વલસાડ : કપરાડા તાલુકાના સુલીયા ગ્રૂપ ગ્રામ પંચાયતના ઘોટવણ ગામના મુલગામ સહિત ત્રણ ફળિયાની મહિલાઓ (Women) ભરઉનાળામાં (Summer) પીવાનું પાણી (Drinking Water) મેળવવા સંઘર્ષ કરી રહી છે. ઘોટવણ ગામમાં ગારમાલ ફળીયા, કોઝીલ ફળીયા અને કાથલી ફળિયામાં તો પાણીની (Water) મુશ્કેલી છે જ, અહીંના લોકો અને વિશેષ કરી મહિલાઓ સ્થાનિક કક્ષાએ પાણી ન હોઈ દૂર સુધી ધોમધખતા તાપમાં પાણી લેવા જાય છે, પરંતુ સૌથી ગંભીર પરિસ્થિતિ મુલગામ ફળિયાની છે. અહીં આશરે 800થી વધુ લોકો પીવાનું પાણી મેળવવા દિવસે ધોમધખતા તાપમાં લાઈનો લગાવે છે. રાતભર પાણીવાળા કુવા નજીક પણ લાઈનમાં ઉભા રહે છે. તો પુરુષ વર્ગ રોજીરોટી મેળવવા બહાર જાય છે તો મહિલાઓ કમરે દોરડું બાંધી કૂવામાં જાનના જોખમે નીચે ઉતરી કોઈ સાધન વડે ઉલેચી ઉલેચીને પાણી મેળવે છે. આ બધું ચાલુ વર્ષે જ નહીં, વર્ષોથી ચાલતું આવે છે. છતાં ચૂંટણી ટાણે ડોકાયા બાદ બીજી ચૂંટણી સુધી કોઈ નેતા દેખાતા નથી, એવો બળાપો પણ સ્થાનિકોએ વ્યક્ત કર્યો હતો. તો હવે મોડે મોડે કપરાડા તાલુકાના ધારાસભ્ય અને પાણી પુરવઠા મંત્રી જીતુ ચૌધરી જિલ્લા-તાલુકા તંત્રને કડક આદેશ કરી કુવાનું કામ શરૂ કરાવે અને હાલે ટેંકરો દ્વારા પાણી અપાય તેવી કાર્યવાહી કરે તે સમયની માંગ છે.
અસ્ટોલ યોજનાની લાઈન તો નંખાઈ હજુ પાણી ન આવ્યું
ગામમાં અસ્ટોલ યોજનાની લાઈનો નંખાઈ, ટાંકી પણ બની છે, પરંતુ પાણી આવ્યું નથી. લોકોને આશા હતી કે, આ વર્ષે પાણી મળી જશે. જોકે તેમની આશા ઠગારી નીવડી છે. ઘોટવન મૂળગામના આગેવાન ગુલાબભાઈ ધનગરાએ જણાવ્યું કે, ગત વર્ષે ધારાસભ્ય દ્વારા કુવાનું ખાતમૂહુર્ત કરાયું હતું. જોકે હજુ તેનું કામ શરૂ થયું નથી. જો કૂવો બની જાય તો પાણીની મુશ્કેલી થોડી ઓછી થઈ શકે. સુલીયા ઘોટવણ ગ્રૂપ ગ્રામ પંચાયતના સરપંચ સુરેશભાઈ દેવુભાઈ એ જણાવ્યું કે, અધિકારીઓ, પદાધિકારીઓ બધાને ખબર જ છે કે માર્ચ મહિનાથી અહીં પાણીની સમસ્યા છે, તેનો ઉકેલ કેમ નથી કરતા, ઓછામાં ઓછું ટેંકરો દ્વારા પાણી આપવામાં આવે તો પણ સમસ્યા થોડી દૂર થઇ શકે.