Business

સુરત સહિત ગુજરાતની આ પાંચ હોટલોને સરકારે વિદેશી દારૂ વેચવાની મંજૂરી આપી

ગાંધીનગર: (Gandhinagar) રાજ્ય સરકારના ગૃહ વિભાગ (Department of Home Affairs) દ્વારા ગુજરાતની વધુ પાંચ હોટલોને લિકર પરમિટ આપવામાં આવી છે. આ હોટલો (Hotel) હવે પ્રવાસીઓને અને પરમિટ ધરાવતા લોકોને દારૂનું વિતરણ કરી શકશે. એટલું જ નહીં આ હોટલો વિદેશથી અને અન્ય રાજ્યોમાંથી તેમની હોટલમાં આવતા લોકોને પરમિટ પણ આપી શકશે. જણાવી દઈએ કે રાજ્યમાં હાલ 58 હોટલોને લિકર શોપની પરવાનગી આપવામાં આવી છે. હવે વધુ 5 હોટેલોને મંજૂરી મળતા રાજ્યમાં કુલ 64 હોટેલો પ્રવાસીઓ અને વિદેશી નાગરિકોને વિદેશી દારૂ (Alcohol) પીરસવા માટે પરમિટ ધરાવતી થઇ છે.

  • ગુજરાતની વધુ પાંચ હોટલોને લિકર પરમિટ આપવામાં આવી
  • હવે રાજ્યમાં કુલ 64 હોટલો પ્રવાસીઓ અને વિદેશી નાગરિકોને વિદેશી દારૂ પીરસવા માટે પરમિટ ધરાવતી થઇ
  • ગુજરાતની સુરત, ભાવનગર, ગોંડલ અને રાજુલા ખાતેની હોટલોને વિદેશી દારૂ આપવા માટે મંજૂરી આપવામાં આવી
  • કઈ કઈ હોટલને દારૂ પીરસવાની મળી મંજૂરી
  • – હોટેલ કોર્ટયાર્ડ બાય મેરિયોટ (યુનિટ ઓફ ગુજરાત જેએચએમ હોટેલ્સ લિ.) ભાટપોર- સુરત
  • – હોટેલ તાજ સ્કાયલાઇન (યુનિટ ઓફ સંકલ્પ ઇન), શીલજ- અમદાવાદ
  • – ઓર્કાર્ડ પેલેસ એચજીએચ હોટેલ્સ એલએલપી, હજુર પેલેસ કેમ્પસ, ગોંડલ- રાજકોટ
  • – હોટેલ લીલા ટ્રેડ લિંક પ્રા.લિ., ભાવનગર
  • – હોટેલ લાયન પેલેસ, હિન્ડોરણા રોડ, રાજુલા- અમરેલી

આરોગ્ય પરમિટ નિયમ 64 હેઠળ ગુજરાત રાજ્યમાં વસતી વ્યક્તિઓને પોતાનું આરોગ્ય જાળવવા ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાખવા અને વાપરવા પરમિટ આપવામાં આવે છે. રાજ્યના વતનીઓ માટે હેલ્થ પરમિટ (નિયમ 64), રાજ્યમાં વસવાટ માટે આવતી રાજ્ય બહારની વ્યક્તિઓ માટે હેલ્થ પરમિટ (નિયમ 64-બી), રાજ્યમાં વસતા સંરક્ષણ દળના નિવૃત્ત સભ્યો માટે હેલ્થ પરમિટ (નિયમ 64-સી), કામચલાઉ રીતે રાજ્યમાં વસવાટ કરતી વિદેશી વ્યક્તિઓ, રાજ્યમાં એક માસ માટે આવતા વિદેશી નાગરિકો, વધુમાં વધુ સાત દિવસ માટે રાજ્યની મુલાકાત માટે આવતી રાજ્ય બહારની વ્યક્તિઓ, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય વ્યવસાયિક/શૈક્ષણિક સંમેલનમાં ભાગ લેવા આવતી રાજ્ય બહારની વ્યક્તિઓ માટે પરમિટ ઇશ્યુ કરવામાં આવે છે.

ગુજરાતની સુરત, ભાવનગર, ગોંડલ અને રાજુલા ખાતેની હોટલોને વિદેશી દારૂ આપવા માટે મંજૂરી આપવામાં આવી છે. રાજ્યમાં પ્રવાસનનો વ્યાપ વધારવાના ભાગરૂપે તેમજ દેશ-વિદેશથી આવતા મહેમાનો તથા પ્રવાસીઓની સુવિધાના ભાગરૂપે સરકારે ફાઈવસ્ટાર અને ઉચ્ચ સ્ટાર ઘરાવતી હોટલોને લિકર પરમિટ આપી છે.

Most Popular

To Top