Comments

ગુજરાતનાં જળ વ્યવસ્થાપનનો મેનિફેસ્ટો

૧૯૬૦ના દાયકાથી શરૂ થયેલ હરિયાળી ક્રાન્તિના કારણે ખેતીના મુખ્ય પાકની ઉત્પાદકતામાં ૨૬ થી ૩૦ ટકાનો વધારો થયો છે. આથી ગુજરાત જેવા વ્યાપારી રાજ્યમાં પણ ૭૦% લોકો ખેતી પર આધાર રાખી આર્થિક વિકાસ સાધી શકે છે. નર્મદા અને આનુષંગિક યોજનાઓ કાર્યાન્વિત થતાં રાજ્યની કુલ જમીનમાં ૩૨.૭% અર્થાત્ ૩૬.૫૪ લાખ હેકટરમાં પિયતનો લાભ મળશે. ત્યારે કહી શકાય કે આઝાદ ભારતમાં આ બદલાવ હરિયાળી ક્રાન્તિએ આપેલ સુધારેલાં બીજ, ખાતર, ખેતીની દવાઓ અને કૃષિ ઉદ્યોગ પ્રત્યેના સંકલિત અભિગમને આભારી છે.

જો કે હરિત ક્રાન્તિનું શસ્ત્ર ૭૫ વર્ષ બાદ હવે વસ્તીના વધારાની વ્યાપક માંગને પહોંચી વળે તેવું ધારદાર રહ્યું નથી. ત્યારે કૃષિ ઉત્પાદનમાં હજુ વધારો કરવા માટે રાસાયણિક ખાતરો સાથે જૈવિક ખાતરનો સુમેળ, પરંપરાગત બિયારણના બંધારણમાં ફેરફાર કરી તેને વધુ ઉત્પાદક બનાવવા સાથે કૃષિ ઑજારો અને સિંચાઈના પ્રમાણસર ઉપયોગની પદ્ધતિ દાખલ કરવી પડશે. હરિયાળી ક્રાન્તિના કેન્દ્રસ્થાન એવાં ખેડૂત, જમીન, પાક, પાણી અને રાસાયણિક ખાતર- દવાને બીજા તબક્કામાં પહોંચાડવા કૃષિ ઉત્પાદનને સમગ્રતાથી જોવું પડશે.

પાણી પાક ઉત્પાદનનું અગત્યનું અંગ છે. પિયત બીજાં બધાં પરિણામોની તુલનામાં પાક ઉત્પાદનમાં ૩૭% જેટલો સહયોગ આપે છે. પરંતુ પિયતનું પાણી ખૂટતું જાય છે. વાસ્તવિકતા તો એ છે કે ગુજરાતમાં આજે પણ ૬૨% કૃષિ આકાશી મહેર ઉપર નભે છે. અનિયમિત અને ઓછો વરસાદ ખેડૂતનાં તમામ અરમાનોને ભોંય ભેગી કરી દે છે. આ સ્થિતિમાં ગુજરાતના જે વિસ્તારમાં સિંચાઈનું પાણી ઉપલબ્ધ બની શકે તેમ નથી ત્યાં વરસાદી પાણીના ઉપયોગ માટે જળસ્રાવ વિકાસ અભિગમને વધુ અસરકારક બનાવવો જોઈએ. ખેત-તલાવડી અને ગ્રામ્ય તળાવ યોજનાને ઉત્તેજન આપવું જોઈએ.

જમીનમાં ભેજસંરક્ષણ માટે ઊભા પાકમાં મલ્ચિગ ટેકનોલોજી વિકસાવી શકાય તો પાકમાં નીંદણ ઘટે, જમીનમાં ભેજ વધે અનિયમિત વરસાદી હવામાનને અનુકૂળ પાકનું પૂરક આયોજન પણ કરી શકાય. સાથોસાથ ભૂગર્ભ જળસંચય માટે, કૂવા, બોરવેલ રીચાર્જ, નાળાં, વોકળા પર આડબંધ, કન્ટુર બંડિંગ, ખેત તલાવડી દ્વારા વરસાદનાં પાણીને વહી જતું અટકાવવા સંકલિત કામગીરીને પક્ષોના મેનિફેસ્ટોમાં પ્રાધાન્ય આપવું જરૂરી બને છે. ઇઝરાયલની તહાલ એન્જિનિયરિંગ નામની કંપનીએ ગુજરાતના જળ- વ્યવસ્થાપનની વર્તમાન અને ભાવિ જરૂરિયાતોને લક્ષમાં રાખી પોતાના એક અહેવાલમાં જણાવ્યું છે કે

