. ગયાં વર્ષે મહેસાણા જિલ્લાનો ૨૪ વર્ષનો યુવાન પોતાનું વતન છોડીને અમેરિકા જવા માગતો હતો, કારણ કે સ્થાનિક રાજકારણીઓ તેને પજવતા હતા. તેણે એક એજન્ટને ૩૦ લાખ રૂપિયા આપ્યા હતા; તો પણ તે મેક્સિકોની સરહદે પકડાઈ ગયો હતો. તેવી જ રીતે થોડાં વર્ષ પહેલાં ઉત્તર ભારતની એક મહિલા તેની પુત્રી સાથે અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવા માગતી હતી. તેણે મેક્સિકોની સરહદે એરિઝોનાના રણમાં થઈને અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, પણ ૨૨ કલાક ધોમધખતા તાપમાં મુસાફરી કરવાને કારણે તેમનું બંનેનું મોત થયું હતું.
૨૦૦૭માં તો ભાજપના ધારાસભ્ય બાબુભાઈ કટારા તેમની પત્નીના પાસપોર્ટ પર યુવાન મહિલાને કેનેડા મોકલતા પકડાઈ ગયા હતા. તેમણે મહિલા પાસેથી ૩૦ લાખ રૂપિયા લેવાનું બહાર આવ્યું હતું. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકોની સરહદે દિવાલ બનાવાવનું શરૂ કરતાં મેક્સિકોના રસ્તે અમેરિકામાં ઘૂસવું અઘરું થઈ ગયું છે. આ કારણે ભારતના તેમ જ બીજા દેશોના નાગરિકો હવે કેનેડાના માર્ગે અમેરિકામાં ઘૂસી રહ્યા છે. મેક્સિકોની સરહદે આબોહવા ભારતની આબોહવા જેવી સમશીતોષ્ણ હોવાથી વાંધો આવતો નથી; પણ કેનેડામાં શિયાળામાં ઉષ્ણતામાના માઇનસ ૪૦ ડિગ્રી સુધી પહોંચી જતું હોવાથી ઠંડીમાં થીજી જવાનો ભય કાયમ રહેતો હોય છે.
અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરતા નાગરિકોમાં ભારતના નાગરિકોનો નંબર ચોથો આવે છે. બીજા ત્રણ દેશોમાં મેક્સિકો, ગ્વાટેમાલા અને અલ સાલ્વાડોરનો નંબર આવે છે. આ ત્રણેય દેશો અમેરિકાની સરહદે આવેલા છે. અમેરિકાના હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટના અંદાજ મુજબ ૨૦૧૭માં ભારતના ૪.૩૦ લાખ નાગરિકો અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા હતા. તેમની પાસે વીસા, પાસપોર્ટ કે વર્ક પરમિટ ન હોવાને કારણે તેમને સત્તાવાર રીતે અમેરિકામાં કોઈ નોકરી મળતી નથી, પણ તેઓ ભારતીયોની દુકાનમાં કે ઓફિસમાં ગેરકાયદે નોકરી કરે છે. અમેરિકાના કાયદા મુજબ નોકરી કરનારને જેટલો પગાર મળતો હોય તેનાથી અડધો પગાર તેમને મળે છે, પણ ભારતનાં ધારાધોરણ કરતાં તે પગાર અનેક ગણો હોવાથી તેઓ સંતુષ્ટ હોય છે. અમેરિકામાં સ્થાયી થયા પછી તેઓ જાણીતી જગ્યા પર સેલ્ફી લે છે અને પોતાના સગાઓને ભારત મોકલી હરખાય છે.
જે વિદેશીઓ અમેરિકામાં ગેરકાયદે ઘૂસવામાં સફળ ન થાય તેમને પહેલા ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવે છે અને પછી તેમના દેશમાં પાછા મોકલી દેવામાં આવે છે. દર વર્ષે કેટલા વિદેશીઓને ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યા તેના આંકડા પરથી ખ્યાલ આવે છે કે કેટલા વિદેશીઓ અમેરિકામાં ઘૂસી રહ્યા છે. ૨૦૧૮માં ૪,૬૭,૦૦૦ વિદેશીઓને પકડવામાં આવ્યા હતા, જેમાં આશરે નવ હજાર ભારતીયો હતા, જેમાંના લગભગ અડધા ગુજરાતીઓ હતા. લેટિન અમેરિકાના દેશો પછી અમેરિકામાં ઘૂસવામાં ભારતના નાગરિકોનો નંબર આવે છે. ગુજરાતી પરિવારનું અમેરિકાની સરહદે કરૂણ મોત થયું તે પછી ગુજરાતની સરકાર સફાળી જાગી છે. તેણે સીઆઇડીને ગુજરાતમાં કામ કરતાં એજન્ટોનો પત્તો લગાવવા તાકીદ કરી છે. ગુજરાતમાં મહેસાણા અને ગાંધીનગર ઉપરાંત આણંદ, ખેડા, નડિયાદ જેવા જિલ્લાઓમાં આ દલાલો કામ કરે છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં તેઓ ઓફિસ ખોલીને બેઠા છે. ગુજરાતી લોકોનો અમેરિકા માટેનો મોહ ઓછો નહીં થાય તો આવી દુર્ઘટનાઓ બનતી જ રહેશે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.