Business

ગુજરાતી આપણી માતૃભાષા રહી છે?

વહાલા વાચક મિત્રો,
સોમવાર તા.21-2-2022ના રોજ વિશ્વ માતૃભાષા દિવસ ઉજવાયો. સાથે ગુજરાતીમાં ઢગલો મેસેજીસ આવ્યા. આજે વૈશ્વિકીકરણ પાછળની આંધળી દોટમાં કયાંક આપણા સૌની ભાષા પરના પ્રભુત્વની પકડ ઢીલી થઇ ગઈ છે. માતૃભાષા તરીકે કોઇ પણ ભાષા- પરંતુ અહીં ગુજરાતી આપણી માતૃભાષાના સંદર્ભે સંવાદ સાધીશું. બોર્ડની પરીક્ષાનાં પરિણામો જાહેર થાય છે, કેટલાય વિદ્યાર્થીઓ ગુજરાતીમાં ખાસ કરીને અંગ્રેજી માધ્યમમાં ભણનારા ફેલ થતાં હોય છે. એનાં મૂળ બાળક બહુ જ નાનું હોય છે ત્યારથી જ રોપાઈ જતાં હોય છે. બાળક એક- દોઢ વર્ષનું હોય છે ત્યારે એની માતા ‘Water પી’, ‘એક બાઈટ ઇટ કરી લો’. જેવાં અનેક વાકયો જે ન તો પૂરાં અંગ્રેજીમાં છે કે ન તો ગુજરાતીમાં. શરૂઆતનાં વર્ષો 1- 3 વર્ષ સુધીમાં બાળક ભાષા સાંભળીને ચોક્કસ પ્રકારે બોલવાનો પ્રયત્ન પણ કરે છે અને આમ ભાષાનો વિકાસ થાય છે.

શાળા- કોલેજોમાં કે PG લેવલે ગુજરાતી ભાષામાં પેપરો તપાસવા માટે જનારા શિક્ષકોનો અનુભવ કહે છે કે ગુજરાતીમાં લખાયેલા જવાબો વાંચવા અને સમજવા મુશ્કેલ પડે, વધુ સ્પષ્ટતા કરતાં સમજાયું કે એ લોકો જેવું બોલે તેવું જ લખે છે. દા.ત. સામાન્ય રીતે ‘પૂછવું પડે’ એવું લખવાનું હોય તો એવું લખાય કે ‘પૂસવું પડે’. કહેવાનું તાત્પર્ય કે બાર ગામે બોલી બદલાય એમ બોલી પણ બદલાય, લખાણ પણ બદલાય. અને હવેના જમાનામાં ગુજરાતી મેસેજ અંગ્રેજી આલ્ફાબેટની મદદથી લખાય. ‘kale Malishu’, – કાલે મળીશું. આમ ધીરે- ધીરે આપણો સૌ શબ્દોનો વપરાશ એના હાર્દ વિના, ભાવ વિના કરતાં થયા છીએ. છેલ્લા બે દાયકામાં ગુજરાતી માધ્યમની શાળાઓ બંધ થતી ગઈ અને અંગ્રેજી માધ્યમની શાળાઓ ખૂલતી ગઇ જેમાં મોટાભાગનાં ગુજરાતી કુટુંબનાં બાળકો જે First generation- અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનાં સપનાંઓ સાથે બાળકોને અંગ્રેજીમાં ભણાવવાનો આગ્રહ રાખી ઊંચી ફી સાથે કમર કસતાં હોય છે. ઘણા કિસ્સાઓમાં ધોબીનો કૂતરો ન ઘરનો કે ન ઘાટનો એવી પરિસ્થિતિ બાળકોની થતી હોય છે. શાળામાં અંગ્રેજી-હિન્દી ઘરે ગુજરાતી.

ક્રિષ્ણા – અંગ્રેજી માધ્યમની શાળામાં ધો. ચારમાં ભણે. પરિણામ ખૂબ જ નબળું આવે. કુટુંબીજનો અમેરિકા માટે માતા-પિતા- ક્રિષ્ણાને પણ અમેરિકા જવાની તક હોવાથી અંગ્રેજી માધ્યમમાં દાખલ કરી પણ માતાને થાય કે છોકરીમાં બુદ્ધિ તો છે પણ શિક્ષણ કેમ પીકઅપ નથી કરતી? કાઉન્સેલર પાસે રીફર કરતાં જાણવા મળ્યું કે શાળાના શિક્ષણના માધ્યમને લીધે નબળું પરિણામ. ભણાવવાનું માધ્યમ બદલવાની સલાહ આપવામાં આવી, સાથે જ અંગ્રેજી પણ પીક અપ કરવાની વિવિધ સ્ટ્રેટેજી નક્કી કરવામાં આવી. માતાપિતા સમજ્યા અને સ્વીકારી ગુજરાતી માધ્યમમાં ક્રિષ્ણાને મૂકવામાં આવી અને ખરેખર જ ક્રિષ્ણાએ ખૂબ જ સરસ રીતે પીકઅપ કરી લીધું. આજે તો એ UKમાં Well settled છે.

