એક્ટ્રેસ મીના કુમારી જેટલી સારી અદાકારા હતી, એટલી જ સારી શાયરા હતી. તેણે તેની વ્યાવસાયિક અને અંગત જિંદગીની જદ્દોજહદ વચ્ચે સંવેદનશીલ શાયરીઓ અને ગઝલો લખી હતી. તેનો એક શેર મશહૂર છે:
ના હાથ થામ સકે, ના પકડ સકે દામન
બડે કરીબ સે ઉઠકર ચલા ગયા કોઈ
ઘણી વાર અમુક લોકોનો ‘પરિચય’ આપણને તેમના ગયા પછી થાય. એ જયારે હયાત હોય, ત્યારે આપણે આપણી ગડમથલમાં એટલા વ્યસ્ત હોઈએ છીએ કે માથું ઊંચું કરીને આપણી આજુબાજુમાં કોણ શું કરી રહ્યું છે તે જોવાની આપણને ફુરસત નથી હોતી, અને એક દિવસ અચાનક આપણે જોઈએ, તો ખબર પડે કે કેવા મૂલ્યવાન માણસો જતા રહ્યા. એમાંય આ બે વર્ષનાં કોરોનાકાળમાં તો ઘરે-ઘરે એટલી ટ્રેજેડીઓ હતી કે આપણને વિદાઈઓ ગણવાનું પણ ભુલાઈ ગયું હતું. એવી જ એક વિદાઈ અજય ગાંધીની છે. હૈદરાબાદમાં સ્થાયી થયેલા આ ગુજરાતી જીવની વિદાઈ આમ તો સપ્ટેમ્બરમાં થઇ હતી, પણ એ સમાચાર આવતા આટલી બધી વાર લાગી. ૬૫ વર્ષના અજય ગાંધીનું જવું આપણે શા માટે યાદ કરવું જોઈએ? કારણ કે આજે જયારે સાર્વજનિક સંવાદ અને ચર્ચાના નામે ઓનલાઈન કે TV પર ગાળાગાળી કરવી ‘નોર્મલ’ થઇ ગયું છે ત્યારે અજય ગાંધીએ હૈદરાબાદમાં એવા વાતાવરણનું નિર્માણ કર્યું હતું, જેમાં વૈવિધ્યપૂર્ણ અને એકબીજાથી વિરોધી વિચારો અને આઈડિયાઝની તંદુરસ્ત આપ-લેને પ્રોત્સાહન મળતું હતું: હૈદરાબાદ લિટરરી ફેસ્ટિવલ અને મંથન નામના બે મંચ,અજય ગાંધીની હૈદરાબાદને ભેટ હતી.
તેમનું અવસાન થયું ત્યારે હૈદરાબાદના ગુણી અને જ્ઞાની લોકોમાં ઉદાસી છવાઈ ગઈ હતી. અજય ગાંધીના સાંસ્કૃતિક અને બૌદ્ધિક યોગદાનની અનેક અખબારોમાં નોંધ લેવાઈ હતી. અજય ગાંધી ૨૦ વર્ષથી કેન્સર સામે લડી રહ્યા હતા અને એ વચ્ચે પણ તેઓ ‘મંથન’ નામના એક અનોખા મંચને સિંચન કરતા રહ્યા હતા. ભારતમાં અલગ-અલગ ક્ષેત્રોનાં શ્રેષ્ઠ કહેવાય તેવાં દિમાગ આ ‘મંથન’ના મંચ પર વિચારમંથન કરી ગયા છે. ૨૦૦૫માં તેની શરૂઆત થઇ હતી, અને અત્યાર સુધીમાં ત્યાં ૩૯૮ વક્તવ્યો થયાં છે. ‘મંથન’નું સૂત્ર છે ‘ખુલ્લું દિમાગ. ખુલ્લા દરવાજા: બૌદ્ધિક સંવાદને પ્રોત્સાહન.’ જેમ લાગતાવળગતા મિત્રો ભેગા થઇને અલક-મલકની વાતો કરે, તેવી રીતે અજય ગાંધીએ હૈદરાબાદના મિત્ર એમ.આર.વિક્રમ સાથે ગમતા વિષયો પર ગોષ્ઠી શરુ કરેલી, તેમાંથી ‘મંથન’ એક એવો મંચ બની ગયું હતા જ્યાં કોઇપણ વ્યક્તિ વિના સંકોચે અને વિના ડરે કોઇપણ વિષય કે વિચારની વાતો કરી શકતી હતી.
‘મંથન’ ત્રણ આદર્શો પર ચાલતું હતું: વ્યક્તિગત સમસ્યાઓ રજુ નહી કરવાની, ચર્ચામાં અપમાનજનક સવાલો નહીં પૂછવાના અને મંચનો ઉપયોગ શ્રોતાઓને સાનુકુળ લાગે તે રીતે જ કરવાનો. ઘોડાને તરસ લાગે ત્યારે તેણે કુવા પાસે જવું પડે. અજય ગાંધીએ જેને જ્ઞાનની તરસ લાગી હોય, તેમના માટે જ્ઞાનનો કુવો તેમની પાસે લાવવાનું કામ કર્યું હતું. હૈદરાબાદની વિદ્યારણ્ય સ્કૂલના મેદાનમાં, આંબલીના ઝાડ નીચે તેઓ વક્તવ્યો યોજતા હતા. હૈદરાબાદે પહેલીવાર આવી પ્રવૃત્તિ જોઈ હતી. હૈદરાબાદી સમોસા, ઓસ્માનિયા બિસ્કીટ અને ચા સાથે લોકો દેશ-દુનિયાના વિષયો પર ગહન ચર્ચા કરતા. કોરોનાની મહામારી થઇ તેમાં એ શ્રેણી તૂટી અને તેને ઓડીટોરીયમમાં લઇ ગયા.
