વાપી: (Vapi) દિવસે દિવસે પર્યાવરણમાં પ્રદૂષણનું (Pollution) પ્રમાણ વધી રહ્યુુ છે. ગુજરાતની ઔદ્યોગિક નગરી ગણાતા વાપીમાં તો પ્રદૂષણ એ ઘણી મોટી સમસ્યા છે. તે મુદ્દે વાપીના કરવડ ગામના સરકારી પ્રાથમિક શાળાના એક વિદ્યાર્થીએ (Student) તેના એક શિક્ષક સાથે મળી વાહનોના ધુમાડાથી થતાં પ્રદૂષણને ઘટાડવા માટે એક નવતર પ્રયોગ કર્યો છે. તેમણે ઓછા ખર્ચે સાઇલેન્સર ફિલ્ટર નામનું એક ડિવાઇસ (Device) બનાવ્યું છે. તેમજ એવો દાવો પણ કર્યો છે કે આ ડિવાઈસના ઉપયોગથી સરકારની નવી વહીકલ સ્ક્રેપ પોલિસી અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગના વાહનમાલિકોને મોટો ફાયદો થઈ શકે છે.
વાપીમાં પ્રદુષણ સૌથી મોટી સમસ્યા છે
મળતી માહિતી મુજબ વાપીની વાપી જીઆઇડીસી માત્ર ભારત જ નહિ પરંતુ સમગ્ર એશિયાની અગ્રણી જીઆઇડીસી માનવામાં આવે છે. ત્યાં ઔદ્યોગિક પ્રદૂષણ સાથે વાહનોના ધુમાડાના પ્રદુષણનું પ્રમાણ પણ ખૂબ વધુ છે. તેથી ત્યા પ્રદૂષણ એક મોટી સમસ્યા છે. વાપી અને આસપાસના વિસ્તારમાં નાના-મોટા 8000 થી વધુ ઉદ્યોગ-ધંધા આવેલા છે. પ્રદૂષણને પગલે સરકાર પણ પ્રયાસો કરતી હોય છે. જોકે પ્રદૂષણને ઘટાડા માટે એડવાન્સ પોલ્યુશન કંટ્રોલ વેહિકલ સાઇલેંશર નામના પ્રોજેક્ટ અંતર્ગત એક વિદ્યાર્થી અને તેના શિક્ષકે શહેરમાં દોડતા નાના વાહનોના સાઇલેન્સરમાંથી નીકળતા પ્રદૂષણને ઘટાડવા માટે એક સ્પેશિયલ ડિવાઇસ સાઇલેન્સર ફિલ્ટર બનાવ્યુ છે.
વિદ્યાર્થી અને શિક્ષકે કર્યો આવો દાવો
ધોરણ 8માં અભ્યાસ કરતો યશ પટેલે તેના શાળાના શિક્ષક જીગ્નેશ પટેલના માર્ગદર્શન હેઠળ સાઇલેન્સર ફિલ્ટર નામનું એક ડિવાઇસ બનાવ્યુ છે. યશના પિતા વિનોદભાઈ પટેલ છેલ્લા 20 વર્ષથી ગેરેજ ચલાવે છે. તેમના દીકરા યશે એ કામ કરી બતાવ્યુ જે તેઓ 20 વર્ષ ગેરેજ ચલાવવા છતાં પણ ન કરી શક્યા હતા. જેથી તેના પિતાને યશ પર ગર્વ છે. આ ડિવાઇસ બનાવ્યા બાદ વિદ્યાર્થી અને શિક્ષકે કર્યો આવો દાવો છે કે સાયલેન્સર ફિલ્ટરના ઉપયોગથી નાના વાહનોમાંથી નીકળતા ધુમાડાના પ્રદૂષણને 90 ટકા સુધી ઘટાડો કરી શકાય છે. તેમણે એમપણ કહ્યુ કે નગણ્ય ખર્ચે આ ડિવાઇસ અત્યંત ઉપયોગી સાબિત થઇ શકે છે.
આ પ્રોજેક્ટને નેશનલ સ્તરે મળ્યુ સ્થાન
સાઇલેન્સર ફિલ્ટરના ઉપયોગથી સરકારની નવી વ્હીકલ સ્ક્રેપ પોલિસી અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગના વાહન માલિકોના વાહનોની કાર્યક્ષમતા પણ વધી શકે છે. આ ડિવાઇસ વાહનોમાંથી નીકળતા ધુમાડામાં અત્યંત બારીક અને હાનિકારક પ્રદૂષણના પાર્ટિકલને રોકી અને વાહનના ધુમાડાથી થતા પ્રદૂષણને 90 ટકા સુધી ઘટાડી શકે છે. આ પ્રોજેક્ટે પહેલા જિલ્લા કક્ષાએ વિજ્ઞાન મેળામાં સ્થાન મેળવ્યુ હતું. પછી રાજ્યકક્ષાએ પણ તેની પસંદગી થઇ હતી. હવે રાષ્ટ્રીય લેવલે પણ આ પ્રોજેક્ટને આવકારવામાં આવી રહ્યુ છે.