  • ■ ગુજરાતી માતૃભાષાને આપણે પ્રાથમિકતા આપતા નથી કેમ કે આપણે પોતે જ એક ઇમેજ ઊભી કરી છે કે જો આપણે ગુજરાતીમાં વાત કરીશું તો ગમાર દેખાઈશું માટે ભાંગ્યું-તૂટયું અંગ્રેજી બોલી વટ પાડવાનો ઇરાદો રાખીએ.
  • ■ જો ભણતાં છોકરાના ગુજરાતીમાં માર્કસ ઓછા આવે તો માતા-પિતા કહે કે એને ગુજરાતી ફાવતું નથી. એ તો અંગ્રેજી મુવી જ જોય છે. ત્યારે કહેવાનું થાય કે અંગ્રેજી મુવીનો એક ડાયલોગ સમજીને સમજાવી શકે તો વાહ-વાહ. આમ સંતાનોને વાલીઓ ખોટી રીતે ચગાવી દે.
  • ■ આપણે બીજી એક ખોટી ઇમેજ ઊભી કરી છે કે ગુજરાતીને અંગ્રેજી ન આવડે. પછી એ ‘બાગબાન’ પિકચર કે ‘તારક મહેતા કા ઊલટા ચશ્માં’ હોય. જયાં ગુજરાતીઓના અંગ્રેજી પરના પ્રભુત્વને ખોટાં ચીતરવામાં આવે છે અને આ કારણે પણ આપણે આપણાં સંતાનોને અંગ્રેજી તરફ વાળવાનાં સપનાં જોતાં હોઇએ છીએ.
  • ■ આવા તો અન્ય બીજા અવાસ્તવિક વિચારોનો અનુભવ આપ સૌએ કર્યો જ હશે પરંતુ આપણી માતૃભાષા – ગુજરાતી પણ અન્ય ભાષાની જેમ સમૃદ્ધ છે. એને આપણા જીવનમાં જીવતી રાખી આપણે સૌ સમૃદ્ધ થઇએ.
  • આજના વૈશ્વિકીકરણના યુગમાં માત્ર માતૃભાષાથી ચાલવાનું નથી પરંતુ પ્રાધાન્ય તો આપણે ગુજરાતીને આપવું જ રહ્યું. એમાં દરેકે-દરેક માતાપિતા અનન્ય ફાળો આપી શકે તેમ છે.
  • ■ બાળક નાનું હોય ત્યારે માતૃભાષામાં વાતચીત કરવાથી એ અન્ય ભાષાઓ પણ સારી રીતે શીખી શકે.
  • ■ શાળામાં ભણાવવામાં આવતી ભાષા- ગુજરાતીનો અભ્યાસક્રમ પૂરેપૂરાં માન- સન્માન સાથે ભણાવો અને તમારા સંતાનને પણ રસ જગાડો.
  • ■ જો સમાચારપત્ર ઘરમાં આવતું હોય તો નાનાં બાળકોની પૂર્તિ આવે તેમાં એમને રસ લેતાં કરો, તમે થોડું વાંચો અને વંચાવો.
  • ■ અન્ય ભાષામાં રોજિંદી વાત-ચીત કરવા કરતાં માતૃભાષામાં વાત-ચીત કરવાનું રાખો. જેથી બાળક એક ભાષા પર પ્રભુત્વ મેળવી શકે.
  • ■ માતા-પિતાએ પણ ગુજરાતી પ્રત્યે આતુરતા- જિજ્ઞાસા જાળવવી રહી.
  • ■ ગુજરાતી ચલચિત્રનો કાયાકલ્પ થયો છે. નવાં નવાં થીમ પર આજના યુગને લગતાં પ્રશ્નો પર વિચારવંત કરી મૂકે તેવાં પિકચરો આવે છે. કુટુંબના સૌ સભ્ય સાથે જોઈ શકે તેવા હોય છે અને એની ચર્ચા પણ કરી શકાય છે.
  • ■ નવી પેઢીને પોતાની સ્ટાઈલમાં નવી ટેકનોલોજીથી ગુજરાતી ભાષાની નજીક લાવવાની જરૂર છે. જેથી ગુજરાતી ભાષાને એ જ સોનેરી ઊંચાઈ સુધી લઇ જવાનો રાહબર બની રહે.
  • ■ નાનાં નાનાં પગલાંઓ પણ સતર્કતાથી ભરાયેલાં હશે તો આજે જે ‘ગુજરાતી ભાષા મરી રહી છે’ની બૂમરાણમાંથી બહાર લાવી શકાશે અને કવિ ઉમાશંકર જોષીએ લખ્યું છે.
  • સદા સૌમ્યસી વૈભવે ઉભરાતી,
  • મળી માતૃભાષા મને ‘ગુજરાતી’ને સાર્થક કરીએ.
  • જય જય ગરવી ગુજરાત.

Most Popular

To Top