એમાં જાણીતા અને વિચારશીલ રાજકારણીઓ, લેખકો, કલાકારો, ડોકટરો, વકીલો, ન્યાયમૂર્તિઓ, કર્મશીલો, વૈજ્ઞાનિકો, અર્થશાસ્ત્રીઓ, બિઝનેસમેનો, વિદ્રોહીઓ, ખેલાડીઓ તેમના વિચારો વ્યક્ત કરતા રહ્યા છે. એ મંચ પરથી કળા, આર્કીટેક્ચર, કવિતા, હાસ્ય કળા, રાજનીતિ, અર્થવ્યવસ્થા, પર્યાવરણ, ધર્મ, વિજ્ઞાન, ટેકનોલોજી, કાયદો-વ્યવસ્થા, મેડિકલ સાયન્સ જેવા વૈવિધ્યપૂર્ણ વિષયો પર ચર્ચા થઇ છે. હૈદરાબાદના વિચારશીલ લોકો માટે એ એક ખજાનો છે. બંધનો વગરની પ્રમાણિક બૌદ્ધિક ચર્ચા એ ‘મંથન’ની તાકાત હતી અને આજે પણ છે. મને જીજ્ઞાસા એ હતી કે હૈદરાબાદમાં જ્ઞાન-સંવાદની ગંગા ઉતારનારા એક ગુજરાતી માણસનો ગુજરાતને કેમ પરિચય નથી. એટલી જ ખબર પડી કે તેમનો પરિવાર હૈદરાબાદમાં સ્થાયી થયેલો હતો. તેઓ ૧૯૭૮માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યા હતા, અને તેમના ભાઈ કમલેશ ગાંધી સાથે મળીને હૈદરાબાદમાં ગાંધી એન્ડ ગાંધી નામની ફર્મ સ્થાપી હતી. તેમણે વિંગ્સ નામની એકાઉન્ટ સોફટવેર કંપની પણ ઉભી કરી હતી.
‘મંથન’ સહસ્થાપક વિક્રમ પણ એકાઉન્ટન્ટ હતા, અને એ નાતે બંને મિત્રો બન્યા હતા. બંનેને સાર્વજનિક વિષયોમાં ઊંડો રસ હતો, પણ હૈદરાબાદમાં એવી કોઈ પ્રવૃત્તિ થતી નહોતી. અજય ગાંધી અને વિક્રમ સંપતે ગાંઠના ખર્ચીને આ વક્તવ્યો શરુ કર્યા હતાં. એમાં મિત્રોની પણ મદદ મળતી ગઈ. અજય ગાંધીએ શુદ્ધ રૂપે ખુદના પેશનના આધારે આ પ્રવૃત્તિ શરુ કરી હતી. આજે જયારે દરેક ચીજોમાં પૈસા અને ફાયદો જોવામાં આવતો હોય અને લખવા-વાંચવા-વિચારવાની પ્રવૃત્તિને વેદિયાવેડા ગણવામાં આવતી હોય, ત્યારે એક માણસ જ્ઞાન પ્રત્યેના પ્રેમને લઈને એક એવું વાતાવરણ ઉભું કરે જેમાં સૌ જોડાતા જાય અને સંતોષ અનુભવતા જાય, તે બહુ મોટી વાત છે.
અજય ગાંધીએ એકવાર કહ્યું હતું કે, ‘અમારા મેળાવડામાં આવેલા વક્તાઓ અમને જયારે એવું કહે છે કે તેમણે દિલ્હી કે મુંબઈમાં પણ આ પ્રકારની પ્રવૃત્તિ જોઈ નથી, ત્યારે અમને આશ્ચર્ય થાય છે. એક સમાજ તરીકે આપણે ક્રિકેટ, સિનેમા અને બીજી ચીજોમાં એટલા મશગુલ રહીએ છીએ કે બૌદ્ધિક સંવાદ જેવી પ્રવૃત્તિનું સ્થાન જ નથી રહ્યું. બૌદ્ધિક ચર્ચાઓ તંદુરસ્ત સમાજ માટે અનિવાર્ય છે. સાંભળવું, શીખવું અને સમજદારીપૂર્વકના અભિપ્રાય કેળવવા એ પણ એક પ્રકારનું સામાજિક ઉદ્યમ જ છે. અમારાં જેવાં ફોરમ જો દરેક શહેરોમાં હોય તો દેશ બહેતર બનશે.’ એક ગુજરાતી આવો પણ હોય છે તે જાણીને સાચે જ સારું લાગ્યું.