ગાંધીનગર: પીએમ નરેન્દ્ર મોદીની (PM Modi) ઉપસ્થિતિમાં વાયબ્રન્ટ ગુજરાત (Vibrant Gujarat) ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી-2024માં ગાંધીનગરમાં (Gandhinagar) યોજાવાની છે. વાયબ્રન્ટ સમિટ-2024નાં પૂર્વાધરૂપે જુલાઈ-2023થી પ્રતિ સપ્તાહે રાજ્યમાં વિવિધ ઉદ્યોગ રોકાણકારો સાથે રાજ્યમાં ઉદ્યોગો સ્થાપવા માટેના MoUનો ઉપક્રમનું આયોજન કરાઈ રહયુ છે. આ ઉપક્રમના આઠમાં તબક્કામાં ઉદ્યોગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) ઉપસ્થિતિમાં આજે તા. 04 ઑક્ટોબરે આઠમી કડીમાં ટેક્ષટાઇલ, પેકેજિંગ, કેમિકલ્સ તેમજ પાવર, ડિફેન્સ અને સ્પેસ સેક્ટર માટે રૂ. 1,100 કરોડથી વધુના રોકાણો માટે ચાર MoU થયા છે. તેનાથી સંભવિત 1,190 જેટલી રોજગારીની તકોનું નિર્માણ થશે.
આ ઉપક્રમમાં જુલાઈ-૨૦૨૩થી અત્યાર સુધીમાં તા. 4 ઓક્ટોબરે થયેલા MoU સહિત આઠ તબક્કામાં કુલ 14,636 કરોડ રૂપિયાનના સંભવિત રોકાણો માટેના 35 MoU થયાં છે. આ MoU સાકાર થતાં રાજ્યમાં સમગ્રતયા 51,709 જેટલા રોજગાર અવસરો ઊભા થશે. આ MoU અનુસાર સુરત જિલ્લાના ઇચ્છાપોર ખાતે પોલિ ફિલ્મ્સ મેન્યુફેક્ચરીંગ યુનિટ શરૂ કરવા માટે એસ. એમ. એલ. ફિલ્મ્સ લિમિટેડ દ્વારા રૂ. 450 કરોડનું રોકાણ કરવામાં આવશે. આ યુનિટ વર્ષ 2024-25માં કાર્યરત થતા 400 જેટલી રોજગારી પ્રાપ્ત થશે.
પેકેજિંગ સેક્ટરના ઉદ્યોગ માટે ભરૂચ જિલ્લામાં બીઓપીપી અને બીઓપીઈટી મેન્યુફેક્ચરીંગ યુનિટ કાર્યરત કરવા માટે આકાશ પોલિ ફિલ્મ્સ લિમિટેડ દ્વારા રૂ. 400 કરોડનું રોકાણ કરવામાં આવશે તથા અંદાજે 400 જેટલી રોજગારી પ્રાપ્ત થશે. આ એકમ માર્ચ-2025 સુધીમાં કાર્યરત થશે. તેમજ ભરૂચમાં કેમિકલ ડાઈઝ અને ઇન્ટરમીડીયેટ્સ માટે કેમિકલ મેન્યુફેક્ચરીંગ યુનિટ કાર્યરત કરવા સુપરીત કેમિકલ્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા રૂ. 150 કરોડનું રોકાણ કરવામાં આવશે, જેમાંથી 150 લોકોને રોજગારી પ્રાપ્ત થશે. આ યુનિટ વર્ષ 2025 સુધીમાં કાર્યરત થઈ જવાનો અંદાજ છે.
આ ત્રણ MoU ઉપરાંત પાવર, ડિફેન્સ અને સ્પેસ ક્ષેત્રે રૂ. 100 કરોડના રોકાણો માટે MoU થયા હતા.આ માટે વડોદરા જિલ્લાના સાવલીમાં પાવર, ડિફેન્સ અને સ્પેસ સેક્ટર માટે ઉપયોગી ટર્બાઈન પાર્ટ્સ તથા પીએસપી પ્રોજેકટસ માટે હેવી ફેબ્રીકેટેડ ગુડ્સ સ્થાપવા માટે રૂ. 100 કરોડના રોકાણો માટેના MoU બેસ્ટલ્લ મશિનિંગ અને ફેબ્રિકેશન પ્રાઈવેટ લિમિટેડે કર્યા હતા. આ પાર્કમાં 240 લોકોને રોજગારી મળશે અને આ માસના અંત સુધીમાં જ યુનિટ કાર્યરત થઈ જશે.
MoU કરનારા ઉદ્યોગકારોએ રાજ્ય સરકારની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં રાજ્યમાં સરળતાએ ઉદ્યોગો શરૂ કરી શકાય તેવું પ્રો-એક્ટીવ એડમિનિસ્ટ્રેશન, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે સરળ પ્રક્રિયા, વહીવટી સરળતા વગેરેની સક્રિય ભૂમિકાના કારણે સુગમતાથી ઉદ્યોગ શરૂ કરવા માટે અદભુત વાતાવરણ જોવા મળ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ તકે જણાવ્યું કે, રાજ્યમાં ઉદ્યોગ રોકાણકારોને ત્વરાએ ઉદ્યોગો શરૂ કરવામાં સરળતા રહે તેવું વાતાવરણ બન્યું છે અને ઉદ્યોગકારોને મુશ્કેલી ન પડે તથા સરકાર અને ઉદ્યોગો સાથે મળીને રાજ્યના વિકાસની ગતિ વધુ વેગવંતી બનાવે તેવી આપણી નેમ છે.