ગાંધીનગર: (Gandhinagar) પાકિસ્તાન પરથી સરકીને આવેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તથા સાયકલોનિક સરકયૂલેશની સિસ્ટમ સરકીને ગુજરાત બહાર ચાલી જતાં હવે ગુજરાતમાં કાતિલ ઠંડીની (Winter) અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ આવતીકાલ તા.૨૪થી ૨૬મી જાન્યુ. દરમિયાન રાજયમાં કોલ્ડ વેવની (Cold Wave) ચેતવણી આપવામાં આવી છે. એકલા કચ્છના નલિયામાં શનિવારે ઠંડીનો પારો ૨૦ ડિગ્રીએ હતો તે આજે નીચે ગગડીને સીધો ૮ ડિગ્રી પર આવી ગયો હતો એટલે એકલા નલિયામાં તાપમાનમાં ૧૨ ડિગ્રીનો તફાવત જોવા મળ્યો છે. આજે નલિયામા ૮ ડિગ્રી ઠંડી નોંધાઈ હતી.
- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયકલોનિક સિસ્ટમની અસર
- હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ તા.૨૪થી ૨૬મી જાન્યુ. દરમિયાન રાજયમાં કોલ્ડ વેવની ચેતવણી આપી
હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આવતીકાલ તા.૨૪થી ૨૬ દરમ્યાન ભાવનગર, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, જુનાગઢ, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા , સાબરકાંઠા, પાટણ અને મહેસાણા સહિત ૧૨ જિલ્લામાં કોલ્ડ વેવની અસર રહેશે.
રાજયમાં આજે કાતિલ ઠંડીનો માહોલ જોવા મળ્યો હતો. હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ , આજે રાજયમાં અમદાવાદમાં ઠંડી ઘટીને ૧૩ ડિ.સે.,ગાંધીનગરમાં ૧૩ ડિ.સે.,ડીસામાં ૧૧ ડિ.સે.,વડોદરામાં ૧૬ ડિ.સે.,સુરતમાં ૧૭ ડિ.સે., ભૂજમાં ૧૩ ડિ.સે., નલિયામાં ૮ ડિ.સે., ભાવનગરમાં ૧૫ ડિ.સે.,રાજકોટમાં ૧૩ ડિ.સે.,સુરેન્દ્રનગરમાં ૧૩ ડિ.સે.,લધુત્તમ તાપમાન નોંધાયુ હતું. આ રીતે લધુત્તમ તાપમાનમાં ૫થી ૭ ડિગ્રીનો તફાવત જોવા મળી રહયો છે. જયારે નલિયામાં તો ૧૨ ડિગ્રી સુધીનો તફાવત જોવા મળી રહ્યો છે.
સુરતમાં તાપમાનનો પારો એક જ દિવસમાં 4 ડિગ્રી ગગડી 17.2 ડિગ્રી પર
સુરત : સુરત સહિત સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે રવિવારે શહેરમાં મહત્તમ અને ન્યૂનત્તમ તાપમાનમાં 4 થી 5 સેલ્સિયસ ડિગ્રીનો ઘટાડો થતા લોકો ઠંડીથી ઠુંઠવાયા હતાં. ઉત્તર-પશ્વિમ દિશામાંથી દિવસે 10 કિ.મીની ઝડપે પવન ફુંકાતા ન્યૂનત્તમ તાપમાનનો પારો ગગડ્યો હતો. ન્યૂનત્તમ તાપમાન 17.2 સેલ્સિયસ ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 23.1 સેલ્સિયસ ડિગ્રી નોંધાયું હતું.
હવામાન વિભાગ પાસેથી મળતી વિગતો અનુસાર શહેરમાં આજે 10 કિ.મીની ઝડપે પવન ફુંકાતા તાપમાનનો પારો નીચે ગયો હતો. આજે સવારે મહત્તમ તાપમાન 28 ડિગ્રી હતું જે સાંજે 5 સેલ્સિયસ ડિગ્રી ઘટીને 23 ડિગ્રી ઉપર પહોંચી ગયું હતું. જ્યારે ન્યુનત્તમ તાપમાન 17.2 ડિગ્રી નોંધાયું હતું. ન્યૂનત્તમ તાપમાન પણ ગઇકાલે 21 સેલ્સિયસ ડિગ્રી હતું. જે આજે 4 ડિગ્રી ઘટી જતા ઠંડી વધી હતી. મહત્તમ અને ન્યૂનત્તમ તાપમાન ઘટી જતા લોકો સ્વેટર અને જેકેટમાં નજરે પડ્યાં હતાં. ન્યૂનત્તમ તાપમાન અને મહત્તમ તાપમાનમાં નોંધાયેલા 4 થી 5 ડિગ્રીના ઘટાડા સાથે જ શહેરમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. વહેલી સવારથી વાદળ છવાયા વાતાવરણ વચ્ચે પવનની ગતિ પ્રતિ કલાક 10 કિ.મી રહી હતી.
ઉત્તર દિશામાંથી ફુંકાતા પવનો રાજ્ય ઉપર લો-લેવલથી પસાર થઇ રહ્યા હોય તાપમાનનો પારો ગગડ્યો હોવાનું હવામાન વિભાગ પાસેથી જાણવા મળ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી સુરત સહિત સૌરાષ્ટ્રમાં કોલ્ડ વેવની આગાહી કરી છે. તાપમાનનો પારો હજી ત્રણ દિવસ સુધી 2 થી 4 ડિગ્રી સુધી ઘટી શકે છે.