અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટ (Gujarat Highcourt) અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા પર્યાવરણીય જાગરૂકતાના અભિગમ સાથે ‘ઑલ ફેસેટ્સ ઑફ નેચરલ ફાર્મિંગ’ વિષય પર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાકૃતિક કૃષિ વિશે માર્ગદર્શન આપતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતુ કે વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિ સાથે જોડાવું એ સમયની જરૂરિયાત છે. વધતાં જતાં ગ્લોબલ વોર્મિંગની નકારાત્મક અસરો, ઘટી રહેલાં કૃષિ ઉત્પાદન તેમજ સ્વાસ્થ્યપ્રદ જીવન માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર અસરકારક ઉપાય છે.
આચાર્ય દેવવ્રતે કહ્યું હતુ કે લગભગ 60ના દાયકામાં થયેલા અભ્યાસ અનુસાર ભારતની જમીનમાં બેથી અઢી ટકા કાર્બન હતો, પરંતુ એ સમયની જરૂરિયાત અનુસાર યૂરિયા સહિતના રાસાયણિક ખાતરોનો ઉપયોગ વધવાના કારણે આજે આ પ્રમાણ 0.5થી પણ ઓછું થઈ ગયું છે. જેના કારણે જમીનની ફળદ્રુપતા ઘટી ગઈ છે. એટલું જ નહીં, જમીન, હવા અને પાણી પ્રદૂષિત થયાં છે તેમજ વિવિધ રોગોનું પ્રમાણ પણ વધ્યું છે.
યુનેસ્કોના રિપોર્ટનો હવાલો આપતાં રાજ્યપાલે જણાવ્યું હતુ કે જો રાસાયણિક ખાતરોનો ઉપયોગ આજે ઘટાડવામાં નહીં આવે, તો આગામી 40-50 વર્ષમાં ગ્લોબલ વોર્મિંગની સમસ્યાના કારણે જમીન સદંતર બિનઉપજાઉ બની જશે. તદુપરાંત, વિદેશથી મંગાવવામાં આવતા યૂરિયા અને અન્ય રાસાયણિક ખાતરોમાં દેશનું હૂંડિયામણ પણ ખર્ચ થાય છે. જ્યારે પ્રાકૃતિક કૃષિ થકી જમીનનાં પોષક તત્ત્વો પણ જમીનમાં જ જળવાઈ રહે છે તેમજ વરસાદી પાણી પણ જમીનમાં ઉતરવાના કારણે જમીનનું જળસ્તર પણ ઊંચું આવશે.
આ તકે ગુજરાત હાઇકોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ સુશ્રી જસ્ટિસ સોનિયાબેન ગોકાણીએ જણાવ્યું હતું કે, પર્યાવરણના મુદ્દાઓ આજના સમયમાં મહત્ત્વપૂર્ણ બન્યા છે, આ અંગે લોકજાગૃતિ ફેલાવવી જરૂરી છે. પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાઓની જાણકારી મેળવવા આ વેબિનારનું આયોજન કરાયું છે. પ્રાકૃતિક ખેતી જેવી બાબતો અંગે લોકોને અવગત કરાવવામાં ન્યાયિક સંસ્થાઓ પણ સારી ભૂમિકા ભજવી શકે છે.