મુંબઇ, તા. 28 : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની અહીં રમાયેલી મેચમાં મહંમદ શમીએ લખનઉ સુપર જાયન્ટ્સની શરૂઆત બગાડ્યા પછી દીપક હુડા અને યુવા ખેલાડી આયુષ બદોનીએ અર્ધસદી ફટકારવાની સાથે જ 87 રનની ભાગીદારી કરીને ટીમને 6 વિકેટે 158 રન સુધી પહોંચાડીને મુકેલા 159 રનના લક્ષ્યાંકને ગુજરાત ટાઇટન્સે રાહુલ તેવટિયાની 40 રનની નોટઆઉટ ઇનિંગ તેમજ ડેવિડ મિલર સાથેની 60 રનની ભાગીદારીની મદદથી બે બોલ રાખીને 5 વિકેટના ભોગે કબજે કરીને મેચ 5 વિકેટે જીતી હતી.
- મહંમદ શમીએ લખનઉની શરૂઆત બગાડ્યા પછી દીપક હુડા અને આયુષ બદોનીએ બગડેલી બાજી સુધારી સ્કોર 158 સુધી લઇ ગયા
- 159 રનના લક્ષ્યાંકને હાર્દિક-વેડની ભાગીદારી, રાહુલ તેવટિયા, ડેવિડ મિલર અને અભિનવ મનોહરની મદદથી ગુજરાતે આંબ્યો
લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગુજરાચ ટાઇટન્સની શરૂઆત પણ ખરાબ રહી હતી અને 15 રનમાં જ તેમણે બે વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી બેટીંગમાં આવેલા હાર્દિક પંડ્યા અને મેથ્યુ વેડે મળીને 57 રનની ભાગીદારી કરીને સ્થિતિ થોડી સુધારી હતી. જો કે 78 રનના સ્કોર સુધીમાં એ બંને પણ આઉટ થતાં ગુજરાતની મુશ્કેલી વધી હતી. રાહુલ તેવટિયા અને ડેવિડ મિલરે તે પછી 60 રનની ભાગીદારીમ કરીને સ્કોર 138 પર પહોંચાડ્યો હતો ત્યારે મિલર 30 રન કરીને આઉટ થયો હતો. ગુજરાતે અંતિમ ઓવરમાં 11 રન કરવાના આવ્યા હતા. પહેલા બે બોલે અભિનવે ઉપરાછાપરી બે ચોગ્ગા ફટકારીને કામ સરળ બનાવ્યું હતું અને તેવટિયાએ ચોગ્ગો મારીને ટીમને જીત અપાવી હતી.
ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ પસંદ કર્યા પછી દાવ લેવા ઉતરેલી લખનઉ સુપર જાયન્ટ્સને પહેલા બોલે જ કેપ્ટન કેએલ રાહુલ આઉટ થતાં જાયન્ટ્સ ફટકો લાગ્યો હતો. શૂન્ય રને પહેલી વિકેટ ગુમાવ્યા પછી તેમણે 29 રન સુધી પહોંચતા સુધીમાં તો ચાર વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી દીપક હુડા અને આયુષ બદોનીએ ટીમના તારણહાર તરીકેની ભૂમિકા ભજવી હતી. હુડાએ આક્રમક બેટીંગ કરીને 41 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 55 રન કરવાની સાથે જ બદોનીની સાથે પાંચમી વિકેટની 87 રનની ભાગીદારી કરી હતી. બદોનીએ 41 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 54 રનની ઇનિંગ રમવાની સાથે 3.5 ઓવરમાં કૃણાલ પંડ્યાની સાથે 40 રનની ભાગીદારી કરી હતી. કૃણાલ પંડ્યા 13 બોલમાં 21 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. ગુજરાત ટાઇટન્સ વતી મહંમદ શમીએ 3 જ્યારે વરૂણ એરોને 2 અને રાશિદ ખાને 1 વિકેટ ઉપાડી હતી. હાર્દિક પંડ્યાએ પણ પુરી ચાર ઓવર બોલિંગ કરી હતી.