Gujarat

ગુજરાતમાં નલિયા 7 ડિગ્રીમાં ધ્રૂજ્યું, શ્રીનગર સહિત કાશ્મીરમાં સીઝનની સૌથી ઠંડી રાત

ગાંધીનગર: (Gandhinagar) ઉત્તર-પૂર્વના પવનને કારણે ગુજરાતમાં (Gujarat) શનિવારે ઠંડીનો (Cold) પારો ત્રણ ડિગ્રી સુધી ગગડી ગયો હતો. શીતલહેરની અસરના કારણે હવે ગુજરાતમાં કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ખાસ કરીને નલિયા શનિવારે 7 ડિગ્રી ઠંડીમાં ધ્રૂજી ઊઠ્યું હતું. નલિયાવાસીઓએ ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો લીધો હતો.

ગાંધીનગરમાં 14 ડિગ્રી તથા ડિસામાં 12 ડિગ્રી ઠંડીનો અનુભવ થયો હતો. કચ્છમાં કોલ્ડ વેવની (Cold Wave) અસર વર્તાઈ રહી છે. આગામી પાંચ દિવસની અંદર કાતિલ ઠંડી યથાવત રહેશે તેમ હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં શીતલહેરની અસરના કારણે શહેરીજનો પણ ઠંડીની ચપેટમાં આવી ગયા હતા. હવામાન વિભાગનાં સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજ્યનાં અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 16 ડિ.સે., ગાંધીનગરમાં 14 ડિ.સે., ડીસામાં 12 ડિ.સે., વડોદરામાં 17 ડિ.સે., સુરતમાં 20 ડિ.સે., વલસાડમાં 14 ડિ.સે., ભૂજમાં 13 ડિ.સે., નલિયામાં 7 ડિ.સે., અમરેલીમાં 16 ડિ.સે., ભાવનગરમાં 17 ડિ.સે., રાજકોટમાં 18 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 16 ડિ.સે. લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

કાશ્મીર ખીણના મોટાભાગના સ્થળોએ સિઝનની સૌથી ઠંડી રાત્રિ

શ્રીનગર, તા.11 (પીટીઆઇ) શ્રીનગર શહેર સહિત કાશ્મીરના મોટાભાગના સ્થળોએ સિઝનની અત્યાર સુધીની સૌથી ઠંડી રાત્રિનો અનુભવ કર્યો હતો. કારણ કે, લઘુત્તમ તાપમાન ફ્રીઝિંગ પોઈન્ટથી કેટલાક ડિગ્રી નીચે ગગડી ગયું હતું. એમ અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું.અધિકારીઓએ જણાવ્યું હતું કે, શુક્રવારે રાત્રે શ્રીનગરમાં માઈનસ 3.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. જે આગલી રાત કરતાં એક ડિગ્રી ઓછું છે. તેઓએ કહ્યું કે, શુક્રવારની રાત અત્યાર સુધીની સિઝનની સૌથી ઠંડી હતી.
અધિકારીઓએ કહ્યું કે, ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લામાં ગુલમર્ગ પર્યટન સ્થળ એકમાત્ર એવું સ્થળ હતું, જ્યાં લઘુત્તમ તાપમાનમાં થોડો સુધારો થયો હતો. જો કે, તે આગલી રાત્રે નોંધાયેલ માઈનસ 6 ડિગ્રી સેલ્સિયસની તુલનામાં માઈનસ 5.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તેઓએ જણાવ્યું હતું કે, પહલગામ કે જે વાર્ષિક અમરનાથ યાત્રા માટે બેઝ કેમ્પ તરીકે સેવા આપે છે. ત્યાં માઈનસ 6.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. તે ખીણમાં સૌથી ઠંડું નોંધાયેલું સ્થળ હતું. ઉત્તર કાશ્મીરના કુપવાડામાં તાપમાનનો પારો માઈનસ 4.3 ડિગ્રી સેલ્સિયસ પર સ્થિર થયો હતો. જ્યારે, ખીણનું પ્રવેશદ્વાર શહેર કાઝીગુંડમાં માઈનસ 3.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તેમજ કોકરનાગમાં માઈનસ 3.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે આગામી થોડા દિવસો સુધી જમ્મુ અને કાશ્મીરમાં શુષ્ક પરંતુ ઠંડા હવામાનની આગાહી કરી છે.

Most Popular

To Top