Gujarat

સોમનાથ, દ્વારકા અને અંબાજી ખુલશે, અમદાવાદમાં રથયાત્રા અંગે નિર્ણય પેન્ડિંગ

ગાંધીનગર: (Gandhinagar) કોરોનાની બીજી લહેર દરમ્યાન એપ્રિલ માસમાં બંધ કરવામાં આવેલા મંદિરમાં હવે આવતીકાલથી દર્શન શરૂ થશે. જેમાં રાજ્ય સરકારની નવી ગાઈડલાઈન મુજબ એક જ સમયે મંદિરમાં (Temple) 50થી વધુ ભકત્તો એકત્ર ના થવા જોઈએ, તે ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. બીજી તરફ આ વખતે રથયાત્રા કાઢવામાં આવશે કે કેમ તે અંગે હજુ કોઈ ચોક્કસ નિર્ણય લેવાયો નથી. યોગ્ય સમયે નિર્ણય લેવાશે એવું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Rupani) જણાવ્યું હતું.

બધવારે સીએમ વિજ્ય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ રાજ્ય સરકારે તા.11મી જૂનથી મંદિરોમાં દર્શનની છૂટ આપી છે. જેના ભાગરૂપે સોમનાથ, દ્વારકા, ચોટીલા, સાળંગપુર, શામળાજી, પાવાગઢના મંદિરોમાં દર્શન શરૂ થશે. જ્યારે અંબાજી મંદિરમાં 12મી જૂનથી દર્શન કરી કરાશે, આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં બગદાણા ખાતે પણ 15મી જૂનથી દર્શન શરૂ થઈ રહ્યા છે. દર્શન કરતી વખતે ભક્તોએ માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવાનું રહેશે. આ ઉપરાતં સેનિટાઈઝરનો ઉપયોગ કરવાનો રહેશે.

અમદાવાદમાં રથયાત્રા અંગે યોગ્ય સમયે નિર્ણય લેવાશે- વિજય રુપાણી

અમદાવાદ: રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે, એ સારી વાત છે. આગામી અષાઢી બીજના રોજ અમદાવાદ શહેરમાં પરંપરાગત રીતે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળતી હોય છે, ત્યારે આ વખતે રથયાત્રા કાઢવામાં આવશે કે કેમ તે અંગે હજુ કોઈ ચોક્કસ નિર્ણય લેવાયો નથી, પરંતુ યોગ્ય સમયે નિર્ણય લેવાશે એવું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. આજે અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને ભગવાન જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓ સાથે ઉચ્ચ કક્ષાની બેઠક મળી હતી. આ બેઠકમાં આગામી 12મી જુલાઈના રોજ રથયાત્રાનો પર્વ હોવાથી રથયાત્રા પરંપરાગત રીતે કાઢવામાં આવશે કે કેમ? તેને લઇ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

ગત વર્ષે કોરાની સ્થિતિને જોતાં સાર્વજનિક રીતે રથયાત્રા કાઢવામાં આવી ન હતી. પરંતુ મંદિર પરિસરમાં જ રથયાત્રા યોજાઇ હતી. પરંપરાગત રીતે ધાર્મિક વિધિ મુજબ સવારમાં મંદિરના મહંત અને ગૃહરાજ્યમંત્રી દ્વારા પૂજા અર્ચના કર્યા બાદ ગણતરીના લોકોની હાજરીમાં મંદિર પરિસરમાં જ રથયાત્રા યોજાઇ હતી. આજે જમાલપુર જગન્નાથ મંદિરના ટ્રસ્ટી અને અમદાવાદ શહેર પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓએ રથયાત્રાના સંદર્ભમાં બેઠક યોજી હતી. આ બેઠકમાં રથયાત્રાને લઈને તૈયારીઓ તેમજ આગામી દિવસોની સ્થિતિને જોતા રથયાત્રા કેવી રીતે યોજવી તેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

Most Popular

To Top