મહાકુંભથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓને દાહોદના લીમખેડાના પાલ્લી હાઈવે પર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં ચારના મોત નીપજ્યા છે, જયારે આઠ લોકો ઘાયલ થયા છે. રસ્તા ઉપર ઊભેલી ટ્રકને પાછળથી ટેમ્પો ટ્રાવેલરે ટક્કર મારી દીધી હતી જેના કારણે અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં અંકલેશ્વર અને ધોળકાના ચાર લોકોના મોત થયા છે. જ્યારે ડ્રાયવર સુરતનો હતો. ઘાયલોને સારવાર માટે દાહોદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. જયારે મૃતદેહને લીમખેડા લઈ જવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ લીમખેડાના પાલ્લી હાઈવે પર શુક્રવારે 14 ફેબ્રુઆરીએ મોડીરાત્રે એક ગમખ્વાર અકસ્માત બન્યો હતો. કુંભમેળામાંથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની ટાટા વિંગર ટ્રાવેલર ગાડી રસ્તા પર ઊભેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં અંકલેશ્વર અને ધોળકા વિસ્તારના ચાર શ્રદ્ધાળુનાં કરુણ મોત નીપજ્યાં છે જેમાં અંકલેશ્વર વિસ્તારના પતિ-પત્નીનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનામાં 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
મૃતકોમાં અંકલેશ્વરના જયપાલસિહ દેવરાજસિહ નકુમ, સવિતાબેન કેશવલાલ પટેલ, કેશવલાલ જીવરાજભાઈ પટેલ, ધોળકાના જગતસિહ ચંદુભાઇ નકુમ તેમજ સુરતના ડ્રાઈવર દિગ્વિજયસિંહ અમરસિંહ રાઠોડનો સમાવેશ થાય છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ટ્રાવેલરમાં 15 લોકો મુસાફરી કરી રહ્યા હતા. ઘાયલોએ પોલીસને આપેલી માહિતી પ્રમાણે ડ્રાઈવરને અચાનક ઝોકું આવી જતા આ ઘટના બની હતી.
