ગાંધીનગર : ગુજરાતમાં શહેરી વિકાસને નવી દિશા આપતા મહત્વપૂર્ણ નિર્ણયો વચ્ચે રાજ્યના શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાત વિધાનસભામાં જણાવ્યું હતું કે ગુજરાત આજે દેશના શહેરી વિકાસનું ‘ગ્રોથ એન્જિન’ બની રહ્યું છે. રાજ્યની આશરે 48 ટકા વસ્તી શહેરોમાં વસે છે, જેને ધ્યાનમાં રાખીને વર્ષ 2026-27 માટે ₹33,504 કરોડનું વિશાળ બજેટ ફાળવવામાં આવ્યું છે. આજે ચર્ચા બાદ શહેરી વિકાસ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પસાર કરવામાં આવી હતી.
દેસાઈએ જણાવ્યું હતું કે મોટા શહેરોમાં કનેક્ટિવિટી વધુ મજબૂત બનાવવા અમદાવાદ મેટ્રો ફેઝ-3 હેઠળ થલતેજથી ગોધાવી અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી એરપોર્ટ સુધી કુલ 58.53 કિલોમીટર મેટ્રો લાઈનનું વિસ્તરણ કરવામાં આવશે, જેના માટે ₹2,217.10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રતમાં મેટ્રેો રેલની કામગીરી 73 ટકા પૂર્ણ થઈ છે. આ સાથે શહેરોમાં ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા સ્માર્ટ પાર્કિંગ, ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અને લાસ્ટ માઈલ કનેક્ટિવિટી પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.શહેરોમાં સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે ‘નમો સ્વદેશી અર્બન મોલ્સ’ માટે ₹45 કરોડ ફાળવાયા છે, જ્યારે શેરી ફેરિયાઓ માટે ‘CM મોર્ડન સ્ટ્રીટ વેન્ડિંગ માર્કેટ યોજના’ હેઠળ 43 સ્થળોએ આધુનિક બજારો બનાવવા ₹80 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
જૂના શહેર વિસ્તારોના કાયાકલ્પ માટે “મુખ્યમંત્રી નગર નવજીવન યોજના” અમલમાં મૂકાઈ છે, જેના માટે આગામી વર્ષે ₹100 કરોડ ફાળવાયા છે. આ યોજના હેઠળ ડ્રેનેજ, પાણી પુરવઠા અને રસ્તાઓમાં સુધારા સાથે કોર સિટી વિસ્તારોને આધુનિક અને ટકાઉ બનાવાશે.શહેરોમાં રમતગમત સુવિધાઓને વેગ આપવા દરેક મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા અને ફ્લાયઓવરની નીચે રમતગમત સુવિધાઓ ઊભી કરવા ₹150 કરોડ ફાળવાયા છે.
અમદાવાદને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે તૈયાર કરવા ₹10 કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે.શહેરોમાં ગરીબો અને સ્થળાંતરિતો માટે સસ્તા ભાડાના મકાનો ઉપલબ્ધ કરવા ‘નમો એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ યોજના’ અમલમાં મૂકવામાં આવી છે, જેમાં પ્રથમ તબક્કે અમદાવાદ અને સુરતમાં ₹50 કરોડના પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાશે. શહેરી સેવાઓને મજબૂત બનાવવા ‘જીવન ધારા’ યોજના હેઠળ ₹100 કરોડ ફાળવાયા છે, જ્યારે 62 નગરપાલિકાઓમાં દૈનિક પાણી પુરવઠો સુનિશ્ચિત કરવા માટે પણ ₹100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.ડિજિટલ અને જ્ઞાન આધારિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવા ગાંધીનગરમાં ₹300 કરોડના ખર્ચે ‘નમો સેન્ટ્રલ ડિજિટલ લાઈબ્રેરી અને કો-વર્કિંગ સ્પેસ’ બનાવવામાં આવશે, જેમાં આ વર્ષે ₹100 કરોડ ફાળવાયા છે. સાથે જ બિઝનેસ ટુરિઝમને વેગ આપવા MICE સેન્ટર્સ માટે ₹100 કરોડ ફાળવાયા છે.મોટા શહેરોનું ભારણ ઘટાડવા કલોલ, સાણંદ, સાવલી, બારડોલી અને હીરાસરને સેટેલાઈટ ટાઉન તરીકે વિકસાવવા ₹50 કરોડ ફાળવાયા છે. ઉપરાંત, લોથલને વૈશ્વિક પ્રવાસન નકશા પર સ્થાન આપવા થીમ પાર્ક અને અન્ય સુવિધાઓ વિકસાવવામાં આવશે, જ્યારે અંબાજીના વિકાસ માટે ₹97.25 કરોડ ફાળવાયા છે.
શહેરી વિકાસ મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય હવે માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારતું નથી, પરંતુ સુવ્યવસ્થિત, માનવકેન્દ્રિત અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક શહેરો ઊભા કરી રહ્યું છે. મેટ્રો, રોડ, એરપોર્ટ અને ડિજિટલ સિસ્ટમ્સને એકીકૃત કરીને ગુજરાતને ભવિષ્યલક્ષી શહેરી વિકાસનું મોડેલ બનાવવા સરકાર પ્રતિબદ્ધ છે.