ગાંધીનગર: (Gandhinagar) રાજયમાં રાજકારણનો ગરમાટો ભલે ઠંડો થઇ ગયો પરંતુ આકાશમાંથી અગનગોળા વરસી રહ્યાં હોય તેમ ગરમી (Hot) વધી જવા પામી છે. આજે દિવસ દરમિયાન રાજયના ત્રણ શહેરો જેવા કે અમદાવાદ , સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં આજે 43 ડિગ્રી ગરમી નોંધાવવા પામી છે. હજુયે આગામી દિવસમાં ગરમી વધવાની સંભાવના છે. આ ઉપરાંત ચાર દિવસ દરમ્ાયન રાજયમાં દક્ષિણ ગુજરાતમાં માવઠું થવાની સંભાવના રહેલી છે.
- ગરમીનો પ્રકોપ , અમદાવાદ , સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં 43 ડિગ્રી ગરમી
- 11થી 14મી મે દરમિયાન માવઠાની સંભાવના
બીજી તરફ મહારાષ્ટ્ર તથા મધ્યપ્રદેશ તરફથી સરકીને દક્ષિણ ગુજરાત તરફ એક સિસ્ટમ આવી રહી છે, જેની અસર હેઠળ રાજયમાં 11,12, 13 અને 14મી મે દરમિયાન માવઠુ થવાની સંભાવના રહેલી છે. માવઠાની અસર રાજયના નર્મદા, તાપી , ડાંગ , નવસારી , વલસાડ , દમણ દાદરા નગર હવેલી , અરવલ્લી , સાબરકાંઠા , દાહોદ અને છોટા ઉદેપુર સહિતના જિલ્લામાં થશે, આ સાથે પ્રતિ કલાકના 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે, તથા ગાજવીજ પણ થવાની સંભાવના રહેલી છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ , રાજયમાં આગામી પાંચ દિવસ દરમ્યાન ગરમીના પ્રમાણમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી.જયારે દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર – કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ તથા ભેજવાળી હવાના કારણે વાતાવરણ બેચેનીભર્યુ વાતાવરણ લાગશે.
અમદાવાદના એરપોર્ટ કેમ્પસમાં આવેલા હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 43 ડિ.સે., ડીસામાં 41 ડિ.સે., ગાંધીનગરમાં 43 ડિ.સે.,વલ્લભ વિદ્યાનગરમાં 41 ડિ.સે., વડોદરામાં 41 ડિ.સે., સુરતમાં 33 ડિ.સે., વલસાડમાં 35 ડિ.સે., દમણમાં 33 ડિ.સે., ભૂજમાં 42 ડિ.સે.,નલિયામાં 36 ડિ.સે., કંડલા પોર્ટ પર 35 ડિ.સે ., કંડલા એરપોર્ટ પર 41 ડિ.સે., ભાવનગરમાં 39 ડિ.સે..,રાજકોટમાં 42 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 43 ડિ.સે., મહુવામાં 37 અને કેશોદમાં 37 ડિ.સે. મહત્તમ તાપમાન નોંધાવવા પામ્યુ હતું.