Gujarat

500 કરોડની જોગવાઈ સાથે ‘ગુજરાત વાયર ફ્રી સિટી મિશન’નો સુરત અને અમદાવાદથી આરંભ થશે – ₹4,842 કરોડથી ઊર્જા ક્ષેત્રમાં મેગા જમ્પ

ગાંધીનગર,તા.26
રાજ્યના વર્ષ 2026-27ના ₹4,08,053 કરોડના બજેટમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે ₹4,842 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ‘રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ’ના મંત્ર સાથે રજૂ થયેલું આ બજેટ ઊર્જા ક્ષેત્રમાં સર્વસ્પર્શી અભિગમ અપનાવી ગુજરાતને ગ્રીન એનર્જી કેપિટલ બનાવવા દિશામાં મક્કમ પગલું સાબિત થશેતેમ ઊર્જા વિભાગના પ્રીન્સીપલ સેક્રેટરી અશ્વિનીકુમારે આજે ગાંધીનગરમાં મીડિયા સાથેની વાતચીમાં કહયું હતું.

તેમણે કહયું હતું કે ‘ગુજરાત વાયર ફ્રી સિટી મિશન’નો શુભારંભ
તેમણે કહયું હતું કે રાજ્યના તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને તબક્કાવાર ‘વાયર ફ્રી સિટી’માં રૂપાંતરિત કરવા ₹500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઓવરહેડ લાઈનોને ભૂમિગત કેબલ નેટવર્કમાં ફેરવાશે, જેથી વીજ અકસ્માતોમાં ઘટાડો થશે, શહેરી સૌંદર્ય વધશે અને કોમનવેલ્થ-ઓલિમ્પિક રેડી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થશે.સરકારે અમદાવાદ અને સુરતથી પાયલોટ પ્રોજેકટ શરૂ કર્યો છે. આ ઉપરાંત ધાર્મિક યાત્રાધામોને પણ આવરી લેવાશે.

યાત્રાધામ બનશે ‘ગ્રીન અને વીજ સલામત ઝોન’
દ્વારકા, સોમનાથ, અંબાજી અને પાલીતાણા જેવા અગ્રણી યાત્રાધામોમાં અંડરગ્રાઉન્ડ નેટવર્ક, ટ્રાન્સફોર્મર અપગ્રેડ અને રૂફટોપ સોલાર પ્રોત્સાહન માટે ₹100 કરોડ ફાળવાયા છે. સરકારી અને સ્થાનિક સંસ્થાની ઇમારતો પર 500 kW સુધી સોલાર સ્થાપન માટે રાજ્ય સબસિડી મળશે.

સરહદે જવાનોને અવિરત વીજ પુરવઠો
કચ્છની સંવેદનશીલ બોર્ડર પર BSFની બોર્ડર આઉટ પોસ્ટ્સ માટે ઓવરહેડ લાઈનોને બદલે આધુનિક એલિવેટેડ કેબલ નેટવર્ક સ્થાપવા ₹100 કરોડની જોગવાઈ કરાઈ છે, જેથી વાવાઝોડા અને હવામાનથી થતા વિક્ષેપો અટકશે.

કૃષિ નેટવર્કમાં આધુનિકીકરણ
‘સર્જન’ યોજના હેઠળ કૃષિ ફીડરોના સુધારણા અને લોસ ઘટાડવા ₹25 કરોડ ફાળવાયા છે. સાથે જ ડાર્કઝોન સહિત 40,500 નવા કૃષિ જોડાણો માટે કુલ ₹1,166 કરોડની જોગવાઈ છે.’કિસાન સૂર્યોદય યોજના’ હેઠળ ખેડૂતોને દિવસે 8 કલાક વીજ પુરવઠા માટે ₹500 કરોડ ફાળવાયા છે. PM-KUSUM (કોમ્પોનન્ટ-B) માટે ₹200 કરોડની જોગવાઈથી ઓફ-ગ્રીડ સોલાર પમ્પને વેગ મળશે.

દરિયાકાંઠા અને આદિવાસી વિસ્તારોમાં મજબૂત માળખું
15 જિલ્લાઓમાં 18 નવા 66 KV સબસ્ટેશન માટે ₹350 કરોડ ફાળવાયા છે. જનજાતિ કલ્યાણ યોજના હેઠળ ગુણવત્તાયુક્ત વીજ પુરવઠા માટે ₹201 કરોડની જોગવાઈ છે.

ઈવી ચાર્જિંગ અને ગ્રીન હાઈડ્રોજન
રાજ્યવ્યાપી ઈલેક્ટ્રિક વ્હિકલ ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ₹50 કરોડ ફાળવાયા છે. ગ્રીન હાઈડ્રોજન ઇકોનોમી વિકાસ અને BESS (બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ) સંશોધન માટે પણ જોગવાઈ કરાઈ છે. બ્લૂ એનર્જી સિસ્ટમ અને એનર્જી ઇનોવેશન ફંડ માટે અલગથી રકમ ફાળવાઈ છે.

સુરક્ષા અને સંશોધન પર ભાર
વીજ સલામતી જાગૃતિ અભિયાન, કામદારો માટે સુરક્ષા સાધનો અને એનર્જી કન્ઝર્વેશન પ્રવૃત્તિઓ માટે વિશેષ ફાળવણી કરાઈ છે. માર્ગ વિસ્તરણ દરમિયાન અવરોધરૂપ લાઈનોના સ્થળાંતર માટે ₹125 કરોડની જોગવાઈ છે.

2030 સુધી 100 GW રિન્યુએબલ લક્ષ્ય
રાજ્યે 2030 સુધી 100 GW રિન્યુએબલ ક્ષમતા અને 2035 સુધી 3 MMTPA ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદનનું લક્ષ્ય નક્કી કર્યું છે. સ્માર્ટ ગ્રીડ, પમ્પ સ્ટોરેજ, હાઈબ્રિડ પ્રોજેક્ટ્સ અને ન્યૂક્લિયર એનર્જી વિસ્તરણ દ્વારા ઊર્જા સુરક્ષા મજબૂત કરાશે.

Most Popular

To Top