ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં કોરોના મહામારીને બ્રેક વાગી હોય તેમ તેના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. સોમવારે નવા ૨૯૮ કેસો નોંધાયા છે. જ્યારે ખેડામાં એક દર્દીનું મૃત્યુ થયું છે. આ ઉપરાંત રાજ્યમાં ૮૦૭ કેન્દ્રો પરથી ૩૪,૪૪૦ વ્યક્તિઓને રસી (Vaccine) આપવામાં આવી છે, જ્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં ૩.૫૧ લાખ લોકોને રસી આપવામાં આવી છે.
સોમવારે રાત્રે ગાંધીનગરમાં આરોગ્ય વિભાગન સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે એક પણ વ્યક્તિ કોરોનાની રસીની આડ અસર જોવા મળી નથી. રાજ્યમાં સોમવારે નવા ૨૯૮ કેસ સામે ૪૦૬ દર્દી સાજા થઈને ઘરે ગયા છે, જેના પગલે દર્દીઓનો રીકવરી રેટ ૯૭.૦૫ ટકા થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૨,૫૪,૧૦૯ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
નવા ૨૯૮ કેસો પૈક રાજ્યમાં મનપા વિસ્તારમાં ૨૦૮ અને ગ્રામ્ય વિસ્તારમાં ૯૦ કેસો નોંધાયા છે. જેમાં વડોદર મનપા વિસ્તારમાં ૬૫, અમદાવાદ (Ahmedabad) મનપામાં ૬૩, સુરત મનપામાં ૩૨, ગાંધીનગર મનપામાં ૬, જુનાગઢ મનપામાં ૪ અને જામનગર મનપામાં ૩ કેસો નોંધાયા છે. રાજ્યમાં હાલમાં ૩૩૪૧ દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી ૩૦ દર્દીઓ વેન્ટીલેટર પર અને બાકીના ૩૩૧૧ દર્દીની સ્થિતિ સ્થિર છે. અત્યાર સુધીમાં કોરોનાના કારણે રાજ્યમાં ૪૩૮૮ દર્દીના મૃત્યુ થયા છે. જ્યારે કોરોનાના કુલ કેસો વધીને ૨.૬૧ લાખ સુધી પહોંચી ગયા છે.
સુરતમાં વધુ 4512 લોકોને વેક્સિન મુકાઈ : હવે માત્ર 9 હજાર લોકોને મૂકી શકાય તેટલા ડોઝ બાકી
સુરત: (Surat) શહેરમાં કોરોનાની ધીરે ધીરે વિદાય થઈ રહી છે. કોરોનાના સંક્રમણમાં પણ હવે ઘટાડો થઈ રહ્યો છે તેમજ વેક્સિનેશનની કામગીરી પણ પૂરજોશમાં શરૂ કરી દેવાઈ છે. શહેરમાં પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કર્સને વેક્સિન આપવામાં આવી રહી છે. તેની સાથે સાથે જ સુરત મહાનગરપાલિકા દ્વારા રવિવારથી ફ્રન્ટલાઈન વર્કરોને પણ વેક્સિન મુકાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે. જેમાં બીજા દિવસે વધુ 4512 લોકોને કોરોનાની વેક્સિન મૂકવામાં આવી હતી. જો કે, સુરતમાં વેક્સિનેશન ઝડપી બનતાં હવે વેક્સિનનો જથ્થો પણ ઝડપથી મળે તે જરૂરી છે. કેમ કે, હવે શહેરમાં માત્ર 9 હજાર લોકોને મૂકી શકાય તેટલા ડોઝ બચ્યા છે. આ સાથે 16મી તારીખથી સુરતમાં હેલ્થ વર્કરોને વેક્સિનના બીજા ડોઝ મૂકવાનો પણ પ્રારંભ થનાર છે. અત્યાર સુધીમાં મનપા દ્વારા કુલ 31009 લોકોને વેક્સિન મૂકી દેવામાં આવી છે. આ તમામને બીજો ડોઝ આપી શકાય તેટલી જ વેક્સિન હવે બચી છે.