‘ગુજરાતી થાળી’ નામ વાંચીએ એટલે આખો ભોજનનો થાળ નજર સમક્ષ આવી જાય. ગુજરાતી થાળી એક એવી થાળી છે કે જેને સંપૂર્ણ આહાર ગણાવી શકાય. એમાં દાળ, ભાત, શાક, કઠોળ, રોટલી, ફરસાણ, મિષ્ટાન્નનો સમાવેશ થાય છે. એટલે એમાંથી આપણને પ્રોટીન, કાર્બોહાઈડ્રેડ, ફાઈબર અને કેલ્શીયમ મળી રહે છે. ગુજરાતીઓની પહેલી પસંદ છે. ગુજરાતી ઘરમાં તો ગુજરાતી થાળી ખાય જ છે પણ ગુજરાત બહાર ફરવા જાય ત્યાં પણ ગુજરાતી થાળી શોધે છે. વળી આ થાળી જો તમે સવારે જમ્યા હો તો પણ તમો બપોર પછી ચા સાથે નાસ્તો કરવાનું મન થાય એનું મુખ્ય કારણ એ છે કે આ પચવામાં એકદમ હલકી છે. ગુજરાતીઓના ઘરમાં રોજ દાળ, ભાત, શાક અને રોટલી બનતાં જ હોય છે. જેને ટૂંકમાં બોલવું હોય તો DBSR કહેવાય છે. ખાવાનાં શોખીન ગુજરાતીઓની તો વાત જ ન થાય. આમ જોવા જઈએ તો ગુજરાતી થાળી પચવામાં હલકી એટલા માટે છે કે એમાં પનીર, બટર કે ચીઝનો બિલકુલ ઉપયોગ કરવામાં આવતો નથી. આથી આ ગુજરાતી થાળી પૌષ્ટિક અને સાત્ત્વિક ભોજન ગણાવી શકાય.
સુરત – શીલા સુભાષ ભટ્ટ.– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
કાળી-ધોળી કમાણી સૌ કરે, દાન તો વિરલો જ કરી શકે!
ભારતમાં એવા ઘણા બિઝનેસમેન છે કે જેઓ દુનિયાના સૌથી ધનિક લોકોની યાદીમાં સામેલ છે. ધંધો વ્યવસાય કરવાની સાથે તેઓ લોકોની આર્થિક મદદ માટે પણ કરોડો રૂપિયા ખર્ચતા રહે છે. કિન્તુ એક ભારતીય છે જે દરરોજ લગભગ માતબર રકમ રૂપિયા 6 કરોડનું દાન કરે છે. એ વિરલો કોણ હશે! ખેર, આ પરોપકારી શ્રેષ્ઠી શિવ નાદર છે. અંબાણી કે ગૌતમ અદાણીની માફક વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં પણ સામેલ નથી, એ સજ્જન HCL ટેક્નોલોજીના સ્થાપક શિવ નાદર સાહેબ, જેઓ સૌથી પરોપકારી જીવાત્મા કહેવાય છે!
આપણાં ધાર્મિક શાસ્ત્રોમાં ગાયનું દાન ઉત્તમ ગણાય છે. સામાન્યત: દાનના અનેક પ્રકારો પાડી શકાય; જેમ કે, જ્ઞાનદાન, વિદ્યાદાન, બ્રહ્મદાન, સદાચારદાન, કીર્તિદાન, ધર્મદાન, અહિંસાદાન, ઉપદેશદાન, ધનદાન, ભૂમિદાન, મંદિરદાન, ગોદાન, આશ્રયદાન, પ્રાણદાન, વિવાહદાન, અભયદાન, અન્નદાન અને આધુનિક યુગમાં દેહદાન, ચક્ષુદાન, રક્તદાન અને વીર્યદાન વગેરે! સનાતન ધર્મમાં સદીઓથી દાન કરવાની પરંપરા છે. કાયદેસર પોતાને મળેલી વસ્તુ બીજાને અર્પણ કરવી તેને પણ દાન કહી શકાય. વસ્તુ પરથી સ્વત્વની નિવૃત્તિપૂર્વક પરસ્વત્વની ઉત્પત્તિ કરવાની ક્રિયાને યાસ્કાચાર્ય દાન કહે છે! ખૂબ ખૂબ જીવો! શિવ નાદરજીને લાખ લાખ સલામ…!
સુરત – સુનીલ રાજેન્દ્ર બર્મન.– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.