(૧) સરદાર સરોવર પ્રોજેકટની નર્મદા કેનાલનું બાકી કાર્ય ત્વરાથી પૂર્ણ કરવું જેથી પાણીની જરૂરિયાતવાળા સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાઓમાં પાણી પહોંચે. (૨) સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં જ્યાં નહેરનો લાભ નથી મળવાનો ત્યાં નાની કેનાલોને મુખ્ય નહેર સાથે જોડી દેવી જેથી ચોમાસામાં નર્મદામાં આવતાં વધારાનાં પાણીના જથ્થાનો પૂરેપૂરો ઉપયોગ થઈ શકે. (૩) શહેરોમાં વરસાદી પાણીના રીચાર્જ માટે વૈજ્ઞાનિક અભિગમથી તૈયાર કરેલ કૂવાઓની ડિઝાઇન પ્રચલિત કરવી.

(૪) ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા તેમજ મધ્ય સૌરાષ્ટ્રના પ્રદેશોમાં જ્યાં પાણીનાં તળ ઊંડાં ગયાં છે અને નદીના પટ સૂકા થયા છે, ત્યાં સૂકી નદીના પટમાં રિચાર્જ કૂવા કરવા જેથી ચોમાસાનું પાણી નદીના પૂરમાં વહી જતું અટકે, જમીનમાં ઊતરે અને માટીના ક્ષારો ધોવાય. (૫) પથરાળ જમીનવાળા સૌરાષ્ટ્ર અને કચ્છમાં જ્યાં ઊંડા કૂવા કરવા શક્ય નથી, ત્યાં પણ નદી આસપાસ તળાવો ખોદી વહી જતા પાણીને જમીનમાં ઉતારવું જોઈએ. રાજ્ય સરકાર દ્વારા તમામ ગ્રામ પંચાયતોને પોતાની સીમ હદમાં રહેલ જળસંગ્રહ માટેની સાઇટના નકશા આપવામાં આવે.

ગુજરાત રાજ્યમાં ભૂગર્ભ જળનો ઉપયોગ ૫૮ ટકા છે, જ્યારે જમીન પરનાં તળાવ અને નદીઓનાં પાણીનો ઉપયોગ ૪૨ ટકા થાય છે. પરિણામે નદીનાં પાણી દરિયામાં વહી જાય છે અને ભરાઈ રહેલા તળાવનાં પાણી બાષ્પીભવનથી ખાલી થઈ જાય છે. એકંદરે ગુજરાતમાં ભૂગર્ભ જળનો વપરાશ વધારે છે. આથી તળાવ, નદી, ખેત તલાવડી ઉપયોગમાં લેવાનો અભિગમ પ્રચલિત કરવો જરૂરી છે.

દરિયાકાંઠાના વિસ્તારોમાં જ્યાં ભૂગર્ભ જળના અનિયંત્રિત વપરાશથી દરિયાનાં પાણી મીઠા જળના સ્રોતોમાં પ્રવેશ્યાં છે અને પાણી ખારાં થયાં છે, ત્યાં રિવર્સ ઓસ્મોસીસ જેવી ટેકનોલોજી અપનાવવાથી ખારું પાણી મીઠું થઈ શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોના કૂવા વરસાદી પાણીથી રીચાર્જ કરવાથી દરિયાનું પાણી કૂવામાં પ્રવેશતું અટકશે. ઇઝરાયલના કૃષિ ઇજનેરો જણાવે છે કે જળસ્રોત વ્યવસ્થાપન ચૂંટાયેલ રાજ્ય સરકારોનો વિષય હોઈ, ગુજરાતમાં પિયત વ્યવસ્થામાં ખેડૂતોની ભાગીદારી સુસ્પષ્ટ કરવી જરૂરી છે.

