વડોદરા(Vadodara) : છેલ્લાં એક અઠવાડિયાથી ઈલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની (Electrical Assistant) ભરતીના (Recruitment) મામલે વડોદરામાં વીજકંપનીની મુખ્ય કચેરી જેટકો (Getco) ખાતે ઉમેદવારો ધરણાં પ્રદર્શન (Protest) કર્યા હતા. પરીક્ષામાં ગેરરીતિના લીધે જેટકો દ્વારા ફરીથી પરીક્ષા લેવાનો નિર્ણય લેવાયો હતો, તેની સામે ઉમેદવારો વિરોધ પ્રદર્શિત કરી રહ્યાં હતાં.
આ વિવાદમાં વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે પણ ઝંપલાવ્યું હતું અને જ્યાં સુધી પરીક્ષા રદ નહીં કરાય ત્યાં સુધી આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. એક અઠવાડિયા લાંબા સંઘર્ષ બાદ હવે કંપનીએ નમતું જોખ્યું છે. કંપનીએ ફરીથી પરીક્ષા નહીં લેવાનો નિર્ણય જાહેર કર્યો છે. હવે ઉમેદવારોએ માત્ર પોલ ટેસ્ટ જ આપવાની રહેશે.
આ અગાઉ જેટકો કંપની દ્વારા લેવામાં આવેલી ઈલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીમાં પોલ ટેસ્ટમાં ખામી હોવાનું તપાસમાં ખુલતા કંપની દ્વારા પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો હતો. કંપનીની ભૂલના લીધે હજારો ઉમેદવારોને સહન કરવાની સ્થિતિ ઉભી થઈ હતી. જેના પગલે ઉમેદવારોએ વડોદરા ખાતે જેટકોની મુખ્ય કચેરીની બહાર બે દિવસ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ધરણાં પ્રદર્શન છતાં કંપની તરફથી કોઈ ઉકેલ નહીં લાવવામાં આવતા ઉમેદવારોએ ગાંધીનગર ખાતે પરિવાર સાથે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ઉમેદવારોની મક્કમતા જોતા જેટકો કંપનીએ આખરે નમતું જોખ્યું છે. નવેસરથી પરીક્ષા નહીં લેતા ઉમેદવારોએ માત્ર પોલ ટેસ્ટ જ આપવો પડશે એવું કંપનીએ નક્કી કર્યું છે. જે ઉમેદવારોએ અગાઉ લેખિત પરીક્ષા આપી હશે, તેવા ઉમેદવારોની લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં. અગાઉ પોલ ટેસ્ટ પાસ થયા ન હતા અને હવે કોઈ ઉમેદવાર પાસ થાય તો તે લેખિત પરીક્ષા આપી શકશે.