ગાંધીનગર: (Gandhinagar) ૧૮ થી ૪૪ વર્ષની વયના યુવાનોને ઝડપભેર વેક્સિન (Vaccine) આપીને તેમને સુરક્ષાચક્ર પૂરું પાડવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની આ માટેની તાકીદના અનુસંધાને રાજ્ય સરકારે ૧૮ થી ૪૪ વર્ષના યુવાનોનાં વેક્સિનેશન માટે અત્યાર સુધીમાં ૫૨ કરોડના ખર્ચે ૧૬ લાખ ડોઝ ખરીદ્યા છે. મુખ્યમંત્રીશ્રી એ રાજ્યમાં ૧૦ શહેરોમાં હાલ ચાલી રહેલી ૧૮ થી ૪૪ વય જૂથના લોકોના રસીકરણમાં (Vaccination) એક અઠવાડિયા સુધી રોજના ૧ લાખ ડોઝ આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા હાલની પદ્ધતિ મુજબ અગાઉથી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી એસએમએસ (SMS) દ્વારા સ્થળ-સમય-તારીખ મેળવીને જ વેક્સિનેશન પ્રક્રિયા યથાવત રાખવામાં આવી છે.
રાજ્યમાં ૧૮ થી ૪૪ ની વય જૂથમાં રસીકરણ ઝડપથી અને વ્યાપકપણે થાય તેમજ વધુને વધુ યુવાઓને કોરોના સામેના આ અમોધ શસ્ત્ર એવા રસીકરણનો લાભ આપી કોરોનાથી સુરક્ષિત રાખવા શ્રી વિજય ભાઈ રૂપાણીએ આરોગ્ય વિભાગને એક સપ્તાહ સુધી ૧ લાખ ડોઝ રસીકરણ કરવા સૂચવ્યું છે. એક અઠવાડિયામાં અંદાજે ૮ લાખ યુવાઓને કોરોના રસીકરણનો લાભ મળતા કોરોના સામે વધુને વધુ યુવાઓને રક્ષણ મળશે.
ફ્રંટલાઈન વોરિયર્સ, ૪૫ થી વધુ વયના લોકોના રસીકરણમાં ગુજરાત અગ્રેસર છે, હવે ૧૮ થી ૪૪ વય જૂથના લોકોનું પણ વ્યાપક અને ઝડપી રસીકરણ કરીને યુવાઓના આરોગ્યરક્ષા ક્ષેત્રે પણ દેશમાં અગ્રેસર રહેવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. આજે સમગ્ર ગુજરાતમાં ૯૮,૭૪૫ યુવાનોનું વેક્સિનેશન કરાયું છે. આ સાથે ગુજરાતમાં કુલ ૭,૮૨,૫૮૮ યુવાનોને વેક્સિન અપાઈ છે.
બીજી તરફ રાજ્ય સરકારે હાલની વેક્સિનેશન માટે વેબસાઇટ અને એપ ના માધ્યમથી રજીસ્ટ્રેશનની જે પદ્ધતિ છે તે યથાવત રાખેલી છે, એટલે ઓનલાઇન રજીસ્ટ્રેશન વિના ઓન સ્પોટ રજીસ્ટ્રેશનથી વેક્સિનેશન પ્રક્રિયા ગુજરાતમાં હાલ કાર્યરત કરવામાં આવી નથી. ઓનલાઇન રજીસ્ટ્રેશન વિના ઓન સ્પોટ રજીસ્ટ્રેશનથી થઇ શકશે તેવા અહેવાલોના સંદર્ભમાં આરોગ્ય અગ્ર સચિવ શ્રીમતી ડૉ. જયંતી રવિએ રાજ્યમાં આ પ્રથા હાલ ચાલુ કરવામાં આવી નથી તેમ સ્પષ્ટપણે જણાવ્યું છે.
રાજ્યમાં સોમવારે 18 થી 45 વર્ષ સુધીના 98,745 વ્યક્તિઓને પ્રથમ ડોઝ , 45 વર્ષથી વધુ ઉંમરના 89,057 વ્યક્તિને પ્રથમ ડોઝ, 45 વર્ષથી વધુ ઉંમરના 18,730 વ્યક્તિને બીજો ડોઝ, 4386 હેલ્થ કેર વર્કસ અને ફંટ લાઈન વર્કસનો પ્રથમ ડોઝ, અને 6595ને બીજો ડોઝ મળી આજના દિવસમાં 2,17,513 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 1,56,01,373 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.