Gujarat

રાજ્યના 58 તાલુકામાં માવઠુ, શિયાળુ પાકને અસર : ઠંડી વધશે

ગાંધીનગર(Gandhinagar): ગુજરાત (Gujarat) પર અફધાનિસ્તાન (Afghanistan) તેમજ પાકિસ્તાન (Pakistan) પરથી સરકીને આવેલી સાયકલોનિક સરકયૂલેશનની સિસ્ટમ તથા વેસ્ટર્ન ડિસ્ટબન્સની સિસ્ટમની અસર હેઠળ ગુરૂવારે (Thursday) ગુજરાતમાં સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતમાં 58 તાલુકામાં કમોસમી વરસાદ (Rain) થયો હતો. રાજ્યમાં આ સિસ્ટમ કલીયર થઈ જતાં 48 કલાકના સમયગાળામાં ઠંડીનો પારો 5 ડિગ્રી જેટલો નીચે ઉતરી જાય તેવી ચેતવણી પણ હવામાન વિભાગે આપી છે. ખાસ કરીને રાજ્યમાં 1થી 7 મીમી જેટલો વરસાદ જુદા જુદા તાલુકાઓમાં થયો હતો. ગીર સોમનાથના વેરાવળમાં 7 મીમી વરસાદ થયો હતો. અમદાવાદ તથા ગાંધીનગરમાં ગુરુવારે દિવસ દરમિયાન ઝરમર વરસાદ થયો હતો. વહેલી વારે અમદાવાદ તથા ગાંધીનગરમાં ગાઢ ધુમ્મસભર્યુ વાતાવારણ જોવા મળ્યું હતું.

ગુરૂવારે રાત્રે સાયકલોનિક સરકયૂલેશન ઉત્તર ભારતના યુપી, હરિયાણા, મધ્યપ્રદેશ સહિતના રાજ્યો તરફ સરકી જતાં આકાશ ધીરે ધીરે સ્વચ્છ થવા લાગ્યું હતું. અલબત્ત અમદાવાદમા હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે, સાયકલોનિક સરકયૂલેશનની અસર હજુયે 48 કલાક રહેશે. જેમાં તા.7મી જાન્યુ.ના રોજ આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, મહીસાગર, મહેસાણા, પાટણ, પંચમહાલ, સાબરકાંઠા, ભરુચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, અમરેલી, ભાવનગર, બોટાદ, દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તેવી જ રીતે તા.8મી જાન્યુ.ના રોજ દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના રહેશે.

નલિયા તથા વલસાડમાં લઘુત્ત તાપમાન 15 ડિગ્રી નોંધાયું

હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજ્યના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 19 ડિ.સે., ગાંધીનગરમાં 18 ડિ.સે., ડીસામાં 16 ડિ.સે., વડોદરામાં 19 ડિ.સે., સુરતમાં 19 ડિ.સે., વલસાડમાં 15 ડિ.સે., ભૂજમાં 16 ડિ.સે., નલિયામાં 15 ડિ.સે., અમરેલીમાં 19 ડિ.સે., ભાવનગરમાં 19 ડિ.સે., રાજકોટમાં 18 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 18 ડિ.સે. લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું.

નવસારી જિલ્લામાં ગાઢ ધુમ્મ્સને પગલે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ છવાયું

નવસારીમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં સતત વધારો-ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેથી નવસારીમાં ઠંડીમાં પણ વધારો-ઘટાડો થઇ રહ્યો છે. આજે ગુરૂવારે સવારે નવસારીમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. જેથી વહેલી સવારે વાહન ચાલકોને વાહન ચલાવવામાં તકલીફ પડી હતી. જે ધુમ્મસ ઘણા સમય સુધી રહ્યું હતું. જોકે ત્યારબાદથી શહેરમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. જેના પગલે ખેડૂતોમાં પણ ચિંતા વધી હતી. આજે નવસારીમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે લઘુત્તમ તાપમાન 2.1 ડિગ્રી ગગડ્યું હતું. પરંતુ મહત્તમ તાપમાનમાં 2.2 ડિગ્રી વધારો થયો હતો.

Most Popular

To Top