સ્વૈચ્છિક સંસ્થાઓ અને ખેડૂતોની જળ-વ્યવસ્થાપનમાં સક્રિયતા વધારવી. સિંચાઈ અને કૃષિ વિભાગ એક જ વહીવટ હેઠળ લાવવા અથવા તો સરકાર કક્ષાએ જરૂરી સંકલન કરવું. અહેવાલ જણાવે છે કે પાક સંરક્ષણ માટે વૈજ્ઞાનિક અભિગમ ખૂબ મહત્ત્વનો છે. ખેડૂત રોગ અને જીવાત વિશેની વૈજ્ઞાનિક માહિતીના અભાવે દવાના વેપારીઓની ભલામણ પ્રમાણે દવાઓ છાંટતો હોય છે, પરિણામે ખેતીને લાભ મળતો નથી, આવા સંજોગોમાં, કૃષિ યુનિવર્સિટી, રાજ્યનું ખેતીવાડી ખાતું અને વિસ્તરણ શિક્ષણ વિભાગે શિબિરો યોજી ખેતી અને ખેતીને નુકસાન કરતાં કીટકો વિશે ખેડૂતોને પ્રશિક્ષિત કરવા જોઈએ, જરૂરી માર્ગદર્શન પૂરું પાડવું જોઈએ, દવાની માત્રા અંગે માહિતી આપી ખેતીનો ખર્ચ ઘટાડવામાં મદદરૂપ થવું જોઈએ.

ગુજરાતમાં ૬૬ ટકા વિસ્તારમાં કૂવાનાં પાણી મહદંશે ભાંભળાં (ખારાં) અને જરૂરિયાત કરતાં ઓછાં છે. તેના કારણે લાખો હેકટર જમીન તરસી રહે છે, પરંતુ ભૂજળનો કાળજીપૂર્વક ઉપયોગ કરાય, તો જમીનને ખરાબ અસર પહોંચાડયા સિવાય વધારાનું ખેત ઉત્પાદન મેળવવાની શક્યતા છે. પાણીનો ઉપયોગ કરતી વખતે ખેડૂતો પાસે પાણી, જમીન અને પાકની માવજત તથા પિયત પદ્ધતિની જાણકારી હોવી આવશ્યક છે. પાણીમાં કેવા પ્રકારના અને કેટલા પ્રમાણમાં ક્ષાર છે તેની માહિતીથી ખેડૂતો વધુ ઉત્પાદન મેળવી શકે છે. ચોમાસામાં વરસાદના કે નદી, ઝરણાંના પાણીને કૂવામાં ફિલ્ટર પદ્ધતિથી જમીનમાં ઉતારી ભૂજળનો જથ્થો વધારવાથી કૂવાનાં પાણીની ગુણવત્તા સુધરે છે. કૂવાનાં પાણીમાં સોડિયમ ક્ષારોનું પ્રમાણ વધારે હોય, ત્યારે પાણીને જિપ્સમના થરોમાંથી પસાર કરવાથી પાણીની પી. એચ ઘટાડી શકાય છે.

દેશને સ્વતંત્રતા મળી ત્યારે આપણે અન્ન ક્ષેત્રે પરાવલંબી હતા. દુષ્કાળ અને અતિવૃષ્ટિમાં અન્નનો પુરવઠો મેળવવા ઘણી મુશ્કેલી પડતી હતી. વિશ્વના બીજા દેશો પર આધાર રાખવો પડતો હતો. પરંતુ ખેત સુધારણા વડે આપણે સ્વાવલંબી બન્યા છીએ એટલું જ નહીં, બીજા દેશોને મદદ કરતાં થયા છીએ ત્યારે ખેડૂત સમાજને સંકલિત કૃષિ વ્યવસ્થાપનના માર્ગે વાળીએ. ખેડૂતો સંગઠિત રહી દબાણની નીતિ આચરે તે પહેલાં રાજકીય પક્ષોના ચૂંટણી ઢંઢેરાથી લઈ ચૂંટાયેલ સરકારની પ્રાથમિકતામાં કૃષિ ઉદ્યોગને આવરી લઈએ.
ડો.નાનક ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top